News Continuous Bureau | Mumbai
Surat Tax Collection : સુરત જિલ્લા પંચાયત દ્વારા છેલ્લા ત્રણ માસથી સમગ્ર જિલ્લામાં વેરા વસુલાતને વધારવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશના અમલમાં તાલુકાવાર નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલના માર્ગદર્શન હેઠળ સમયાંતરે સમીક્ષા બેઠક અને તાલીમ સેમિનારો યોજવામાં આવ્યા હતા.
આ પ્રયાસોના પરિણામે જિલ્લાની કુલ રૂ.૯૦ કરોડથી વધુની વેરા વસુલાત થવા પામી છે,જે રાજ્યમાં પ્રથમ ક્રમની સિદ્ધિ છે. સુરત જિલ્લાના ૩૨૧ ગ્રામ પંચાયતમાંથી ૮૦%થી વધુ વસુલાત કરવામાં સફળતા મળેલી છે, જયારે ૬૮ ગ્રામ પંચાયતોએ ૧૦૦% વસુલાત કરી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
આ નોંધપાત્ર સિદ્ધિ માટે જિલ્લા પંચાયત દ્વારા તલાટી કમ મંત્રીઓ અને સરપંચોનું નો વિશેષ સન્માન કરાયું હતું. તેમને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યા હતા.
ખાસ કરીને માંડવી તાલુકાની લાખગામ અને ઉમરપાડા તાલુકાની ચિતલદા ગ્રામ પંચાયતે ન માત્ર ૧૦૦% વસુલાત કરી પરંતુ ગયા વર્ષની સરખામણીમાં પણ વધુ વસુલાત સાથે અગ્રતાક્રમ હાંસલ કર્યો. જેથી જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ અને જિ.વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલે તેમનું વિશેષ સન્માન કર્યું હતું. આ ઉપરાંત ભારુંડી (તા.ઓલપાડ), દઢવાડા (તા.માંડવી) અને હથુરણ (તા.માંગરોળ) ગ્રામ પંચાયતે પણ નોંધપાત્ર કામગીરી કરતા સન્માનપત્ર આપાયા હતા.
આ સમાચાર પણ વાંચો : Royal Enfield : રોયલ એન્ફીલ્ડ એ એપ્રિલ 2025માં 86,000થી વધુ બાઈક વેચી
તાલુકાવાર વસુલાતની વાત કરીએ તો બારડોલી તાલુકામાં ૮૬.૪૫% વસુલાત સાથે રૂ.૮.૬૧ કરોડ, ઉમરપાડા ૭૪.૯૬% વસુલાત સાથે રૂ.૧.૦૭ કરોડ, મહુવા ૭૩.૯૭% વસુલાત સાથે ૨.૬૬ કરોડ, ચોર્યાસીમાં ૭૧.૨૦% વસુલાત સાથે ૯૧.૦૯ લાખ, માંડવી ૬૨.૯૭% વસુલાત સાથે રૂ.૪.૧૮ કરોડ, પલસાણામાં ૫૯.૦૧% વસુલાત સાથે ૧૭.૬૩ કરોડ, ઓલપાડમાં ૪૭.૬૨% વસુલાત સાથે ૧૭.૬૦ કરોડ, કામરેજ ૪૪.૭૨% વસુલાત સાથે ૧.૯૬ કરોડ અને માંગરોળ ૪૪.૨૨% ટકાવારીથી ૧૦.૩૨ કરોડ વસુલાત કરવામાં આવી છે.
આ પ્રસંગે જિ.પંચાયત પ્રમુખ, જિ.વિકાસ અધિકારી, પૂર્વ જિ.પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, નાયબ જિ.વિકાસ અધિકારી જી.એ. પટેલ તેમજ સરપંચો અને તલાટીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.