News Continuous Bureau | Mumbai
- પ્રાકૃતિક ખેતીથી થયેલો સફળ પ્રયાસ: દેલાડવાના ખેડૂતોને શેરડી અને સુરણના ઈન્ટરક્રોપિંગથી આઠ લાખનો નફો
- સુરતમાં ૪૧,૬૧૮ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી: ૧૧,૦૦૬ ખેડૂતો ૯,૨૭૫ એકરમાં શેરડીની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે
Surat Farming: ગાંધીજીની સ્વરાજની કલ્પના ગાય અને ગ્રામ આધારિત હતી. ભારતીય દેશી ગાયની માનવજીવનમાં ઉપયોગિતા વિશે વેદ-પુરાણો, ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખો છે. ભારતીય સંસ્કૃતિમાં લોકો પરંપરાગત રીતે પ્રકૃતિ તેમજ ગૌમાતાને પૂજતા આવ્યાં છે. પુરાતનકાળમાં થતી ગૌઆધારિત ખેતી આધુનિક યુગમાં પણ મૂર્તિમંત થઈ રહી છે, ત્યારે સુરત આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એન.જી. ગામીતના જણાવ્યા મુજબ સુરત જિલ્લાએ પણ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે હરણફાળ ભરી છે. સુરત જિલ્લામાં કુલ ૪૧,૬૧૮ ખેડૂતો ૨૯,૮૩૦ એકરમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે. ખાસ કરીને શેરડીના પાક માટે ૧૧,૦૦૬ ખેડૂતો ૯,૨૭૫ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામના બે ભાઈઓ શૈલેષભાઈ અને વિજયભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીનો એક નવો માઈલસ્ટોન સર કર્યો છે. આઠ વીઘા જમીનમાં તેમણે શેરડીની પ્રાકૃતિક ખેતી અપનાવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ વર્ષે સુરત જિલ્લામાં પ્રથમવાર શેરડીના સાંઠામાં ૫૦ ઈન્ટરનોડ્સ જોવા મળ્યા છે, જે ગુણવત્તાયુક્ત ખેતીનો દાખલો છે.
શૈલેષભાઈ અને વિજયભાઈ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને ખાસ કરીને શેરડીના પાકમાં તેમણે શાનદાર સફળતા હાંસલ કરી છે. તેમના ખેતરમાં ૮૬૦૦૨ જાતની શેરડીનું વાવેતર ૫ ફૂટ એટલે કે ૧૬૫ સે.મીના અંતરે કરવામાં આવ્યું છે. હાલમાં શેરડીના પાકની કાપણી ચાલી રહી છે, જેનું અંદાજિત ઉત્પાદન ૩૦ થી ૩૫ ટકાના દરે મળવાની અપેક્ષા છે. શેરડીના ગુણવત્તાવાળા સાંઠા (ઈન્ટરનોડ્સ)ની વાત કરીએ તો, સામાન્ય રીતે ૩૦ ઈન્ટરનોડ્સ જોવા મળે છે, પરંતુ શૈલેષભાઈના ખેતરમાં ૪૫ થી ૫૦ ઈન્ટરનોડ્સ મળી રહ્યા છે, જે તેમના પાકની ગુણવત્તા અને સાતત્યને દર્શાવે છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Congress Office :રાહુલ ગાંધીના નિવેદનનો મુંબઈમાં વિરોધ, ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કર્યો, તોડફોડ કરી; જુઓ વીડીયો
શૈલેષભાઈ અને વિજયભાઈએ શેરડી સાથે આંતરપાક તરીકે સુરણની ખેતી પણ કરી છે, જેમાં કુલ ૮ વીઘામાંથી ૮ લાખ રૂપિયાનું વેચાણ કર્યું છે. પ્રાકૃતિક ખેતીના ઉપયોગથી તેઓને કોઈ જાતના રાસાયણિક ઉપદ્રવ કે જીવાતનો ફફડાટ થયો નથી, જેમ કે સફેદ માખીનો ઉપદ્રવ ટાળવામાં તેઓ સફળ રહ્યા છે.
શેરડીની પ્રાકૃતિક ખેતી નફાકારક છે અને આ મોડેલ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી છે. શૈલેષભાઈ અને વિજયભાઈની મહેનતથી ખેડૂતોને સૂચન છે કે તેઓ પ્રાકૃતિક ખેતી અપનાવી શેરડીનો પાક લઈ પોતાનાં મકસદમાં સમૃદ્ધિ હાંસલ કરે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અભિયાન આદર્યું છે, જેને સફળતા પણ મળી રહી છે. આદર્શ મોડેલ અને નવી શક્યતાઓની વાત કરીએ તો દેલાડવા ગામના ખેડૂતોએ કરેલા આ પ્રયાસે ગુજરાતના ખેડૂત સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પદ્ધતિમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ખેડૂતો માટે નવી તકો મળશે. સરકાર તેમજ ખેતી સંગઠનોના સહકારથી આ મોડેલને વધુ વિસ્તૃત કરી શકાય છે. ખેડૂત સમાજે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જરૂરી છે. આ પદ્ધતિ માત્ર નફાકારક જ નથી, પરંતુ પર્યાવરણને અનુકૂળ અને માનવજીવન માટે કલ્યાણકારી છે
(ખાસ લેખઃમેહુલ વાંઝવાલા)
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.