News Continuous Bureau | Mumbai
Surat News:
- સેન્ટરમાં હોટલાઈન, વાયરલેસ સહિત સેટેલાઇટ ફોન: ૧૨ જેટલી સેવાઓ માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરાશે
- ઈમરજન્સીની સ્થિતિમાં એરફોર્સ, નેવી અને આર્મી લશ્કરની ત્રણે પાંખ સાથે સીધો સંપર્ક સાધશેઃ
ભારત-પાકિસ્તાન વચ્ચે ઉદ્દભવેલી યુદ્ધની તણાવભરી સ્થિતિમાં સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અઠવાલાઇન્સ સ્થિત આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ ૨૪x૭ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે. સેન્ટરમાં હોટલાઈન, વાયરલેસ સહિત સેટેલાઇટ ફોન તેમજ જનરેટર, ટોર્ચ લાઈટ, પાવર સપ્લાયની પૂરતી વ્યવસ્થા છે.
સુરત ડિઝાસ્ટર શાખાના નાયબ મામલતદાર સાજીદ મેરૂજયએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, નાગરિક સંરક્ષણને લગતી ૧૨ પ્રકારની સેવાઓ માટે વિવિધ વિભાગના અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવશે. સાથે સાથે BSNL, જિયો, VI અને એરટેલ સહિતના ટેલીકમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડરના નેટવર્કનું પણ મોનિટરિંગ કરાશે. લો એન્ડ ઓર્ડરની સ્થિતિ માટે પોલીસ કમિશનર સીધી રીતે જોડાયેલા રહેશે. ફાયરની સ્થિતિમાં આગને કાબુમાં લેવા માટે વિસ્તારવાઈઝ અધિકારીઓને જવાબદારી સોંપાશે. રેસ્ક્યુ અને શોધખોળ, બચાવ-રાહત કામગીરી માટે પણ અધિકારીઓને જવાબદારી સોંપાશે.
વધુમાં મેરૂજયએ કહ્યું હતું કે, ટ્રાન્સપોર્ટેશન સેવા (સાલવેજ સર્વિસીસ) મિલકતની સંભાળ, કાટમાળ હટાવવો, પૂરવઠા સેવા સહિતની સેવાઓનું આયોજન અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ડિસ્ટ્રીક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સેટેલાઈટ ફોન પણ કાર્યરત છે. ૧૨ જેટલી સેવાઓ માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરાશે. આ ઉપરાંત કટોકટીની સ્થિતિને પહોચી વળવા તમામ સવલતોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Grain Stock India : પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે સરકારે ખાતરી આપી, આવશ્યક ચીજવસ્તુઓની કોઈ અછત નથી
સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ફોન નં. ૦૨૬૧-૨૬૬૩૨૦૦, ૨૬૬૩૬૦૦, ડિઝાસ્ટર ટોલ ફ્રી હેલ્પલાઇન નં.૧૦૭૭ તેમજ શહેર પોલીસ કંટ્રોલ રૂમ ફોન નં. ૦૨૬૧-૨૨૪૧૩૦૧, ૨, ૩ અને ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમના ફોન નં.૦૨૬૧- ૨૬૫૧૮૪૦ પર સંપર્ક કરી શકાશે.
નાગરિક સંરક્ષણની ૧૨ સેવાઓ:
(૧) મુખ્ય મથક સેવા
(૨) વોર્ડન સેવા
(૩) અગ્નિ શામક સેવા
(૪) આકસ્મિક સેવા
(૫) સંદેશા વ્યવહાર સેવા
(૬) બચાવ સેવા
(૭) તાલીમ સેવા
(૮) કલ્યાણ સેવા
(૯) ડેપો અને વાહન વ્યવહાર સેવા
(૧૦) મડદા નિકાલ સેવા
(૧૧) પુરવઠા સેવા અને
(૧૨) મિલકત બચાવ સેવા
ઉપરોક્ત તમામ પ્રકારની સેવાઓનું કંટ્રોલ રૂમ ખાતેથી ૨૪x૭ કલાક નિરીક્ષણ થઈ રહ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.