News Continuous Bureau | Mumbai
Surat Food Security Saturation Campaign:
- સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન
- સુરતના 2 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)નો લાભ આપવામાં આવશે
- ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગ સહાય યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા તેમજ અન્ય ગરીબ પરિવારોને PMGKAY યોજનાનો લાભ આપવાનો સંકલ્પ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 7 માર્ચ, 2025ના રોજ ગુજરાતમાં સુરત જિલ્લાની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન, ‘સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન’ હેઠળ તેઓ સુરતના લગભગ 2,00,000 પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભોનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના સમયગાળા દરમિયાન ગરીબ પરિવારોને વિનામૂલ્યે ગુણવત્તાસભર અનાજ પૂરું પાડવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા NFSA કાર્ડ ધરાવતા લાભાર્થીઓ માટે ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ (PMGKAY) શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં આજે 76 લાખથી વધુ NFSA કાર્ડ્સ જારી કરવામાં આવ્યા છે, જે રાજ્યના લગભગ 3.72 કરોડથી વધુ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આવરી લે છે.
ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતી ગંગાસ્વરૂપા બહેનો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ વૃદ્ધ પેન્શન સહાય યોજના મેળવતા લાભાર્થીઓ તથા દિવ્યાંગ સહાય યોજનાઓનો લાભ મેળવતા લાભાર્થીઓને તેમની આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ ‘અગ્રતા ધરાવતા કુટુંબ’ તરીકે સમાવેશ કરવાની સૂચના આપવામાં આવી હતી, જેથી આ લાભાર્થીઓ પણ રાહતદરે અનાજનો લાભ તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નિઃશુલ્ક અનાજનો લાભ મેળવી શકે.
Surat Food Security Saturation Campaign: સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના યોજના સંતૃપ્તિકરણ અભિગમ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અંત્યોદય કલ્યાણની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને સુરતમાં ‘સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન’ હાથ ધરવામાં આવ્યું. આ અભિયાન હેઠળ પાત્ર ગરીબ પરિવારોના લાભાર્થીઓની ઓળખ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. તેમાં ખાસ કરીને ગંગાસ્વરૂપા (વિધવા) બહેનો, વૃદ્ધ વ્યક્તિઓ, દિવ્યાંગો તેમજ હાંસિયામાં રહી ગયેલા દૈનિક વેતન મેળવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવી.
સમાજ સુરક્ષા હેઠળ સંબંધિત યોજનાકીય લાભો મેળવતા લાભાર્થીઓની ચકાસણી કરતા જાણવા મળ્યું કે, સુરત જિલ્લામાં લગભગ 1,50,000 લાભાર્થીઓ ગંગા સ્વરૂપા યોજના, વૃદ્ધ પેન્શન સહાય યોજના અને દિવ્યાંગ સહાય યોજનાના લાભો મેળવી રહ્યા છે. ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાલુકા અને ઝોન કક્ષાએ ટીમો બનાવીને એ બાબતની તપાસ કરવામાં આવી કે આમાંથી કેટલા લાભાર્થીઓ NFSA હેઠળ આવરી લેવાયા છે અથવા તો તેમને કેવી રીતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ આપી શકાય. તાલુકા તથા ઝોન કક્ષાની ટીમોએ મિશન મોડમાં ખૂબ ટુંકાગાળામાં NFSA કાર્ડ ધરાવતા તેમજ ન ધરાવતા તમામ પરિવારોની ઓળખ કરી. પ્રવર્તમાન લાભાર્થીઓની ઓળખ કર્યા પછી બાકી રહી ગયેલા લાભાર્થીઓનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું, અને છેલ્લા 1 વર્ષમાં વહીવટીતંત્ર દ્વારા બાકીના હાંસિયામાં ધકેલાઇ ગયેલા લોકોની ઓળખ કરવામાં આવી, જેથી તેમને NFSA હેઠળ આવરી લઇ શકાય.
આ સમાચાર પણ વાંચો : Ganga Swarupa Yojana : સ્વમાનભર્યા જીવનનો પર્યાય એટલે ગંગાસ્વરૂપા સહાય યોજના, રેણુકાબેન સુરતીને ઢળતી ઉંમરે જીવનનો નવો આધાર મળ્યો
આમ, સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા પછી સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ લગભગ 2,00,000 લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી છે. આ તમામ લાભાર્થીઓને આગામી 7 માર્ચ, 2025ના રોજ વડાપ્રધાનશ્રીના હસ્તે એક જ સમયે, એકસાથે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ હેઠળ લાભોનું વિતરણ કરવામાં આવશે.
Surat Food Security Saturation Campaign: ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા અન્ન સુરક્ષાના લાભો
ભારત સરકાર ખાદ્ય સુરક્ષા અન્વયે, પ્રત્યેક NFSA કાર્ડધારક લાભાર્થીને દર મહિને વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજ (ઘઉં અને ચોખા) આપે છે. ખાદ્યસુરક્ષાની સાથે પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર પણ રાહતદરે અન્ય ખાદ્ય ચીજવસ્તુઓનું વિતરણ કરે છે, જે નીચે મુજબ છે:
• Rs 50 પ્રતિ કિલોના ભાવે 1 કિલોગ્રામ તુવેરદાળ
• Rs 30 પ્રતિ કિલોના ભાવે 1 કિલોગ્રામ ચણા
• Rs 15 પ્રતિ કિલો (AAY) ના ભાવે 1 કિલોગ્રામ (કાર્ડદીઠ) ખાંડ
• Rs 22 પ્રતિ કિલો (BPL) ના ભાવે 350 ગ્રામ (સભ્યદીઠ) ખાંડ
• Rs 1 પ્રતિ કિલોના ભાવે 1 કિલો ડબલ ફોર્ટિફાઇડ મીઠું
આ ઉપરાંત, દર વર્ષે જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો દરમિયાન, તમામ NFSA કાર્ડધારક લાભાર્થીઓને કાર્ડદીઠ 1 કિલોગ્રામ વધારાની ખાંડ અને ₹100 પ્રતિ લીટરના રાહતદરે 1 લીટર ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું પણ વિતરણ કરવામાં આવે છે.