News Continuous Bureau | Mumbai
Gujarat Abhayam : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક ૧૫ વર્ષીય કિશોરી વારંવાર આત્મહત્યા કરવાની ધમકીઓ આપતી હતી, જેના કારણે પરિવારજનો ગભરાઈ ગયા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે પરિવારજનોએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો. હેલ્પલાઇન ટીમે ઘટના સ્થળે પહોંચી અને કિશોરી સાથે સહાનુભૂતિપૂર્વક વાતચીત કરીને જીવનનું મુલ્ય સમજાવ્યું હતું.
કિશોરીના પરિવારજનોએ અભયમ ટીમને જણાવ્યું હતું કે, કિશોરી ઘરેથી અવારનવાર અજાણ્યા સ્થળે નીકળી જતી હતી અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરાયો ત્યારે આત્મહત્યા કરવાની ધમકીઓ આપતી હતી. તેના માતા-પિતા મુંબઈમાં રહે છે અને અગાઉ કિશોરી પણ તેમની સાથે ત્યાં જ રહેતી હતી. માતા-પિતાએ તેનો અભ્યાસ સુધરે અને વર્તનમાં બદલાવ આવે તે માટે વિવિધ પ્રયાસો કર્યા હતા. પરંતુ કિશોરીના અસ્વસ્થ માનસિક સ્વભાવને કારણે તેનો પરિવાર તણાવમાં રહેતો હતો.
આ સમાચાર પણ વાંચો : Wheat Procurement: જગતના તાત માટે ખુશીના સમાચાર, ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી આ પાક લઘુત્તમ ટેકાના ભાવે સીધી ખરીદી કરશે
અભયમ ટીમની કાઉન્સેલર ખુશ્બુ પટેલ, મહિલા હેડ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન ચૌધરી અને પાઈલોટ અક્મરમ શેખ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેઓએ કિશોરી સાથે શાંતિપૂર્ણ વાતચીત કરી, જ્યાં કિશોરીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી. કિશોરીએ જણાવ્યું કે, તે પોતાના માતા-પિતાની સાથે રહેવા માગતી નથી અને એકલા રહેવા ઈચ્છે છે. ટીમે કિશોરીને સમજાવ્યું કે, તેની ઉંમર તથા જીવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વિચાર યોગ્ય નથી. તેઓએ કિશોરીને જીવનની મૂલ્યવાનતા વિશે સમજાવ્યું અને આત્મહત્યાને કોઈ સમસ્યાનું નિરાકરણ નહીં હોવાનો મેસેજ આપ્યો હતો.
કાઉન્સેલિંગ પછી, કિશોરીએ પોતાનો ભૂતકાળ સ્વીકાર કર્યો અને તેના માતા-પિતાની સાથે ફરીથી રહેવા માટે તૈયાર થઈ. આ સમગ્ર પ્રક્રિયામાં કિશોરીના માતા-પિતા અને પરિવારજનોએ અભયમ ટીમનો સહકાર આપ્યો. કિશોરીના પરિવારજનોએ જણાવ્યું કે, અભયમ ટીમની સહાનુભૂતિપૂર્ણ અને વ્યાવસાયિક કામગીરીના કારણે આજે તેમના પરિવારને નવા જીવનની આશા મળી છે. અભયમ ટીમ દ્વારા આ કૌશલ્યપૂર્ણ કાર્યના પરિણામે એક યુવા જીવનને નવી દિશા મળી અને પરિવારમાં સુખદ શાંતિ સ્થાપિત થઈ હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.