News Continuous Bureau | Mumbai
- પ્રાકૃતિક કૃષિક્ષેત્રે એક સરાહનીય પહેલ
- જે ખેડૂતો ગાય રાખી શકતા નથી તેઓ હવે સરળતાથી પ્રાકૃતિક ખેતી કરી શકશે
- જરૂરિયાતમંદ ખેડૂતો રાહતદરે પ્રાકૃતિક કિટ નિયંત્રકો તેમજ જીવામૃત્ત-ઘનજીવામૃત વ્યાજબી દરે મેળવી શકશે
- આવો.. સૌ સાથે મળીને રસાયણિક ખેતીને તિલાંજલિ આપી કુદરતની દેન સમાન પ્રાકૃતિક ખેતી તરફ વળીએ
Natural farming: સુરત જિલ્લાના ખેડૂતો વધુમાં વધુ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તેવા આશયથી ખેતીવાડી વિભાગ દ્વારા મિશનમોડ પર કાર્ય થઈ રહ્યું છે. ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેકટ સુરત દ્વારા ગૌશાળા અથવા એફ.પી.ઓ.ને જીવામૃત્ત-ઘનજીવામૃત બનાવવા માટેની સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકારની સહાયથી પ્રાકૃતિક કૃષિને વેગ મળે એ માટે મહુવા તાલુકાના સણવલ્લા ગામ સ્થિત નંદનવન ગૌશાળા અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે.
જેમાં ગૌ-શાળામાં જીવામૃત્ત-ઘનજીવામૃત બનાવવા માટે રૂા.૨.૪૭ લાખનો પ્રોજેકટ સાકાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ જે ખેડૂતો ગાય રાખી શકતા નથી તેઓ હવે સરળતાથી પ્રાકૃતિક ખેતી કરે એ માટે પ્રાકૃતિક કિટ નિયંત્રકો તેમજ જીવામૃત્ત-ઘનજીવામૃત બનાવવામાં આવી રહ્યા છે. જે માટે ગૌશાળાને વર્ષ ૨૦૨૪-૨૫ માટે ઉત્પાદન અને વિતરણ તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ માટે રૂા.૧.૨૦ લાખની સબસિડી પ્રાપ્ત થઈ છે. જેના કારણે ગાય ન પાળી શકતા જરૂરિયાતમંદ ખેડૂતો રાહતદરે પ્રાકૃતિક કિટ નિયંત્રકો તેમજ જીવામૃત્ત-ઘનજીવામૃત વ્યાજબી દરે મેળવી શકશે.
આ સમાચાર પણ વાંચો: Ammonia leakage: જીવલેણ દુર્ઘટનાને ટાળવાનો પ્રયાસ.. ઓલપાડની હિન્દુસ્તાન કેમિકલ કંપનીમાં યોજાઈ ઓફસાઈટ ઈમરજન્સી મોકડ્રીલ..
Natural farming: ગૌશાળા સંચાલક જિજ્ઞાશુંભાઈ પટેલ કહે છે કે, મારા પિતા ભરતભાઈના વડપણ હેઠળ અમે ઘણા વર્ષોથી ગાય આધારિત પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. અમારી વિશાળ ગૌશાળામાં અમે ૩૪ ગાયો પાળી છે. આ ગાયો થકી જીવામૃત્ત-ઘનજીવામૃત બનાવવાનો પ્રોજેક્ટ સ્થાપ્યો છે. રાજ્ય સરકારની સહાયથી ૪૦૦ સ્કે.ફુટની જગ્યામાં ૧૦,૦૦૦ લીટર ક્ષમતા સાથે ૫૦૦×૪ કીટ-નિયંત્રક તથા માળખાકીય સુવિધા ઉભી કરી છે. આ યુનિટનો ટોટલ ખર્ચ ૨.૪૭ લાખ થયો છે, જેમાં રૂા.૧.૨૦ની સરકારની સબસિડી મળી છે. વધુમાં તેમના ભાઈ હર્ષ પટેલે કહ્યું કે, આધુનિક ઓટોમેટીક પ્લાન્ટમાં એક હજાર લીટરના આઠ ટાંકાઓ છે, જેથી સરળતાથી જીવામૃત બનાવી શકાય છે. જરૂરિયાતમંદ ખેડૂતો જીવામૃત્ત રાહતદરે મેળવી શકશે. અન્ય ૫૦૦-૫૦૦ લીટરના ચાર ટાંકાઓમાં અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ઉધઈ નિયંત્રણ, ગૌમૂત્ર અને ખાટી છાશ જેવા કિટનિયંત્રકો તૈયાર કરીએ છીએ.
આ સમાચાર પણ વાંચો: Devendra Fadnavis Cabinet Meeting : મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મંત્રીઓથી નારાજ, કેબિનેટ બેઠક પહેલા એજન્ડા લીક, આપી આ ચેતવણી
Natural farming: જિજ્ઞાશુંભાઈએ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક ખેડૂતોને જરૂરિયાત મુજબ જીવામૃત્ત ટોકન શુલ્કના દરે મેળવી શકે છે. વધુ વિગતો માટે ૯૨૬૫૬ ૫૪૧૦૪ પર અઠવાડિયા અગાઉ ઓર્ડર બુક કરવો જરૂરી છે એમ જણાવી ધરતી માતાને ઝેરમુકત બનાવી સ્વસ્થ સમાજના નિર્માણમાં જોડાવાનો સૌને અનુરોધ કર્યો હતો. સુરત જિલ્લાના આત્મા પ્રોજેકટ ડાયરેકટરશ્રી એન.જી.ગામીતે જણાવ્યું હતું કે, જે ખેડૂતોને ગાય પાળવી પોષાય તેમ નથી અને પ્રાકૃતિક ખેતી કરવા માંગે છે એમને સરકાર દ્વારા મદદરૂપ થવા માટે ગૌશાળા અથવા એફ.પી.ઓ.ને જીવામૃત્ત-ઘનજીવામૃત પ્રોજેકટ માટે સહાય આપવામાં આવે છે. જિલ્લાના મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એવો અમારો પ્રયાસ છે, ત્યારે આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું. (અહેવાલઃ- મહેન્દ્ર વેકરીયા)
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed


