News Continuous Bureau | Mumbai
- અડાજણના પાલમાં સરકારી જમીન પર તાણી દેવાયેલાં બાંધકામો પર હથોડા
- કતારગામ વિસ્તારમાં ૧.૭૫ કરોડની ૩૫૦ ચો.મીટરની જમીન પરનું દબાણ દૂર કરાયુંઃ
- પાલ અને કતારગામ વિસ્તારમાં ૫.૭૫ કરોડની કિંમતની જમીનો પરના દબાણો હટાવાયા
Mega demolition: સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના કતારગામ અને અડાજણ મામલતદારની ટીમ દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરી સરકારી જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
સુરત શહેરના અડાજણ વિસ્તારના પાલની સરકારી જમીન પરના ગેરકાયદે દબાણ દૂર કરવા માટે સુરત શહેર(ઉત્તર)ના પ્રાંત અધિકારી નેહાબેન સવાણીની ઉપસ્થિતિમાં અડાજણ મામલતદાર મનીષ પટેલની ટીમ દ્વારા ડિમોલીશન કવાયત હાથ ધરાઈ હતી, જેમાં પાલની બ્લોક નં. ૩૨૬ વાળી જમીનને લાગુ પડતી ટી.પી.સ્કીમ નં.૧૪ (પાલ), એફ.પી.નં. ૭૫, ક્ષે.૩૩૧૧ ચો.મી. જમીન પૈકી ક્ષે.૧૮૧૧ ચો.મી. વાળી ખુલ્લી જમીન યુએલસી કાયદા હેઠળ ફાજલ જાહેર થયેલી જમીન થયેલા દબાણો હટાવી અંદાજિત રૂ. ૪ કરોડની ૧૮૧૧ ચો.મી.ની સરકારી જમીન પર ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આસપાસ ચાલતા બાંધકામોના શ્રમિકો દ્વારા પતરાના શેડ સહિતની વસાહતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, બાંધકામ મુખ્યત્વે યુએલસી ફાજલ જમીન પર થયા છે, જેનું વિશેષ સર્વે કાર્ય અગાઉથી પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. નિશ્ચિત થયેલી જગ્યાઓમાં અડાજણના પાલ ગામની જગ્યા છે. આ અભિયાન સાથે સરકારી ગૌચરણ અને યુએલસી જમીન પર દબાણમાંથી મુક્ત કરીને આગામી દિવસોમાં સરકારી જમીનનો ઉપયોગ જાહેર હિત માટે શક્ય બનશે.
અડાજણ ખાતેની સમગ્ર ડિમોલિશનમાં પોલીસ ટીમ, મનપા અધિકારીઓ તેમજ સ્ટાફગણ, મામલતદાર કચેરીના સ્ટાફ, સર્કલ ઓફિસર સહિત અડાજણના ઈ. પીઆઈ કે. એલ. ગાંધેય, પીએસઆઈ ડી.એલ.યાદવ, પીએસઆઈ બારૈયા, પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કતારગામ વિસ્તારના સુમન પ્રતીક આવાસની બાજુમાં મુખ્ય રસ્તા પર આવેલી બ્લોક નં. ૪૦ પૈકી ૨ જેનું ૭/૧૨ મુજબના ૪૯૩ ચો.મી. તથા ટી.પી. ૩૫, એફ.પી. નં. ૪૦ મુજબ ક્ષેત્રફળ ૩૫૦ ચોમી. વાળી જગ્યા યુ.એલ.સી. હેઠળ ફાજલ જાહેર થઈ સરકાર હસ્તકની માલિકીની સરકારી જગ્યા પર દબાણ દૂર કરવાથી કાર્યવાહી પૂર્ણ કરાઈ હતી. આ કામગીરીમાં કતારગામ મામલતદાર ડી.વી.ગામીત, સર્કલ ઓફિસર વિક્રમ મકવાણાની ટીમ તથા સુરત મહાનગરપાલિકાની ટીમ તેમજ પોલીસ વિભાગની ટીમના સહકારથી જગ્યાને ખૂલ્લી કરવામાં આવી હતી. જંત્રી મુજબ આ જમીનની અંદાજિત કિંમત પોણા બે કરોડ જેટલી થાય છે.
દબાણોમાં પતરાના શેડ બનાવી તેમાં કોમર્શિયલ કામગીરી જેવી કે, મોટર ગાડીઓનું ગેરેજ, કરિયાણા, ભંગારની દૂકાનો સહિતના દબાણો દૂર કરાયા હતા.
આ સમાચાર પણ વાંચો:
Inauguration of Khadi Bhavan: અમદાવાદ જુના વાડજ ખાતે અંબર સેવા સંzઘના નવીનીકરણ કરાયેલ ખાદી ભવનનું ઉદ્ઘાટન