News Continuous Bureau | Mumbai
Surat PBS Project : સુરત મહાનગરપાલિકાએ(SMC) લોકોની સુખાકારી અને સરળતા માટે 2019માં pbs એટલે કે ‘પબ્લિક બાઇસિક્લ શેરિંગ'(PBS) નામનો પ્રોજેકટ શરૂ કર્યો હતો. હાલ આ પ્રોજેકટની સાઇકલો ધૂળ ખાઈ રહી છે. મેન્ટેનન્સના અભાવે સાઇકલો તૂટી-ફૂટી ચૂકી છે. દરરોજની સરેરાશ 25 જેટલી સાઇકલો સર્વિસ સેન્ટર ખાતે રિપેરિંગમાં આવી રહી છે.
સુરત મહાનગરપાલિકાએ લોકોની સુવિધા માટે એક જગ્યાએથી બીજી જગ્યા પર જવા માટે સાઇકલ પ્રોજેકટ(bicycle project) શરૂ કર્યો હતો. પબ્લિક બાઇસિક્લ શેરિંગ નામનો આ પ્રોજેકટ 2019માં શરૂ કરાયો હતો, જેમાં લોકો પોતાના ઘરેથી અન્ય જગ્યા પર જવા માટે પાલિકાની સાઇકલનો ઉપયોગ કરી શકે, જેથી લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને પર્યાવરણની પણ જાળવણી થાય. આ હેતુ સાથે શરૂ કરેલી પબ્લિક બાઇસિકલ શેરિંગ (PBS) હાલ ધૂળ ખાઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Surat : સુરતમાં ઝીંગા ઉદ્યોગ ફરી રોગની ઝપેટમાં, ‘વ્હાઈટ સ્પોટ સિન્ડ્રોમ’ રોગ ફેલાયો..
લગભગ રૂ. 60 હજારની એક સાઇકલ એમ શહેરમાં 1200 જેટલી સાઇકલો સુરતના(Surat) વિવિધ સ્થળોએ 125 જેટલા સાઇકલ સ્ટેશન બનાવી મુકવામાં આવી હતી. સર્વિસ સ્ટેશન પરથી લોકો સાઇકલ લઈ જઈ શકે તે માટે સાઇકલ પર ક્યૂઆર કોડ લગાવવામાં આવ્યા છે. જે પણ આ સાઇકલ લઈ જાય તેનું રજિસ્ટ્રેશન આ ક્યૂઆર કોડ થકી થઈ જતું હતું. રાત્રીના સમયે સાઇકલિંગ કરવા માટે મોટા ભાગના લોકો આ સાયકલનો ઉપયોગ કરતા હતા. નજીવા દરે લોકોને સાઇકલ મળી જતી હોવાથી મોટી સંખ્યામાં લોકો આ સાઇકલનો ઉપયોગ કરતા થયા હતા. જો કે, થોડા સમયથી પરિસ્થિતિ અલગ છે અને અમુક અસામાજિક તત્વો દ્વારા શહેરના અનેક સ્ટેશનો પર રહેલી સાઇકલ તોડવાનું શરૂ કર્યું છે.
સર્વિસ સ્ટેશન પર આ પ્રકારની તૂટેલી સાઇકલોનો ઢગ જોવા મળ્યો હતો, જેમાં 140 જેટલી સાઇકલ ભંગાર થઈ ચૂકી છે જે ક્યારેય ચાલી શકે તેવી પરિસ્થિતિમાં નથી. સાથે અત્યારના સમયમાં દરરોજ સરેરાશ 25 જેટલી સાઇકલ રિપેરિંગ કરવા માટે આવે છે. એટલે સાફ કહી શકાય કે મેન્ટેનન્સના અભાવે સાઇકલોનો ભંગાર થઈ રહ્યો છે. પૂર્વ કોર્પોરેટરે આ મામલે અધિકારીઓ સામે આક્ષેપ કર્યા હતા કે જે કોઈ સાઇકલ ચલાવે છે, તેની નોંધણી હોવા છતાં અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસી હવા જ ખાય છે. જવાબદાર સામે પગલાં નહિ લેવાય તો આનાથી પણ વધુ બદતર પરિસ્થિતિનું નિર્માણ થશે.