News Continuous Bureau | Mumbai
- મહારાષ્ટ્રમાં બાઈક અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત અમિત રોહિદાસ પાવરાને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા
Surat Civil Hospital: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડના મહત્તમ કિસ્સાઓમાં અંગદાન થઈ રહ્યા છે. મૂળ મહારાષ્ટ્રના ખૂટવાડા ગામના ૧૪ વર્ષીય બ્રેઈનડેડ અમિત રોહિદાસ પાવરાના લીવર, હ્રદય અને બે કિડનીના દાનથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલથી આ સાથે ૭૭મુ સફળ અંગદાન થયું છે.
મૂળ મહારાષ્ટ્રના ખુટવાડા રાજબરડી, તા.દંડગાંવ, જિ.નંદુરબારના વતની અમિત પાવરા તા.૨૨મી ઓગસ્ટના રોજ સાંજે ૭.૦૦ વાગ્યે બાઈક લઈને દંડગાંવ જઈ રહ્યો હતો, ત્યારે સામે આવતી બાઈક સાથે અકસ્માત થતા માથાના ભાગે ગંભીર ઈજા થવાથી ૧૦૮ એમ્બ્યુલન્સમાં નજીકના દંડગાંવ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં સારવાર બાદ સ્વાસ્થ્યમાં સુધાર ન જણાતા નંદુરબાર હોસ્પિટલમાં અને ત્યારબાદ તબીબની સલાહથી તા.૨૩મીએ બપોરે ૧.૨૫ વાગ્યે ૧૦૮ સેવા મારફતે સુરતની નવી સિવિલમાં ઈમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર બાદ ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Kutch & Saurashtra: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ, માછીમારોને દરિયો ન ખેંચવા સૂચના
તા.૨૫મી ઓગસ્ટે આર.એમ.ઓ ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડીયા, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિ, મેડિકલ ઓફિસર (ટ્રીટીંગ) ડૉ.રિચા બી. મિસ્ત્રીએ અમિતને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
સોટોની ટીમના ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ પિતા રોહિદાસ શંકરભાઇ, માતા ચિમીબાઇ, ભાઈ અજીત અને બહેન અનિતાને અંગદાનનું મહત્વ સમજાવ્યું. પરિવારે અંગદાનના પૂણ્યકાર્યમાં સંમતિ આપીને માનવતાની ફરજ નિભાવી હતી. પરિવારે સમંતિ આપતા અંગદાન પ્રક્રિયા કરવામાં આવી હતી. હ્રદય યુ.એન.મહેતા કિડની હોસ્પિટલ-અમદાવાદ તેમજ લીવર, બે કિડની અમદાવાદની IKDRC હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
નવી સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ સફળ અંગદાન માટે જહેમત ઉઠાવી હતી.
-૦૦-