News Continuous Bureau | Mumbai
ભરઉનાળામાં ગઈ કાલે મુંબઈ અને આસપાસ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે તાપમાનમાં ઘટાડો થવાથી લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. ત્યારે મુંબઈ સહિત થાણે, પાલઘર, રાયગઢ જિલ્લામાં આજે પણ હળવો વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. 24 અને 48 કલાક દરમિયાન તાપમાન 32 ડિગ્રી રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આથી મુંબઈગરાઓને ગરમીથી થોડી રાહત મળશે.
આ સમાચાર પણ વાંચો: મહિનાના પહેલા દિવસે મોટી રાહત, LPG સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો, જાણો હવે કેટલા રૂપિયા આપવા પડશે..
રવિવારે સવારે કોલાબામાં 1.6 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે સાંતાક્રુઝમાં વરસાદ પડ્યો નહોતો. ઓટોમેટિક સિસ્ટમ પર કરાયેલા રેકોર્ડ મુજબ સવારે વિવિધ સ્થળોએ માત્ર પાંચ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. દહિસર ફાયર બ્રિગેડ સ્ટેશને 9 મિમી, એફ નોર્થ ડિવિઝન ઑફિસમાં 11.18 મિમી, જી સાઉથ ડિવિઝન ઑફિસમાં 14.22 મિમી વરસાદ નોંધાયો હતો. આમાંથી કેટલાક કેન્દ્રોમાં સવારે 8.30 વાગ્યા પહેલા વરસાદ પડ્યો હતો.
આ વરસાદને કારણે સવારે હવામાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ત્યારબાદ ફરી ગરમી વધી ગઈ હતી. કોલાબામાં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે સાંતાક્રુઝમાં 25.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. કોલાબામાં મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે સાંતાક્રુઝમાં તે 32.2 ડિગ્રી સેલ્સિયસ હતું. લઘુત્તમ તાપમાન સરેરાશ જેટલું જ હોવા છતાં, મહત્તમ તાપમાન કોલાબામાં સરેરાશ કરતાં 1 ડિગ્રી અને સાંતાક્રુઝમાં 2 ડિગ્રી ઓછું હતું.