News Continuous Bureau | Mumbai
INS Surat Warship: ભારતીય નૌકાદળ નું નવું યુદ્ધજહાજ ‘INS સુરત’ હજીરાના દરિયાકાંઠે પહોંચ્યું સાંસદ મુકેશભાઈ દલાલ અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા એ જહાજનું સરગમ સ્વાગત કર્યું. આ પ્રસંગે ભારતીય નૌકાદળના કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન સંદીપ શૌરી, લેફ્ટનન્ટ કમાન્ડન્ટ પાર્થ સહરાવત, ડીસીપી રાજેશ પરમાર, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, હજીરા અદાણી પોર્ટના સીઈઓ શ્રી નીરજ બંસલ, પૂર્વ મેયર જગદીશ પટેલ સહિત નેવીના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
નૌકાદળની આધુનિકતા અને ગુજરાતની પરંપરા
યુદ્ધજહાજ ‘INS સુરત’નું નિર્માણ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL), મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. જેના મહત્તમ ઉપકરણો, સંસાધનો સ્વદેશી છે. જે ‘આત્મનિર્ભર ભારત’ તેમજ મેક ઇન ઇન્ડિયા વિઝનને પ્રતિબિંબિત કરે છે. જહાજની લંબાઈ ૧૬૭ મીટર, પહોળાઈ ૧૭.૪ મીટર અને વજન ૭૪૦૦ ટન છે. તે ૩૦ નોટ્સ (૫૬ કિમી/કલાકથી વધુ)ની ઝડપ ધરાવે છે. INS સુરત એન્ટી-સરફેસ, એન્ટી-એર અને એન્ટી-સબમરીન યુદ્ધમાં સક્ષમ છે. તે નેટવર્ક-સેન્ટ્રિક યુદ્ધ ક્ષમતાઓ અને અદ્યતન સેન્સર્સ ધરાવે છે. આ જહાજ નૌકાદળના ૫૦ અધિકારીઓ અને ૨૫૦ ખલાસીઓને સમાવી શકે છે. તે ૧૬ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ્સ (સર્ફેસ ટુ સર્ફેસ), ૩૨ બરાક-૮/MRSAM (સર્ફેસ ટુ એર)માં માર કરતી મિસાઇલ્સ, ૭૬ એમએમ SRGM ગન, ચાર AK-630M નજીકના હથિયાર સિસ્ટમ, બે L&T ટ્વીન ટોર્પિડો લોન્ચર્સ અને બે L&T રોકેટ લોન્ચર્સ (એન્ટી-સબમરીન યુદ્ધ માટે) ચલાવવા માટે સક્ષમ છે.

INS સુરત ભારતીય નૌકાદળનું વિશાખાપટ્ટનમ-શ્રેણી (પ્રોજેક્ટ 15B)નું ચોથું અને અંતિમ સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. ભારતીય નૌસેનાના લેટેસ્ટ વોરશિપ પ્રોજેક્ટ-બી અંતર્ગત ચાર નેક્સ્ટ જનરેશન મિસાઈલ ડેસ્ટ્રોયર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ચોથા વોરશિપ તરીકે ગત વર્ષે ‘INS સુરત’નું નામકરણ કરાયું હતું. ગુજરાતના વાણિજ્યિક અને ઐતિહાસિક શહેર એવા સુરતના પ્રાચીન શિપબિલ્ડિંગના વારસાનું બહુમાન કરવા માટે ઇન્ડિયન નેવી દ્વારા વોરશિપનું નામ ‘INS સુરત’ અપાયું છે.