ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ મે ૨૦૨૧
ગુરુવાર
મુંબઈ શહેરમાં ગત ૨૪ કલાક દરમિયાન 812 વૃક્ષ પડી ગયાં, જેમાંથી 504 વૃક્ષો ખાનગી જમીન પર આવેલાં છે, જ્યારે 308 વૃક્ષો સાર્વજનિક પરિસરમાં છે. આજથી અગાઉ એક દિવસમાં આટલાં બધાં વૃક્ષો ક્યારેય ધરાશાયી થયાં નથી. આથી પર્યાવરણવાદીઓ તેમ જ મુંબઈ મહાનગરપાલિકા એ વાતનું નિરીક્ષણ કરી રહી છે કે મુંબઈ શહેરનાં વૃક્ષો આટલાં નબળાં કેમ પડી ગયાં? હવે ધીમે ધીમે આ બાબત પરથી પડદો ઊઠવાની શરૂઆત થઈ ગઈ છે.
જે વૃક્ષો પડી ગયાં છે એમાંથી ૭૦ ટકા વૃક્ષો વિદેશી પ્રજાતિનાં છે. આ વૃક્ષોમાં ગુલમહોર, સોનમહોર, રેઇન ટ્રી અને રૉયલ પાન જેવાં વૃક્ષોનો સમાવેશ થાય છે. મુંબઈ મહાનગરપાલિકાએ નક્કી કર્યું છે કે એની પાસે હવે 41 એવાં વૃક્ષોની સૂચિ છે જે ભારતીય અને એમાં પણ ખાસ કરીને મુંબઈની પ્રજાતિનાં છે. હવેથી આ વૃક્ષોને જ મુંબઈ શહેરમાં ઉગાડવામાં આવશે.