• વર્ષ ૨૦૧૦માં ૧૩ લાખ રમતવીરોની સહભાગીતાથી આરંભાયેલા આ મહાકુંભમાં આજે રેકોર્ડ બ્રેક ૭૧.૩૦ લાખથી વધુ રમતવીરો હોંશભેર ભાગ લેશે
• ખેલ મહાકુંભ ૩.૦ના ઉદ્દઘાટન સમારંભમાં ખેલ મહાકુંભ ૨.૦ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ૩ શાળા, શ્રેષ્ઠ ૩ જિલ્લા અને શ્રેષ્ઠ ૩ મહાનગરપાલિકાને સન્માનિત કરવામાં આવશે
• દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ
News Continuous Bureau | Mumbai
Khel Mahakumbh: ખેલ મહાકુંભ ૩.૦નો ઉદ્દઘાટન સમારંભ આવતી કાલે તા.૦૪/૦૧/૨૦૨૫ના રોજ સાંજે ૫.૩૦ કલાકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, એથ્લેટીક્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે યોજવામાં આવશે.
રમત ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણ ઊભું થાય, પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય તેમજ ખેલકૂદના માધ્યમથી સ્વાસ્થય અંગેની જાગૃતિ આવે તેવા ઉદ્દેશ સાથે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રીએ આપેલો ખેલ મહાકુંભનો વિચાર આજે વટવૃક્ષ બની ચૂક્યો છે. વર્ષ ૨૦૧૦માં ૧૩ લાખ રમતવીરોની સહભાગીતાથી આરંભ થયેલા આ મહાકુંભમાં આજે ૭૧.૩૦ લાખથી વધુ રમતવીરો હોંશભેર ભાગ લેવા જઇ રહ્યા છે.
Khel Mahakumbh: ખેલ મહાકુંભ ૩.૦ના ઉદ્દઘાટન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ ૨.૦ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ૩ શાળા જેમાં પ્રથમ શ્રેષ્ઠ શાળા ગજેરા વિદ્યાભવન સ્કુલ, કતારગામ, સુરત, દ્વિતીય શ્રેષ્ઠ શાળા એસ.આર.હાઇસ્કુલ દેવગઢ બારીયા, દાહોદ અને તૃતીય શ્રેષ્ઠ શાળા નોલેજ હાઈસ્કુલ, નડીયાદને રોકડ-પુરસ્કાર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.
તેવી જ રીતે ખેલ મહાકુંભ ૨.૦ના રાજ્યકક્ષાના શ્રેષ્ઠ ૩ જિલ્લાઓ જેમાં ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયન ખેડા જિલ્લો, સ્ટેટ રનર્સઅપ દાહોદ જિલ્લો અને સ્ટેટ સેન્કડ રનર્સ અપ બનાસકાંઠા જિલ્લાને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.
તે ઉપરાંત ખેલ મહાકુંભ ૨.૦ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ૩ મહાનગરપાલિકાઓ જેમાં ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયન સુરત મહાનગરપાલિકા, સ્ટેટ રનર્સઅપ અમદાવાદ મહાનગરપાલિકા અને સ્ટેટ સેન્કડ રનર્સ અપ વડોદરા મહનગરપાલિકાને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.
Khel Mahakumbh: ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રેકોર્ડ બ્રેક કુલ ૭૧,૩૦,૮૩૪ રજિસ્ટ્રેશન થયા છે. અંડર-૯ કેટેગરીથી માંડીને અબોવ-૬૦ કેટેગરી સુધી મળીને વિવિધ ૭ વયજુથના ખેલાડીઓ વિવિધ ૩૯ રમતોમાં ભાગ લેશે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોને રૂ. ૫ લાખથી માંડીને રૂ.૧૦ હજાર સુધીના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. એમ રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૪૫ કરોડના રોકડ પુરસ્કાર તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતા થનાર ખેલાડીઓને આપવામાં આવશે.
દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે. ખેલ મહાકુંભમાં શારીરિક રીતે પૂર્ણત: સક્ષમ ના હોય, તેવા ખેલાડીઓને અલગ અલગ જુથોમાં વહેંચી તેઓને પણ પોતાનું કૌશલ્ય બતાવવા માટેની તક સરકારે પુરી પાડી છે. જિલ્લા અને રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે વિજેતા થનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.