ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,11 જાન્યુઆરી 2022
મંગળવાર.
વેસ્ટર્ન રેલવેમાં ટિકિટ વગર અને માસ્ક વગર પ્રવાસ કરનારા ખુદાબક્ષો પાસેથી એપ્રિલથી ડિસેમ્બર, 2021 દરમિયાન નવ મહિનામાં 68 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. જેમાં અનિયમિત મુસાફરી કરવાના 11.76 કેસ નોંધાયા હતા, તો માસ્ક વગરના મુસાફરો પાસેથી 41 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ્યો હતો.
વેસ્ટર્ન રેલવે ટિકિટ વગર પ્રવાસ કરનારાઓને રોકવા માટે નિયમિત ટિકિટ ચેકિંગ ડ્રાઇવ ચલાવી રહી છે. આ સઘન ઝુંબેશને કારણે ગયા વર્ષે નવ મહિનામાં આવા પ્રવાસીઓ પાસેથી 68 કરોડ રૂપિયા અને માસ્ક વગરના લોકો પાસેથી 41.09 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
વેસ્ટર્ન રેલ્વેના દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ એપ્રિલ, 2021 થી ડિસેમ્બર, 2021 સુધી હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન ટિકિટ વિના તથા રિર્ઝવેશન વગર ગેરકાયદેસર મુસાફરી કરવાના લગભગ 11.76 લાખ કેસ નોંધાયા હતા. જેના પરિણામે 68 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
આ ઉપરાંત 413 ભિખારીઓ અને 534 અનધિકૃત હોકર્સ વગેરે પણ ઝડપાયા હતા, જેમાંથી 175 પાસેથી 60,515 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. 359 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને 1,33,670 રૂપિયા વસૂલ્યા હતા.
રેલવે પરિસરમાં માસ્ક વગરના મુસાફરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ટિકિટ ચેકિંગ સ્ટાફને માસ્ક વિના મુસાફરો પાસેથી દંડ વસૂલવાની સત્તા આપવામાં આવી છે. પરિણામે, 17 એપ્રિલ, 2021 થી ડિસેમ્બર, 2021 સુધી માસ્ક વિનાના 10 હજારથી વધુ કેસોમાં પશ્ચિમ રેલવેમાં નોંધાયા હતા અને તેમની પાસેથી 19.75 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. એ જ રીતે, 21 એપ્રિલથી 21 ડિસેમ્બર સુધી પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગરીય વિભાગ પર RPF અને BMC દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત તપાસમાં લગભગ 21.34 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.