News Continuous Bureau | Mumbai
Surat: સુરતના પી.પી.સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયે યોજાતા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીના લગ્ન સમારોહ આ વર્ષે પણ ઉજવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીઓ, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી તા.૨૪ ડિસેમ્બરે સાંજે ૫.૦૦ વાગ્યે પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે ‘માવતર’ નામથી પિતાવિહોણી ૭૫ દીકરીઓના સમૂહલગ્ન યોજાશે. છેલ્લા ૧૨ વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં, પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે ૪૯૯૨ દીકરીના પિતા બની ગયા છે. છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પી.પી.સવાણીના સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને બીજી અનેક સંસ્થા અને વ્યક્તિઓએ લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રી સહિત પ્રદેશ અધ્યક્ષ અને સાંસદશ્રી સી.આર.પાટીલ, સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, વન-પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર દક્ષેશભાઈ માવાણી સહિત રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, વહીવટી અને પોલીસ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહી કન્યાદાન કરશે.“માવતર”ના નામે આયોજિત આ કાર્યક્રમ અનેક રીતે વિશેષ બનવાનો છે. આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પી. પી. સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ૭૫ પૈકી ૩૫ દીકરી એવી છે જે અનાથ છે, જેના માતા-પિતા કે ભાઈ પણ નથી. ૨૫ એવી દીકરી છે જેની મોટી બહેન આ પહેલા અમારા જ લગ્ન મંડપમાં પરણી હતી. બે દીકરીતો મૂકબધિર છે. એક નેપાળ અને એક ઓડિશા અને બે દીકરી ઉત્તરપ્રદેશથી દામ્પત્યજીવનની શુભ શરૂઆત કરવા સુરત આવશે.
આ સમાચાર પણ વાંચો : Sahitya Akademi Award: સાહિત્ય અકાદમીએ 24 ભાષાઓમાં વાર્ષિક સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત કરી
પી.પી.સવાણી પરિવાર પિતાની છત્રછાયા ગુમાવનાર હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે. મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, અમે માત્ર કન્યાદાન કરી ને કે કરિયાવર આપતા નથી, પણ પિતાની જવાબદારી હું નિભાવું છું. જેમાં માત્ર લગ્ન જ નહીં પણ એના પરિવારની પણ તમામ જવાબદારી હોય છે.
આજીવન દીકરીઓની સેવા કરતાં 15 જેટલા સહયોગીઓનું ભવ્ય સન્માન
પી.પી.સવાણી પરિવાર અને મહેશભાઇ સવાણી દીકરીઓના જેમ પાલક પિતા બન્યા છે એવી જ રીતે એમની સાથે સંકળાઈને બીજા અનેક લોકો પણ પોતાની સતત અને અવિરત સેવા આપતા હોય છે. લગ્ન પછી કોઈ આ દીકરીઓને મફત તબીબી સેવા આપે તો કોઈ બ્યુટી પાર્લરની, કોઈ રસોઈ કળા શીખવે તો કોઈ દીકરીઓના હનીમૂન અને હરવા-ફરવાની વ્યવસ્થા કરે છે. આ લોકો આર્થિક સહયોગ સાથે પોતાનો કીમતી સમય પણ આપતા હોય છે. આવી ૧૫ જેટલી સંસ્થા અને વ્યક્તિઓનું આ વર્ષે વિશેષ ઋણ સ્વીકાર કરીને એમનું સન્માન થશે.
IITJEE – NEET ના તેજસ્વી તારલાઓનું સન્માન
વિશેષમાં આ પ્રસંગે શિક્ષણ પણ સમાજમાં અતિ ઉપયોગી છે અને એક ઉચ્ચ શિક્ષણ જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સપનાનું સાકાર કરવામાં મહત્વપૂર્ણ નીવડશે ત્યારે શિક્ષણ ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્ત કરનાર એવા બે વિદ્યાર્થીઓનું સન્માન આ પ્રસંગે કરવામાં આવનાર છે. જેમાં એક ધો.12 સાયન્સમાં સમગ્ર ગુજરાતમાં બોર્ડમાં નંબર 1 પ્રાપ્ત કરનાર યુગ રમેશભાઈ ખોખરીયા અને બીજો વિદ્યાર્થી કે જેમણે ગુજકેટ પરીક્ષામાં 120/120 માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં તેમણે પણ નંબર 1 પ્રાપ્ત કર્યો છે. તે બન્ને વિદ્યાર્થીઓ થકી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે હેતુસર બન્ને વિદ્યાર્થીઓને રૂ. 1,11,111/- નો ચેક અર્પણ કરવામાં આવશે. વિશેષ ગૌરવ એ વાતનું છે કે આ બન્ને વિદ્યાર્થીઓએ વિનામૂલ્યે પી.પી.સવાણી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.
મહેંદીનો અનોખો અવસર
લગ્ન ઉત્સવમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ મહેંદી રસમનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાશે. તા – 22મી ડિસે.-ગુરુવારના રોજ સવારે 9.00 કલાકથી પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે મહેંદી રસમની શરૂઆત થશે. આ અગાઉ મહેંદી રસમનો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પી.પી.સવાણી નામે નોંધાઈ ચુક્યો છે. દર વર્ષની જેમ જ હજારો હાથોમાં મેહદી રચાશે. લગ્નમાં પરણનારી દીકરી, એમની બહેન, અમારી હાજર રેહનારી દીકરીઓ તમામના હાથોમાં મહેંદી લાગશે જેમાં સમાજની અનેક મહિલા અગ્રણીઓ હાજરી આપશે.
લગ્નપૂરતું નહીં, લગ્ન પછી પણ પિતાની માફક અવિરત કાળજી
પી.પી.સવાણીના લગ્નમંડપમાં પરણીને સાસરે જતી દીકરીની લગ્ન પહેલાના કરિયાવરમાં પોતાની પસંદગીની ખરીદી કરવવામાં આવે છે. લગ્ન પછી પણ દરેક દીકરીને હનીમૂન અને હરવા ફરવા માટેની વ્યવસ્થા ગોઠવાઈ છે. આ વર્ષે પરણનારી દીકરીઓને મનાલી અને સુરતથી દીવની ક્રૂઝ ટુર ઉપર મોકલાશે. એ પછી દીકરીની પ્રસૂતિ વખતે એ સુરતમાં હોય તો અહી અને બીજા ગામ હોય તો એ ગામની શ્રેષ્ઠ હોસ્પિટલમાં એની પ્રસૂતિની વ્યવસ્થા કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં જેને જિયાણું કહેવાય છે એની જવાબદારી પણ સવાણી પરિવાર જ ઉઠાવે છે.
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અંગદાન અંગે જાગૃતિ ફેલાવશે
પી પી સવાણી ગ્રુપ , સુરતમાં કાર્યરત જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના નેજા હેઠળ ‘માવતર’ લગ્નપ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંડપમાં હાજર રહેનાર ૨૫૦૦૦થી વધુ લોકોને એકસાથે ઓર્ગન ડોનેશનના શપથ લેવડાવશે. સાથે જ લગ્ન સમારોહમાં મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત ઓર્ગન ડોનેશનના સંદેશાથી થશે. એમને જે બેજ લગાડશે એમાં પણ ઓર્ગન ડોનેશનના જ મેસેજ હશે.
હનુમાન ચાલીસા અર્પણ સ્વાગત
આગામી મહિને કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર અને જેની રાહ વિશ્વના લોકો જોઈ રહ્યા છે, એ અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળે ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આ નિમિતે આસ્થા અને ભગવાન શ્રી રામના સેવક તરીકે આવનાર દરેક મહેમાનોને શ્રી હનુમાન ચાલીસા આર્પણ કરવામાં આવશે.
ટ્રીપો જંગલ પ્રા. લિ. દ્વારા પી.પી.સવાણી ગ્રુપની દીકરીઓની “માવતર” રૂપી ગંગા સ્વરૂપ ૧૫૦ બહેનોને ૬ દિવસ રહેવા, જમવા, આવવા – જવાનો તમામ સુવિધા સહિત ફકત ૧૦૦૧ રૂપિયામાં અયોધ્યા દર્શન કરાવવા માટે લઈ જવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.