News Continuous Bureau | Mumbai
Organ Donation :
- વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ-બુનતપાડાના રાજપૂત પરિવારના અંગદાનના માનવતાવાદી અભિગમથી ચાર બાળકોને મળશે નવજીવન
- તરૂણના સ્વાદુપિંડના દાનથી ટાઈપ ૧ ડાયાબિટીસના દર્દીને મળશે નવું જીવન
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૬૫મું સફળ અંગદાન થયું છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ સંજાણ ગામના રાજપૂત પરિવારના બ્રેઈનડેડ કિશોરના હૃદય, સ્વાદુપિંડ, બે કિડની અને એક લીવર દાન થતા ચાર જરૂરિયાતમંદ બાળકોને નવજીવન મળશે. ખાસ કરીને તરૂણના સ્વાદુપિંડના દાનથી ટાઇપ ૧ ડાયાબિટીસના દર્દીને નવું જીવન મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ- બુનતપાડા ખાતે રહેતા સંજયભાઈ રાજપૂતનો ૧૫ વર્ષીય પુત્ર રોહિત ગત તા.૨૦મી એપ્રિલના રોજ મુંબઈના દહાણુંથી ઘેર પરત ફરતા તેની બાઇક સ્લીપ થઇ હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલા રોહિતને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ગાંધીવાડી સરકારી હોસ્પિટલ અને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ રિફર કરાયો હતો. હાલત વધુ ગંભીર જણાતા તબીબોએ સુરતની નવી સિવિલ હોસ્પિટલ જવા સૂચવ્યું હતું. જેથી તા.૨૧મીએ બપોરે ૧૨.૨૯ વાગે સુરત સિવિલમાં દાખલ કર્યો હતો. ત્રણ દિવસની સઘન સારવાર બાદ તા.૨૪મીએ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોસર્જન ડો. હેમલ, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
રાજપૂત પરિવારને સોટોની ટીમના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાછુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું. માતા મંજુબેન અને પિતા સંજયભાઈએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી. સ્વ.રોહિતભાઈને એક બહેન અને બે ભાઈઓ છે.
આજે બ્રેઈનડેડ સ્વ.રોહિતભાઈના સ્વાદુપિંડ, લીવર અને બે કિડની અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલ તેમજ હૃદય સુરતની બી.ડી.મહેતા મહાવીર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૬૫મું અંગદાન થયું છે.
આ સમાચાર પણ વાંચો: Organ Donation : “વિશ્વ લીવર દિવસે” અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીવર સહિત કુલ ત્રણ અંગો અને આંખોનું દાન
Organ Donation : સ્વાદુપિંડનું દાન ટાઇપ ૧ ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ
દેશમાં સ્વાદુપિંડનું અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ જૂજ સંખ્યામાં થાય છે. સ્વાદુપિંડ ટ્રાન્સપ્લાન્ટ (Pancreas Transplant) એ એક જટિલ શસ્ત્રક્રિયા છે જેમાં રોગગ્રસ્ત સ્વાદુપિંડને હટાવીને સ્વસ્થ દાતા પાસેથી મળેલું સ્વાદુપિંડ શરીરમાં સ્થાપિત કરવામાં આવે છે. સામાન્ય રીતે આ ટ્રાન્સપ્લાન્ટ ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે થાય છે જેમને તેમની ઇન્સ્યુલિન ઉત્પાદિત કરવાની ક્ષમતા સંપૂર્ણપણે ગુમાવી હોય છે. જેમને ટાઈપ ૧ ડાયાબિટીસ હોય અને અન્ય ઓર્ગન ફેલ થયા હોય (જેમ કે કિડની), દર્દીને સતત હાઈ અને લો બ્લડ શુગર હોય અને ઇન્સ્યુલિન થેરાપી છતાં બ્લડ શુગરનું નિયંત્રણ મુશ્કેલ હોય તો આવા દર્દીઓ માટે સ્વાદુપિંડ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.