News Continuous Bureau | Mumbai
મુંબઈગરાને આખરે બે વર્ષ બાદ માસ્ક પહેરવાથી છુટકારો મળ્યો છે. પહેલી એપ્રિલ, 2022થી સાર્વજનિક સ્થળે માસ્ક નહીં પહેરનારા પાસેથી કોઈ દંડ વસુલ નહીં કરવામાં આવે, એવી મુંબઈ મહાગનરપાલિકાએ જાહેરાત કરી છે. કોરોના પગલે માસ્ક નહીં પહેરનારા પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવતો હતો.
મુંબઈમાં માર્ચ 2020થી કોરોનાના કેસ નોંધાવાનું ચાલુ થયું હતું. એ સાથે જ કોરોનાને ફેલાતો અટકાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરી નાખ્યું હતું. માસ્ક નહીં પહેરનારા પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવતો હતો. નિયમનું ઉલ્લંઘન કરનારા પાસેથી પાલિકાના ક્લીન-અપ માર્શલ્સ, પાલિકાના કર્મચારી, પોલીસ વગેરે કાર્યવાહી કરીને 200 રૂપિયાનો દંડ વસૂલ કરતા હતા.
આ સમાચાર પણ વાંચો : આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મુંબઈ કોર્ટ તરફથી NCBને મળી રાહત, ચાર્જશીટ દાખલ કરવા માટે આપ્યો આટલા દિવસનો સમય; જાણો વિગતે
હાલ જોકે મુંબઈ સહિત દેશભરમાં કોરોના નિયંત્રણમાં આવી ગયો છે. પહેલી એપ્રિલ.2022થી મહારાષ્ટ્રમાં કોરોનાને લગતા તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે માસ્ક પહેરવાનું પણ મરજિયાત કરી નાખ્યું છે. જોકે મુંબઈ મહાનગરપાલિકાએ કોરોનાનું જોખમ હજી પણ ટળ્યું ન હોવાથી લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. હવે સાર્વજનિક સ્થળ પર માસ્ક પહેરવું ફરજિયાત નથી, તેથી પાલિકાએ પણ હવે માસ્ક નહીં પહેરનારા પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલ નહીં કરવાનો નિર્ણય લીધો છે. જેનો અમલ પહેલી એપ્રિલ, 2022થી થશે.