ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 11 ડિસેમ્બર 2021
શનિવાર.
મુંબઈ મહાનગરપાલિકા સહિત રાજયમાં અનેક પાલિકાઓની ચૂંટણી આગામી વર્ષે થવાની છે. તેથી તમામ રાજકીય પાર્ટીઓએ અત્યારથી મતદારોને આકર્ષવા માટે જાત-જાતના પ્રયાસ ચાલુ કરી દીધા છે. તેમાં હવે ઓલ ઈન્ડિયા મજલિસ-ઈ-ઈત્તેહદુલ મુસ્લિમિન (AIMIM) પણ મુસ્લિમ મતદારનો પોતાની તરફ વાળવા કમર કસી છે. તેના ભાગ રૂપે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વમાં આઝાદ મેદાનમાં શનિવારે મુસલમાનોનો મોર્ચો કાઢવામાં આવવાનો છે. થોડા સમય પહેલા જ રાજયમાં રઝા અકેદમીના આંદોલન કારણે ઠેર ઠેર તોફાનો થયા હતા, તેથી મુંબઈ પોલીસે આ મોર્ચાને મંજૂરી આપી નથી. છતાં રાજયભરમાંથી મુસલમાનો મુંબઈની દિશા તરફ કૂચ કરીને આવી રહ્યા છે
AIMIMના મોર્ચાને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલારૂપે પોલીસે મુંબઈમાં શુક્રવાર રાતથી સોમવાર રાત સુધી
ધારા 144 લાગુ કરી દીધી છે અને મોર્ચો, રેલી અથવા કોઈ પણ આંદોલનને પરવાનગી આપી નથી. છતાં અમે મોર્ચો કાઢશું જ એવી ચીમકી AIMIM સાંસંદ ઈમ્તિયાઝ જલિલે આપી છે. આ મોર્ચાને અસદુદ્દીન ઓવૈસી સંબોધવાના છે. મુસ્લિમ આરક્ષણના મુદ્દા પર મોર્ચો કાઢવામાં આવવાનો હોવાનું અગાઉ જ ઓવૈસીએ જાહેર કર્યું હતું .
અહીં ઉલ્લેખનીય છે કે રઝા અકેદમીએ રાજયભરમાં મોર્ચા, દેખાવો કર્યા હતા, ત્યારે આ સમાજના તોફાની તત્વોએ તોફાન અને હુલ્લડો કર્યા હોવાનો આરોપ પહેલા જ તેમના પર થઈ ચૂકયો છે. પોલીસે તેની ગંભીર દખલ લઈને મુબઈમાં મોર્ચો અને દેખાવો કરવા પર પ્રતિબંધ મૂકી દીધા છે. આદેશમાં અમરાવતી અને નાંદેડમાં થયેલા તોફાનનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. તેમ જ રાજયમાં હાલ કોરોના નો નવો વેરિયન્ટ ઓમીક્રોન પણ ફેલાઈ રહ્યો છે, તેથી તકેદારીના પગલારૂપે રેલી અને આંદોલન તથા સભાની મંજૂરી આપવામાં આવતી ન હોવાનું પણ પોલીસે આદેશમાં કહ્યું છે.