News Continuous Bureau | Mumbai
Ganga Swarupa Yojana :
- ચોર્યાસી તાલુકાના જુના ગામના જાગૃત્તિબેન પટેલને ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાએ સ્વમાનભેર જીવન જીવવાનું બળ પૂરૂ પાડ્યું
- પતિના અવસાન બાદ વિકટ સંજોગોમાં પરિવારના જીવનનિર્વાહમાં જાગૃત્તિબેનને મળ્યો આર્થિક આધાર
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અન્ન, ઉજ્જવલા અને આયુષ્યમાન ભારત યોજનાનો પણ મેળવી રહ્યા છે લાભ
રાજ્યનો અંતરિયાળ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર; ગરીબ, મધ્યમવર્ગીય પરિવારો, વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પારદર્શક રીતે મળી રહ્યા છે. સમાજમાં એકલવાયું જીવન જીવતી મહિલાઓને આર્થિક સહયોગ મળી રહે, સ્વમાનભેર જીવી શકે અને કોઈને સામે હાથ લાંબો કરવો ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અમલી છે. પરિણામે નિરાધાર ગંગાસ્વરૂપા મહિલાઓ માટે આધારરૂપ બનેલી ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવી અનેક માતાઓ-બહેનો શાંતિપૂર્વક જીવનનિર્વાહ કરી રહી છે.
ચોર્યાસી તાલુકાના જુના ગામના ૪૦ વર્ષીય મહિલા જાગૃત્તિબેન રતિલાલ પટેલને પતિના અવસાનથી જીવનમાં આવી પડેલી આપત્તિ સામે લડવામાં ગંગાસ્વરૂપા સહાય યોજના આધારસ્થંભ બની છે.
તેઓ કહે છે છે કે, વર્ષ ૨૦૧૩ માં પતિનું અચાનક અવસાન થયું, બે બાળકોનું શું થશે એની ચિંતા કોરી ખાતી હતી. ઘરનો આધાર છીનવાઈ જતાં મારા પરિવારની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ હતી. બે બાળકોના ભરણપોષણની તમામ જવાબદારી મારા પર આવી આવી પડી.
જાગૃત્તિબેન કહે છે કે, ઘરના આધાર એવા પતિ વિના એકલવાયુ જીવન જીવવું પડતું હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં સમાજમાં મહિલાને સ્વમાનભેર જીવન જીવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવાની સાથે પોતાના જીવનનો ગુજારો કરવામાં પણ તકલીફ અનુભવવી પડતી હોય છે એ મેં જાતે અનુભવ્યું છે. આવા વિકટ સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા ગંગાસ્વરૂપા સહાય યોજના મારા માટે સંજીવની સમાન બની. ગ્રામ પંચાયતના સભ્યએ વાત કરી કે, રાજ્ય સરકાર દ્વારા નિરાધાર ગંગાસ્વરૂપા મહિલાઓને માસિક પેન્શન મળે છે. જેથી લાભ લેવા જણાવ્યું હતું. તેમની મદદથી મેં ‘ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના’નું ફોર્મ ભરતા ખૂબ ટૂંકા ગાળામાં ફોર્મ મંજૂર થઈ ગયુ અને હાલ મને માસિક રૂ.૧૨૫૦ ની સહાય મળી રહી છે. જેથી હું મારી જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવી શકું છું, આજે આ યોજનામાં મળતાં પેન્શનના સહારે જ હું સ્વમાનભેર જીવન જીવી રહી છું. તેમજ ખેતીમાં શ્રમિક તરીકે પણ કામ કરૂ છું.
આ સમાચાર પણ વાંચો : Ganga Swarupa Yojana : સ્વમાનભર્યા જીવનનો પર્યાય એટલે ગંગાસ્વરૂપા સહાય યોજના, રેણુકાબેન સુરતીને ઢળતી ઉંમરે જીવનનો નવો આધાર મળ્યો
જાગૃત્તિબેન આયુષ્માન ભારત યોજના(PMJAY), ઉજ્જવલા યોજનાનો પણ લાભ મેળવી રહ્યા છે. તેમને ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે દર મહિને ૧૫ કિલો ચોખા, ૨૦ કિલો ઘઉં અને એક કિલો ખાંડ મળે છે. જાગૃત્તિબેનના બે પુત્રો પૈકી એક હાલ ધો.૯ માં ભણે છે અને બીજો પુત્ર ITI કરી રહ્યો છે. જાગૃત્તિબેન મક્કમતાથી સમય અને સંજોગને સ્વીકારીને પુત્રને અભ્યાસ કરાવી પગભર બનાવવાની મહેનત કરી રહ્યા છે. આ સહાય મને ટેકા સ્વરૂપ સાબિત થઈ છે એમ જણાવી તેમણે રાજ્ય સરકારનો હ્રદયથી આભાર માન્યો હતો.
આગામી તા.૭મીએ વડાપ્રધાનશ્રી દિવ્યાંગજનો, ગંગાસ્વરૂપા બહેનો તેમજ વયોવૃદ્ધજનો-વડીલોના કલ્યાણ માટે આયોજિત કાર્યક્રમમાં સુરત આવી રહ્યા છે, ત્યારે સુરતમાં તેમનું ખૂબ સ્વાગત છે. આ કાર્યક્રમમાં હું પણ સહભાગી થવાની છું જેનો મને આનંદ છે એમ તેમણે જણાવ્યું હતું.
આવી કંઈ કેટલીય મહિલાઓના સંઘર્ષપૂર્ણ જીવનને ગંગા સ્વરૂપા આર્થિક યોજનાએ પીઠબળ પૂરૂ પાડ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.