ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
કોરોના મહામારીમાં ગત દોઢ વર્ષમાં પાલિકાએ કોરોના કેર સેન્ટર, જમ્બો કોવિડ સેન્ટર, ઓક્સિજન પ્લાન્ટ અદ્યતન ઉપકરણો, અવશ્ય દવાઓનો પુરવઠો વગેરે કામો કર્યા હતા. લોકડાઉનના સમયમાં પ્રશાસનને વિશેષ અધિકાર આપવામાં આવ્યા હતા તે અનુસાર તત્કાળ કાર્યો માટે સ્થાયી સમિતિ અને મહાસભાની પરવાનગી ન લેતા પ્રશાસન આવશ્યક ખર્ચ કે કોન્ટ્રાક્ટ આપી શકે છે. આ બાબતે માહિતી પ્રશાસન સ્થાયી સમિતિની સમક્ષ હવે રજૂ કરી રહ્યું છે.
કોરોનાકાળમાં જમ્બો કોવિડ સેન્ટર, સારવાર માટેના સાધનો ઉપલબ્ધ કરવામાં પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ આ ખર્ચ કેટલો થયો? તેનો હિસાબ પ્રશાસને આપ્યો નથી. તેવો આક્ષેપ ભાજપે કર્યો છે અને સાથે કોંગ્રેસે પણ વાંધો ઉઠાવ્યો છે. આ ખર્ચનું ઓડિટ કરવું, શ્વેતપત્ર કાઢવાની માગણી કરાઈ છે. આ માગણીની ગંભીર નોંધ લઇને કોરોના ખર્ચના રિપોર્ટને રજૂ કરવાનો આદેશ સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવે પાલિકા પ્રશાસનને આપ્યો છે.
બીકેસીમાં કોરોના સેન્ટર માટે 77.52 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ કાર્ય બાદ મંજૂરી માટે બુધવારે સમિતિ સમક્ષ મૂકાયો હતો. જેના ઉપર ભાજપના સદસ્ય ભાલચંદ્ર શિરસાટે આક્ષેપ કરતા કહ્યું હતું કે, આ ખર્ચ વિશે શ્વેતપત્ર કાઢવાની માગણી કરી છે. વિરોધી પક્ષના નેતા રવિ રાજાએ પણ આ બાબતે સવિસ્તાર રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. કોરોના કાળમાં સારા કામો થયા છે છતાં દસ રૂપિયાની વસ્તુ સો રૂપિયાના ભાવે ખરીદી કરી હોવાનું બતાવવાની શક્યતા છે. તેવો સંશય વ્યક્ત કરીને આ ખર્ચના લેખાજોખા કરવાની માગણી કરવામાં આવી છે.
અત્યાર સુધી મુંબઈમાં કોરોનામાં 4700 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. આ રકમ શેના ઉપર ખર્ચ થઈ છે. તેની કોઈ પણ પ્રકારની માહિતી અપાઈ નથી. ગત વર્ષે પણ 2100 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. ત્યારબાદ 400 કરોડ રૂપિયા ખર્ચ માટે અન્ય વિભાગમાંથી સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા.