News Continuous Bureau | Mumbai
PM Modi: આગામી તા.૨૨ ફેબ્રુઆરીના રોજ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઈન્ડિયા લિમી. ( Nuclear Power Corporation India Ltd ) દ્વારા કાકરાપાર ખાતે નિર્મિત યુનિટ-૩ અને ૪ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ( Narendra Modi ) હસ્તે દેશવાસીઓને સમર્પિત કરવામાં આવશે.
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા કાકરાપાર ( Kakrapar ) ખાતેના અણુવિદ્યુત મથકમાં સ્વદેશી નિર્મિત ૭૦૦-૭૦૦ મેગાવોટના બે પાવર પ્લાન્ટ ( power plant ) દેશવાસીઓને સમર્પિત કરાશે. યુનિટ ૩ અને ૪ સાથે કાકરાપાર અણુવિદ્યુત મથકની ક્ષમતા ૧૮૪૦ મેગાવોટની થઈ જશે. પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રીએક્ટર ( PHWR ) પધ્ધતિના બે યુનિટ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતિક છે. યુનિટ-૩ કાકરાપાર એટોમીક પાવર પ્રોજેક્ટ ( KAPP-૩ 700 MWe ) તા.૩૦ ઓગષ્ટ ૨૦૨૩થી કાર્યરત છે. અમલીકરણના વિવિધ તબક્કામાંથી પસાર થતુ આ યુનિટ ૧૬ સ્વદેશી ૭૦૦ મેગાવોટ PHWRની શ્રેણીમાં સૌથી આગળ છે. જ્યારે તેનું ટ્વીન એકમ , KAPP-4 ટૂંક સમયમાં ગ્રીડ સાથે જોડાશે અને વીજળીનું ઉત્પાદન શરૂ કરશે.
વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતી અદ્યતન સલામતી સુવિધાઓ ધરાવતું આ પ્રથમ પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) યુનિટ, ભારતીય વિજ્ઞાનીઓ અને એન્જિનિયરો દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. ભારતીય ઇજનેરો અને વૈજ્ઞાનિકો દ્વારા બનાવાયેલી રિએક્ટરની ડિઝાઇન, બાંધકામ, અને સંચાલનની સાથે ભારતીય ઉદ્યોગો પાસેથી મેળવાયેલા સંશાધનો પુરવઠો અને અમલીકરણ એ ‘આત્મનિર્ભર ભારત’ની પરિકલ્પનાને સાકરિત કરતું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, NPCIL હાલમાં ૭૪૮૦ મેગાવોટની કુલ ક્ષમતા સાથે ૨૩ રિએક્ટર ચલાવે છે. વધુમાં, સ્વદેશી ૭૦૦ મેગાવોટ PHWR ટેકનોલોજીના ૧૫ રિએક્ટર અમલીકરણના વિવિધ તબક્કામાં છે. ૧૦૦૦ મેગાવોટની ક્ષમતા વાળા ૪ લાઇટ વોટર રિએક્ટર (LWR) પણ કુડનકુલમ ખાતે રશિયન સહયોગથી નિર્માણાધીન છે. જે વર્ષ ૨૦૩૧-૩૨ સુધીમાં ક્રમશઃ પૂર્ણ થવાની ધારણા છે. આ રીએક્ટરો હાલની સ્થાપિત પરમાણુ ઉર્જા ક્ષમતાને ૭૪૮૦ મેગાવોટથી વધારીને ૨૨૪૮૦ મેગાવોટ કરશે.
આ સમાચાર પણ વાંચો : Rajya Sabha : સોનિયા ગાંધી બન્યા રાજસ્થાનમાંથી રાજ્યસભાના સાંસદ, ભાજપે જીતી આટલી બેઠકો..
ન્યુક્લિયર પાવર એ ૨૪*૭ ઉપલબ્ધ બેઝ લોડ વીજળી ઉત્પાદનનો સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ સ્ત્રોત છે. પરમાણુ પાવર પ્લાન્ટ્સે અત્યાર સુધી દેશમાં આશરે ૭૪૮ મિલિયન ટન કાર્બન-ડાઈ-ઓક્સાઇડ સમકક્ષ ઉત્સર્જન ઘટાડીને લગભગ ૮૭૦ બિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી છે. વર્ષ ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરોના લક્ષ્યને હાંસલ કરવામાં પરમાણુ ઉર્જા મહત્વની ભૂમિકા ભજવશે.
KAPP-૩ અને ૪ તેની પૂર્ણતા પર દર વર્ષે લગભગ ૧૦.૪ બિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરશે (85% ના PLF પર). વધુમાં, સ્ટેશન દ્વારા સ્થાનિક લોકો માટે રોજગાર (પ્રત્યક્ષ અને પરોક્ષ) અને મોટા વેપારની તકો ઉભી થશે. તે આર્થિક પ્રવૃત્તિમાં વધારો કરશે અને વિદ્યુત ક્ષેત્રને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.