News Continuous Bureau | Mumbai
Viksit Bharat Sankalp Yatra: છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના ( welfare schemes ) લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશસહ ગામેગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઓલપાડ ( Olpad ) તાલુકાના બલકસ અને મલગામા ( Malgama ) ગામે આવી પહોંચ્યો હતો, જ્યા ગ્રામવાસીઓ સાથે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ( Mukeshbhai Patel ) સંકલ્પ રથનું ઉમળકાભેર સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સંકલ્પ યાત્રાનો રથ એટલે કે વડાપ્રધાનશ્રીની ગેરેન્ટીવાળી ગાડી ગામે ગામ ફરીને નાનામાં નાના માણસોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ( State government ) બહુવિધ યોજનાઓના લાભો આપી રહી છે. દેશના ૨.૨૫ લાખ ગામોમાં ભ્રમણ કરી જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરવા તેમજ લોકોનું જીવનધોરણ સુધારવાનો વિકસિત ભારત યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે.
તેમણે કહ્યું કે, ઓલપાડ વિધાનસભામાં ૧૩,૭૪૭ ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રૂ.૧.૭૧ કરોડનું ગંગા સ્વરૂપા પેન્શન તેમજ ૩૩,૧૮૯ ખેડૂતોને દર વર્ષે રૂ.૨૦ કરોડની કિસાન સન્માન નિધિની સહાય મળી રહી છે. ઓલપાડ વિધાનસભામાં ગુજરાતમાં સૌથી વધુ ૧૩ હજાર પી.એમ. આવાસ નિર્માણ પામ્યા છે
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ડિજિટલાઇઝેશનને વેગ આપી લોકોના જનધન ખાતા ખોલાવ્યા, જેથી વચેટિયાઓને નાબૂદ કરી લાભાર્થીને પૂરે પૂરો લાભ આપી શકાય. સરકારની પારદર્શક વ્યવસ્થાથી વિકાસના ફળો, આર્થિક સહાય લાભાર્થી સુધી પહોંચી રહી છે.
ખેતી, આરોગ્ય, શિક્ષણ જેવા વિવિધ વિભાગોમાં કાર્યરત યોજનાઓનો મહત્તમ લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરતા મંત્રીશ્રીએ વિવિધ યોજનાઓ અને તેના લાભોની જાણકારી આપી હતી. સંકટ સમયની સાંકળ સમાન આયુષ્માન ભારત યોજના સમગ્ર વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે, જેણે વિવિધ શારીરિક સમસ્યાથી પીડાતા ગરીબ લોકોની પરવશતા અને લાચારી દૂર કરી છે એમ જણાવી ગ્રામજનોને તેનો વિશેષત: લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ISRO XPoSat Mission: નવા વર્ષના પહેલા જ દિવસે ISRO એ રચ્યો ઈતિહાસ.. ઈસરોનું XSPECT લોન્ચ.. ચંદ્ર બાદ હવે અવકાશનું આ રહસ્ય ઉકેલાશે..
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૮ સુધી દેશના ૮૦ કરોડ નાગરિકોને ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નિઃશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવશે, આ યોજના હેઠળ દેશના જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદ સમાન બની છે એમ જણાવી મંત્રીશ્રીએ આવનારૂ નવું વર્ષ ૨૦૨૪ ગુજરાત અને દેશ માટે ફળદાયી, સુખદાયી બને એવી આકાંક્ષા વ્યક્ત કરી હતી.
બલકસ ગામના સરપંચશ્રી કુલદિપસિંહ ઠાકોરે સ્વાગત પ્રવચન કરી ગામમાં થયેલા વિકાસ કામો અને વિકસિત ભારત યાત્રાના આયોજન અંગેની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે તેમજ વિવિધ સ્ટોલ મારફતે ઉપલબ્ધ સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી તેનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ સાધી તેઓના અનુભવ જાણ્યા હતા. સખી મંડળની બહેનોએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ દર્શાવતી નાટિકા રજૂ કરી હતી.
આ પ્રસંગે મલગામા ખાતે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, બલકસ ગામે તા.પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી બ્રિજેશ પટેલ, કિશન પટેલ, કિરણ પટેલ, ભક્તિબેન, જીજ્ઞેશભાઈ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ગઢવી, તલાટી કમ મંત્રી, આઈસીડીએસ અને તા.આરોગ્ય વિભાગના અધિકારીઓ, આંગણવાડી અને આશાવર્કર બહેનો, સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
.