Surat Bullet Train: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા

૧૦૦ વર્ષના ઈતિહાસમાં સૌથી ઝડપી જાહેર થયો 'સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તારનો ‘ટાઉન પ્લાનિંગનો પ્લાન

by Dr. Mayur Parikh
Surat Bullet Train ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ ૧ સપ્ટેમ્બર ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા

News Continuous Bureau | Mumbai

  • ૧૦૦ વર્ષના ઈતિહાસમાં સૌથી ઝડપી જાહેર થયો ‘સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તારનો ‘ટાઉન પ્લાનિંગનો પ્લાન’
  • સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તારના આયોજન માટે પ્રારંભિક ટી.પી. સ્કીમ નં ૬૧(કોસમાડા-છેડછા-ઓવિયાણ) ના નિર્ણયો માત્ર ૮ મહિનામાં જાહેર થયા
  • ટેક્નોલોજી, પારદર્શિતા અને જનભાગીદારી સાથે ગુજરાતનું આઉટ પર્ફોર્મિંગ ગવર્નન્સ મોડલ:
  • મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટના માળખાગત વિકાસ માટે સુરત શહેરના ૯૦૯ હેક્ટર ક્ષેત્રફળમાં કુલ ૫ ટાઉન પ્લાનિંગ સ્કીમોનું આયોજન
  • દેશના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની પહેલી ટી.પી. સ્કીમ ના નિર્ણયો જાહેર: ૧૦૦ વર્ષ પહેલા આ દિવસે ભારતની પ્રથમ ટી.પી. અમલી બની હતી એ ઈતિહાસની વિરલ ઘટના:
  • ‘કોસમાડા-છેડછા-ઓવિયાણ માટે TP સ્કીમ નં ૬૧ના ઝડપી પ્રારંભિક નિર્ણયોથી સુનિયોજિત વિકાસને વેગ’
  • ટી.પી.સ્કીમ નં. ૬૧માં ૩ લાખથી વધુ ચો.મીટર જમીનની રોડ-રસ્તા માટે ફાળવણી કરાઈ

માહિતી બ્યુરો-સુરત:ગુરૂવાર: દેશના મહત્વાકાંક્ષી ‘મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ’ પ્રોજેક્ટ અંતર્ગત સુરતમાં નિર્માણ પામતું બુલેટ ટ્રેન સ્ટેશન માત્ર ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જ નહીં, પણ સમગ્ર શહેરી વિકાસના દ્રષ્ટિકોણથી પણ પરિવર્તનકારી બની રહ્યું છે. સુરત શહેરમાં ‘ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૬૧’ને માત્ર ૮ મહિનાના ટૂંકા ગાળામાં અવોર્ડ કરવામાં આવી છે, જે રાજ્યના સર્વાંગી વિકાસ વિઝનના દ્રઢ સંકલ્પ, ટેક્નોલોજીનો વિનિયોગ અને જનસહભાગિતાનું ઉત્તમ ઉદાહરણ છે.

Surat Bullet Train: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા

જેમ ભારતની પહેલી બુલેટ ટ્રેન હકીકત બની રહી છે, તેમ તેમ સુરત શહેર પણ વિકાસના નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે. National High-Speed Rail Corporation Ltd (NHSRCL) દ્વારા સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણ સાથે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વિકાસલક્ષી અભિગમથી ટાઉન પ્લાનિંગ સ્કીમો દ્વારા સ્ટેશન નજીકના વિસ્તારોને સુનિયોજિત અને આધુનિક બનાવવા માટે વિશેષ અભિગમ અપનાવવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના પ્રવર નગર નિયોજકશ્રી કે.ડી. પટેલે જણાવ્યું હતું કે, વિકાસની હરણફાળ ભરી રહેલા સુરત માટે નગર રચના યોજના નં. ૬૧ (કોસમાડા-છેડછા-ઓવિયાણ) એ માત્ર પ્લાનિંગ ડોક્યુમેન્ટ નથી, પરંતુ વિસ્તારના સર્વસમાવેશી અને ભવિષ્યલક્ષી વિકાસનો રોડમેપ છે. બુલેટ ટ્રેન HSR નોડ વિસ્તાર વિકાસ માટે ૯૦૯ હેક્ટર ક્ષેત્રફળમાં કુલ ૫ ટાઉન પ્લાનિંગ સ્કીમોનું આયોજન છે, જે શહેરના ઈકોનોમિક ઝોન, રહેણાંક વિસ્તારો અને મલ્ટીમોડલ કનેક્ટિવિટી માટે મજબૂત પાયો બનાવે છે.


નગર રચના યોજના નં.૬૧ (કોસમાડા-છેડછા-ઓવિયાણ)ને સરકાર દ્વારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ મુજબ મુસદ્દારૂપ નગર રચના યોજનાને મંજૂરી આપીને પ્રવર નગર નિયોજકશ્રી કે.ડી.પટેલને નિર્ધારિત અવધિ માટે ફાઈનલ કરવા ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.


માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત શહેરીકરણની દિશામાં પૂરઝડપે આગળ વધી રહ્યું છે, ત્યારે વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ૨૦૨૫નું વર્ષ ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે એમ શ્રી પટેલે ઉમેર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Asia Cup 2025: ભારતીય ટીમે આખરે બનાવ્યો નવો રેકોર્ડ, આ ખેલાડી ને મળ્યો શ્રેય

વધુમાં શ્રી પટેલે કહ્યું હતું કે, ટી.પી. સ્કીમ માટે ટેક્નોલોજીનો સદુપયોગ, સરકારી વિભાગોનું સંકલન અને જનભાગીદારીના સુમેળથી માત્ર ૮ મહિનામાં ટી.પી. સ્કીમ નં. ૬૧ને પ્રારંભિક એવોર્ડ કરવામાં આવી છે. જેના થકી ગુજરાતના સ્વર્ણિમ ઈતિહાસમાં નવું સોનેરી પૃષ્ઠ ઉમેરાયું છે. ટાઉન પ્લાનિંગ અધિનિયમ, ૧૯૧૫ હેઠળ આજથી ૧૦૦ વર્ષ પહેલા ૧લી સપ્ટેમ્બર-૧૯૨૫ના રોજ દેશની પહેલી ટી.પી. સ્કીમ નં ૧ (જમાલપુર), અમદાવાદ અમલી થઈ હતી. ૧લી સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સુરતની ટી.પી. સ્કીમ નં ૬૧ને પ્રારંભિક એવોર્ડ જાહેર કરી છે. આ ક્ષેત્રફળ ધરાવતી કોઈ ટી.પી. સ્કીમ (ટાઉન પ્લાનિંગ) માત્ર ૮ મહિનામાં ટુંકા સમયમાં જ એવોર્ડ કરવામાં આવી હોય તેવું બન્યુ નથી, એમ તેમણે કહ્યું હતું.


અંદાજીત ૧૬૪ હેક્ટર વિસ્તાર ધરાવતી આ ટી.પી.સ્કીમમાં સમાવિષ્ટ કુલ ૧૩૫ જેટલા ફાઈનલ પ્લોટોના માલિકો/હિતસંબંધીઓની અરજીઓ/વાંધા-સુચનોની સુનાવણી કર્યા બાદ જરૂરી તમામ કાયદાકીય પ્રક્રિયા જેવી કે, કામચલાઉ પુન:રચના તૈયાર કરવી, સત્તામંડળ અને મુખ્ય નગર નિયોજકશ્રીનો પરામર્શ, એવોર્ડ પહેલાની સુનવણી, માપણીશીટ સહિય અન્ય સાહિત્ય તૈયાર કરી સ્કીમને એવોર્ડ જાહેર કરવામાં આવી હતી. ઉપરોક્ત તમામ કામગીરી માત્ર ૮ મહિનાના ટુંકા સમયમાં પૂર્ણ થઇ હોય તેવી ઈતિહાસની આ પ્રથમ અને વિરલ ઘટના છે. સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ ક્નેક્ટિવટી સરળતાથી થઈ શકે તે માટે આશરે ૩ લાખથી વધુ ચો.મીટર ક્ષેત્રફળના વિવિધ પહોળાઇના ધરાવતા રોડ નેટવર્કનું આયોજન કરવામાં આવ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
આજનું આયોજન આવતીકાલનું ભવિષ્ય ઘડે છે. બુલેટ ટ્રેન સાથે સંકળાયેલ સુરત જેવા શહેરોના વિસ્તારો માટે TP સ્કીમો માત્ર પ્લાનિંગ નકશા નથી, પણ તે વિકાસનો જીવંત દસ્તાવેજ છે, જ્યાં નાગરિકોને સુવિધા, આવાસ અને સમૃદ્ધ જીવન મળવાનું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલિત પ્રયાસો અને શહેરી વિકાસ વિભાગની દ્રઢ દિશાને કારણે સુરત શહેર ભારતના શહેરી વિકાસના નકશા પર એક આધુનિક મોડલ તરીકે ઉભરશે.

(ખાસ લેખ: મહેશ કથીરિયા

સુનિયોજિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોસમાડા, છેડછા, અંત્રોલી, સાબરગામ, ઓવિયાણ, નિયોલ અને વાંકાનેડા મળીને સુરત જિલ્લાના ૦૭ ગામોને આવરી લઇ કુલ-૦૫ ટીપી સ્કીમોનું આયોજન

ભારત સરકારના મહત્વાકાંક્ષી ‘હાઈ-સ્પીડ રેલ પ્રોજેકટ’ પૈકીના એક એવા ‘મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ’માં ગુજરાતના ૦૮ અને મહારાષ્ટ્રના ૦૪ સ્ટેશન મળી કુલ ૧૨ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સુરતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ભવિષ્ય માટે સુસજ્જ બનાવવાના હેતુથી જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી (JICA) અને સેન્ટ્રલ મિનીસ્ટ્રી ઓફ હાઉસીંગ અને અર્બન અફેર્સ (MoHUA)ના સંકલનમાં રહી સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા) દ્વારા અંદાજિત ૯૦૯ હેક્ટર વિસ્તારમાં હાઇ-સ્પીડ રેલ (HSR) નોડ વિસ્તારના માળખાગત વિકાસના આયોજનને આગળ ધપાવવા હેતુ સુરત હાઇ-સ્પીડ રેલ-H નોડ વિસ્તારની નજીકમાં સુનિયોજિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોસમાડા, છેડછા, અંત્રોલી, સાબરગામ, ઓવિયાણ, નિયોલ અને વાંકાનેડા મળીને સુરત જિલ્લાના ૦૭ ગામોને આવરી લઇ કુલ-૦૫ ટીપી સ્કીમોનું આયોજન કરાયું છે

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More