News Continuous Bureau | Mumbai
- સઢવાળી ૧૦ હોડીઓ વચ્ચે હરિફાઈ: ધારાસભ્ય મનુભાઈ પટેલના હસ્તે પ્રથમ ત્રણ ક્રમના વિજેતાઓને પુરસ્કાર અપાયા
- પ્રથમ નંબરે ગિજુભાઈ પટેલની હોડી ‘હેતલ પ્રસાદ’ વિજેતા બની: ‘હેતલ પ્રસાદ’ હોડીને રૂ.૫૧,૦૦૦ પુરસ્કાર
Sea Rowing Competition: રાજ્યના યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર આયોજિત હરિઓમ આશ્રમ-નડિયાદ પ્રેરિત અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા હજીરા પોર્ટ રો-રો ફેરી પાસેથી શરૂ કરી મગદલ્લા પોર્ટ (૨૧ કિ.મી.) સુધી યોજાઈ હતી. હજીરાથી ગણપતિ વિસર્જન ઓવારા સુધી આયોજિત સઢવાળી હોડીઓ વચ્ચેની આ હરિફાઈમાં ૧૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ત્રણ ક્રમના વિજેતાઓને ધારાસભ્ય મનુભાઈ પટેલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ શ્રી જીજ્ઞેશ પાટિલ અને મહાનુભાવોના હસ્તે ઈનામ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
પૂ.મોટા પ્રેરિત હરિઓમ આશ્રમ(સુરત-નડીયાદ) તરફથી પ્રથમ નંબરે વિજેતા બનેલી ગિજુભાઈ રામુભાઈ પટેલની હોડી ‘હેતલ પ્રસાદ’ને રૂ.૫૧,૦૦૦, બીજા ક્રમે નરેશ ધનસુખભાઈ પટેલની હોડી ‘વિશ્વજ્યોતિ’ને રૂ.૩૫,૦૦૦ તેમજ ત્રીજા સ્થાન પર કલ્પેશ ઈશ્વરભાઈ પટેલની ‘જળતાપી’ હોડીને રૂ.૨૫,૦૦૦ અર્પણ કરાયા હતા. જ્યારે અન્ય સાત સ્પર્ધકોને આશ્વાસન ઈનામરૂપે પ્રત્યેકને ૧૫,૦૦૦ પુરસ્કાર અપાયા હતા. આ વેળાએ ‘યુથ ફોર ગુજરાત’ સંસ્થા તરફથી પણ પ્રથમ એકથી ત્રણ ક્રમના વિજેતાઓને અનુક્રમે રૂ.૧૫,૦૦૦, રૂ.૧૦,૦૦૦ અને રૂ.૫૦૦૦ એનાયત કરાયા હતા. અનોખી સ્પર્ધાને નિહાળવા મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટી પડયા હતા અને દરિયામાં હવાના જોરે પૂરપાટ વહેતી હોડીઓના નાવિકોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Surat: શિક્ષણ અને ધાર્મિકતાનો સુસંગમ વધ્યો, સુરતના વિદ્યાર્થી જાગૃત્ત મહેશભાઈ રીબડીયાએ કર્યા શ્રીમદ્ ભગવદ્ ગીતાના 700 શ્લોક કંઠસ્થ
Sea Rowing Competition: ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલે વિજેતા ખલાસીઓ અભિનંદન આપતા કહ્યું કે, સાગરખેડૂ કોમ સાહસિક અને ખડતલ હોય છે. ખલાસી યુવકોને લાંબા અંતરનો સાગર પ્રવાસ ખેડવાની પ્રેરણા મળે, તેમનો સાહસિક વારસો તેમજ ગૈારવ જળવાય રહે તે માટે પ્રતિવર્ષ આ સ્પર્ધા યોજવામાં આવે છે એમ જણાવી સ્પર્ધામાં ઉત્સાહથી ભાગ લેનાર ખલાસીઓના જોમ-જુસ્સાને બિરદાવ્યા હતા.
યુથ ફોર ગુજરાત ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી જીજ્ઞેશ પાટિલે જણાવ્યું કે, સાગરખેડૂઓ તોફાન સામે, વાવાઝાડા સામે, વંટોળનો મુકાબલો કરી દરિયો ખેડે છે. તેમના જીવનમાંથી નાગરિકોએ આ પ્રતિકાર શક્તિને બોધપાઠ સ્વરૂપે શીખવા જેવી છે. નાવિક યુવાનો માટે જરૂરી તમામ મદદ કરવા યુથ ફોર ગુજરાત સંસ્થા તત્પર છે એમ જણાવી વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મામલતદાર આશિષ નાયક, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકા લાઠીયા, જિલ્લા રમતગમત અધિકારી વિરલ પટેલ, હરિઓમ આશ્રમ-સુરતના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ ગોટી, બિપીનભાઈ સહિત ખલાસીઓ, સ્પર્ધકો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed


