News Continuous Bureau | Mumbai
Organ Donation :
- પોસ્ટરો, પ્લેકાર્ડસ અને બેનરો સાથે પ્રવાસીઓને આરોગ્ય સેનાનીઓએ અંગદાન પ્રત્યે જાગૃત્ત કર્યા
- સરદાર સાહેબની પ્રતિમા સામે અંગદાનની જ્યોતને ઘર-ઘર સુધી જલાવવા અને બ્રેઈનડેડ થવાના કિસ્સાઓમાં અચૂક અંગદાન થાય એવા સૌએ સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા
- અંગદાનની સાથોસાથ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય પ્રેરિત જળસંચય-જળસંરક્ષણના પોસ્ટર્સ, પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કરી દેશવાસીઓને જળસંચય માટે પ્રતિબદ્ધ થવાનો સંદેશ આપ્યો
બ્રેઈનડેડ થવાના બનાવોમાં અંગદાતા પરિવાર દ્વારા સ્વજનના કિડની, લીવર, હૃદયના દાનથી હજારો જરૂરિયાતમંદ નાગરિકોને નવજીવન મળે છે, ત્યારે અંગદાન પ્રત્યે મહત્તમ લોકો જાગૃત્ત થાય એ ઉદ્દેશથી અંગદાન મહાદાન જનજાગરણ અભિયાનના પ્રણેતા દિલીપદાદા દેશમુખના માર્ગદર્શનમાં વિશ્વના અગ્રણી પ્રવાસન સ્થળ એવી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન જાગૃત્તિનો સંદેશ આપતી ૪૦૧ મીટર લાંબી સાડી તેમજ પોસ્ટરો, પ્લેકાર્ડસ અને બેનરો સાથે પ્રવાસીઓને અંગદાન પ્રત્યે જાગૃત્ત કરવામાં આવ્યા હતા.
નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર રાજ્ય અને દેશમાં અંગદાન પ્રત્યે સમજ કેળવાય અને બ્રેઈનડેડ નાગરિકોમાં કિસ્સાઓમાં અવશ્ય ઓર્ગન ડોનેટ થાય એવો ઉમદા પ્રયાસના ભાગરૂપે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ઈકબાલ કડીવાલાએ આયોજિત કરેલા પહેલરૂપ કાર્યક્રમમાં સુરતની નવી સિવિલની ટીમ, નર્સિંગ વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ, સ્થાનિક પોલીસ, આરોગ્યકર્મીઓના સહયોગથી અંગદાનના વિવિધ સંદેશ ચિત્રિત કરેલી ૪૦૧ મીટર સાડી વડે દેશમાં પ્રથમવાર અંગદાન માટેની લોકજાગૃતિની વિશેષ પહેલ કરાઈ હતી. આ ઉપરાંત સરદાર સાહેબની પ્રતિમા સામે નર્સિંગ બહેનો અને આરોગ્ય સ્ટાફે અંગદાનની સાથોસાથ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય પ્રેરિત જળસંચય-જળસંરક્ષણ જાગૃતિ માટે ‘કેચ ધ રેઈન’, ‘જલ હૈ તો કલ હૈ’ ‘પાણી બચાવો, જીવન બચાવો’ના સૂત્રો સાથેના બેનર, પોસ્ટર્સ, પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કર્યા હતા અને જળસંચય માટે પ્રતિબદ્ધ થવાનો સંદેશ આપ્યો હતો.
અંગદાનથી નવજીવન
સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા સ્ટચ્યુ ઓફ યુનિટી ખાતે 401 મીટર લાંબી સાડી પ્રદર્શિત કરીને અંગદાનનો સંદેશ આપવામાં આવ્યો. પોસ્ટર્સ, બેનર, પ્લેકાર્ડ સાથે લોકોને અંગદાન પ્રત્યે જાગૃત કરાયા. બ્રેઈન ડેડના કિસ્સાઓમાં અચૂક અંગદાન કરવા માટે અપીલ કરવામાં આવી.… pic.twitter.com/2opYni5REk
— Rushikesh Patel (@irushikeshpatel) April 11, 2025
ઉપસ્થિત સૌએ સરદાર સાહેબની પ્રતિમા સામે અંગદાનની જ્યોતને ઘર-ઘર સુધી જલાવવા અને દેશભરમાં પ્રજ્વલિત કરવા સાથે બ્રેઈનડેડ થવાના કિસ્સાઓમાં અચૂક અંગદાન થાય એવા સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા હતા. નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, અંગદાન મહાદાન અભિયાનનો સંદેશ ઘર-ઘર સુધી સંદેશો પહોંચે અને તે જનઆંદોલનમાં પરિવર્તિત થાય, તેમજ બ્રેઈનડેડ થવાના બનાવોમાં અચૂક અંગદાન થાય એવો અમારો આ પ્રયાસ છે. કારણ કે બ્રેઈનડેડ વ્યક્તિના હૃદય, ફેફસાં સહિત ૨૫ અંગ અન્ય જરૂરિયાત લોકો માટે કામમાં આવે છે. એક બ્રેઈનડેડ વ્યક્તિના પરિજનો સ્વજનના અંગો દાન કરી એક સાથે નવ લોકોને જીવનદાન આપી શકે છે.
આ સમાચાર પણ વાંચો : નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટીફિકેટ આપવાનો પ્રારંભ, પ્રથમ દિવસે ૬૦૦થી વધુ સર્ટીફિકેટ અપાયા..
આ પ્રસંગે નર્મદા જિલ્લાના નવનિયુક્ત સંગઠન પ્રમુખ નીલ રાવ, અધિક કલેક્ટરશ્રી નારાયણ સાધુ, SoUના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા નવી સિવિલ હોસ્પિટલ-સુરતના તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમાર, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, નર્સિંગ એસો.ના પ્રમુખ હિતેષ ભટ્ટ, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, વિદ્યાર્થી એડવાઈઝર કમલેશ પરમાર, નિલેશ લાઠીયા, પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ, સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વિદ્યાર્થિનીઓ અને પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.