News Continuous Bureau | Mumbai
- સુરત જિલ્લાની પાંચ તાલુકાની ૬૯૧ પ્રા.શાળાઓના ૬૦ હજારથી વધુ આદિજાતિ બાળકોને કુલ રૂ.૧૫.૧૨ કરોડના ખર્ચે અપાય છે ફ્લેવર્ડ દૂધનો લાભ: પ્રાયોજના વહીવટદાર
- ગત વર્ષે સુરતના સાત તાલુકાની ૧૩૭૬ આંગણવાણીમાં ૩૬,૫૫૬ બાળકો અને ૫૮૭૦ સગર્ભા-ધાત્રી માતાઓ મળી કુલ ૪૨,૪૨૬ લાભાર્થીઓને મળ્યો લાભ
- બાળકના સ્વસ્થ અને સુનિશ્ચિત ભવિષ્ય તરફ રાજ્ય સરકારનું અસરકારક પગલું એટલે “દૂધ સંજીવની યોજના”
Dudh Sanjivani Yojana માહિતી બ્યુરો-સુરત:શુક્રવાર: ‘ખિલખિલાટ અને કલબલાટ કરતા, નિખાલસ હાસ્યથી શાળા ગુંજાવતા, ‘દૂધ સંજીવની’ને હરખે વધાવતા, અમે બાળ સુરતના, આનંદમાં રાચતા…’
સુરત જિલ્લાના અંતરિયાળ ગામોમાં આવેલી પ્રાથમિક શાળાઓની સવાર કંઈક આવી જ ઉલ્લાસ ભરેલી હોય છે. જેનો સંપૂર્ણ શ્રેય જાય છે, રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજનાને. જેનાથી આદિજાતિના બાળકો સ્વસ્થ, સુરક્ષિત, શિક્ષિત અને સુપોષિત થઇ રહ્યા છે. બાળકોની સાથે જ આદિજાતી વિસ્તારની સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્યમાં સુધારો થઇ રહ્યો છે.
રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી વિસ્તારના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓની પોષણની સ્થિતિ સુધારવા વર્ષ ૨૦૦૬-‘૭માં એક મુખ્ય પોષણ પહેલ તરીકે રાજ્યના ૬ તાલુકાઓમાં અને ત્યારબાદ વર્ષ ૨૦૧૪થી ૨૦૧૭ સુધીમાં આ યોજનાનો વ્યાપ વધારી રાજ્યના દરેક આદિજાતી તાલુકાઓમાં ‘દૂધ સંજીવની’ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. પ્રોટીન અને સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપને દુર કરી જીવનના મહત્વપૂર્ણ તબક્કા દરમિયાન શારીરિક અને માનસિક વિકાસને ટેકો આપવાના ઉદ્દેશથી આ યોજનાનો અમલ કરાયો છે.
સ્વાદ અને સ્વાસ્થ્યનો સંગમ ગણાતા ‘દૂધ’ વિષે આયુર્વેદના મહાનગ્રંથ ચરકસંહિતામાં પણ આલેખાયું છે. જે અનુસાર, ‘ક્ષિર જીવનીયાનામ’ એટલે કે શરીરમાં જીવનીય શક્તિ વધારનારા જેટલા પણ આહારદ્રવ્યો છે એ બધામાં દૂધ સર્વોત્તમ છે. આયુર્વેદ વિજ્ઞાનના જાણકારોએ પ્રાચીન કાળથી જ ઔષધ અને ખાદ્યની દ્રષ્ટિએ દૂધની મહત્તાને પારખી છે. એટલે જ રાજ્ય સરકાર દ્વારા શરુ કરાયેલી દૂધ સંજીવની યોજના પોષણ અને વિકાસની ‘સંજીવની’ સાબિત થઇ છે.
સુરત પ્રાયોજના વહીવટદારશ્રી સુનિલે જણાવ્યું કે, ભારત જેવા વિકસિત દેશોમાં આદિવાસી ક્ષેત્રના બાળકો અને મહિલાઓનું આરોગ્ય અને પોષણ અગત્યનું છે. ‘દૂધ એક સંપૂણ આહાર’ ગણાય છે. એટલે જ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી, પ્રાથમિક શાળા અને આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ અને ક્ષાર તત્વની ઉણપ દૂર કરી તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઇ છે. રાજ્યના હજારો બાળકોને દૂધ દ્વારા પોષણ મળી રહ્યું છે અને તેઓના આરોગ્ય પર સકારાત્મક અસર જોવા મળી રહી છે. આ યોજનાના પરિણામે બાળકોમાં તંદુરસ્તી, હોશિયારી અને આત્મવિશ્વાસમાં વધારો જોવા મળ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Sam Pitroda: સામ પિત્રોડા નું આઘાતજનક નિવેદન, પાકિસ્તાનમાં ‘ઘર જેવું લાગ્યું’; ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
વધુમાં વહીવટદારશ્રીએ કહ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષમાં સુરત જિલ્લાના માંડવી, ઉમરપાડા, મહુવા, માંગરોળ અને બારડોલી તાલુકાની ૬૯૧ શાળાઓમાં ધો. ૧થી ૮માં અભ્યાસ કરતા ૬૦ હજારથી વધુ આદિજાતિ બાળકોને કુલ રૂ.૧૫.૧૨ કરોડના ખર્ચે ફ્લેવર્ડ દૂધનો લાભ આપવામાં આવ્યો છે. અને હાલમાં પણ યોજના અમલી છે.
કેવડી કેન્દ્ર પ્રાથમિક શાળાના આચાર્ય સંજયભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારના બાળકો માટે આ દૂધ આરોગ્ય માટે અમૃત સાબિત થયું છે. તેના નિયમિત સેવનથી બાળકોમાં શારીરિક શક્તિ, સંતુલિત પોષણ વધવાની સાથે તેઓનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. દૂધ સંજીવની યોજનાના લાભાર્થી બાળકોમાં ઉત્સાહ, ચહેરા પર તેજ અને રમતમાં વધુ ઊર્જા જોવા મળી છે. તેમજ બાળકોની અભ્યાસમાં રૂચિ જળવાઈ રહેવાની સાથે નિયમિતતામાં પણ નોંધપાત્ર વધારો જણાયો છે.
તેમણે કહ્યું કે, પહેલા જ્યાં કુપોષણ સામાન્ય હતું, ત્યાં આજે બાળકો તંદુરસ્ત છે. સાથે જ માતા-પિતા પણ બાળકોને પોષણ સાથે મળી રહેલા શિક્ષણ માટે વધુ સજાગ અને સહભાગી બન્યા છે.
સમગ્ર જિલ્લામાં નિયમિત ધોરણે દૂધ પહોંચાડી રહેલી સુરત સુમુલ ડેરીના સેલ્સ માર્કેટિંગ વિભાગના વિપુલભાઈ જણાવે છે કે, ‘દૂધ સંજીવની’ યોજના હેઠળ બાળકોને સ્વાદ સાથે પોષણયુક્ત દૂધ મળી રહે તે માટે સુમુલ ડેરી દ્વારા ૨૦૦ મિ.લીના પાઉચમાં ઈલાયચી, રોઝ, મેંગો અને બટરસ્કોચ જેવા ચાર ફ્લેવરમાં વિટામીન એ અને વિટામીન ડી ઉમેરી ખાસ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ તૈયાર કરીને શાળાઓ સુધી પહોંચાડવામાં આવે છે.
- બોક્ષ:
- સુરત જિલ્લામાં ‘દૂધ સંજીવની’ યોજનાનો વ્યાપવર્ષ ૨૦૨૫-૨૬માં સુરત જિલ્લાના સાત તાલુકાની ૧૩૭૬ આંગણવાણીમાં ૬ માસથી ૬ વર્ષના ૩૬,૫૫૬ બાળકો અને ૫૮૭૦ સગર્ભા બહેનો-ધાત્રી માતાઓ મળીને સરેરાશ કુલ ૪૨,૪૨૬ લાભાર્થીઓને કુલ ૫.૮૯ લાખ ૨૦૦ મિ.લીના પાઉચનું વિતરણ કરાયું છે.
હાલની સ્થિતીએ ગુજરાતના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાઓમાં અંદાજીત ૯ હજારથી વધુ શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજીત ૧૧ લાખથી વધુ બાળકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
X-X-X - બોક્ષ વિગત:
- આરોગ્યનું અમૃત, દૂધ સંજીવનીનું દૂધ’ આવું કહે ઉમરપાડાની કેન્દ્ર પ્રાથમિક શાળાના બાળકો
. . . . . . . . . .
ધો.8માં અભ્યાસ કરતી વૈભવી વસાવા કહે છે, પહેલા મને શાળાએ ગયા પછી જલદી થાક લાગતો. હવે મને દૂધ પીવાનું બહું ગમે છે. મને ભૂખ ઓછી લાગે છે, શરીરમાં શક્તિ જળવાઈ રહે છે અને રમવામાં પણ મજા આવે છે. આ દૂધથી હું વધુ તંદુરસ્ત અને શક્તિશાળી બની છું.
ધોરણ ૭માં અભ્યાસ કરતી જાહ્નવી કહે છે કે, રાજય સરકારની દૂધ સંજીવની યોજનાના લાભથી મને દરરોજ કાર્બોહાઈડ્રેડ અને વિટામિનથી ભરપૂર ફ્લેવર્ડ દૂધ મળી રહ્યું છે. દૂધ પીવાથી શાળામાં અભ્યાસ સારી રીતે કરી શકીએ છીએ. દૂધમાં પૂરતા પોષકતત્વો હોવાથી તંદરસ્તી પણ જળવાઈ રહે છે.
ધોરણ છમાં અભ્યાસ કરતો અરવિંદ પ્રજાપતિ કહે છે કે, દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે. આ શાળામાં અભ્યાસ કરૂ છું ત્યારથી દૂધ પીવું છું અને મારૂ વજન પણ વધ્યું છે. સાથે સાથે દૂધ પીવાથી બુદ્ધિનો પણ વિકાસ થાય છે.
આવો દૂધનો એક ગ્લાસ આજે આદિવાસી વિસ્તારોના હજારો બાળકો માટે તંદુરસ્ત ભાવિનો દ્વારબની રહ્યો છે.