News Continuous Bureau | Mumbai
Swimming Competition :
- ભાઈઓની સ્પર્ધામાં સુરતના નિલય કાર્નિકર અને બહેનોની સ્પર્ધામાં તાશા મોદી પ્રથમ ક્રમે: બીજા અને ત્રીજા ક્રમે પણ સુરતી સ્પર્ધકોએ બાજી મારીઃ
- તરણ સ્પર્ધામાં ગુજરાત સહિત કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના ૩૭ સ્પર્ધકોએ ભાગ લીધો
- ચોરવાડથી વેરાવળના અરબી સમુદ્રમાં સાહસ, રોમાંચ અને ધીરજની પરીક્ષા એટલે વીર સાવરકર તરણ સ્પર્ધા
- સાહસ, રોમાંચ અને ધીરજની પરીક્ષા કરતી અને પ્રતિ બે વર્ષે ચોરવાડથી વેરાવળ વચ્ચે દરિયામાં યોજાતી વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા અંતર્ગત રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર- ગીર સોમનાથ દ્વારા ગઈકાલે આદ્રી બીચ ખાતે ખાતેથી મહિલાઓની અને ચોરવાડ ખાતેથી ભાઈઓની ૩૩મી સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં સુરતી તરણ સ્પર્ધકોએ બાજી મારી હતી.
આમ પણ કહેવાય છે કે, દરિયા સામે બાથ ભીડવી જેવાં તેવાનું કામ નથી, તેવા સમયે દરિયાના ઠંડા પાણી, ઉછળતા મોજા, સામેથી આવતા પવન સહિતની વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે અડગ મન અને સાથે સતત દરિયા સામે લડીને વિજેતા બનવું એ આકરી પરીક્ષા હોય છે. છતાં, પ્રતિ વર્ષ દેશના વિવિધ પ્રાંત, પ્રદેશ અને રાજ્યમાંથી આવતા સ્પર્ધકો દરિયાને જીતી લેવા પોતાની દિલની બાજી લગાવીને દરિયા વચ્ચે ઉતરે છે.
આ તરણ સ્પર્ધામાં સૂરતી તરવૈયાઓએ દરિયા સાથે બાથ ભીડી પોતાની સાહસવૃત્તિનો આગવો પરિચય સોમનાથમાં આપ્યો હતો. સ્પર્ધામાં પોતાની સ્ફૂર્તિ અને તૈરાકીનું કૌવત બતાવતા ભાઈઓમાં સુરતના નિલય કાર્નિકરે અને બહેનોમાં સુરતની તાશા મોદીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આમ, બંને સુરતના ખેલાડીઓએ સુરતની અસલી ‘સૂરત’ બતાવી ખિતાબ પોતાના નામે કરી સુરતનું નામ ફરી એકવાર રોશન કર્યું હતું.
આ તરણ સ્પર્ધામાં ગુજરાત સહિત કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ જેવા વિવિધ રાજ્યના ૩૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડથી વેરાવળ (૨૧ નોટિકલ માઈલ) યોજાઈ હતી. આ સ્પર્ધામાં સુરતના નિલય કાર્નિકરે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ સ્પર્ધા તેમણે ૫ કલાક ૫૫ મિનિટ અને ૫૫ સેકન્ડમાં પૂરી કરી હતી.
આ સમાચાર પણ વાંચો : લોકસભા ચૂંટણી પહેલા ગૌતમ ગંભીરે લીધો ચોંકાવનારો નિર્ણય, રાજકીય ફરજોથી થવા માંગે છે મુક્ત, જણાવ્યું કારણ..
જ્યારે બહેનો માટેની સ્પર્ધા આદ્રીથી વેરાવળ (૧૬ નોટિકલ માઈલ) વચ્ચે યોજાઈ હતી. જેમાં સુરતની દીકરીઓએ પોતાની તરણ કૌશલ્ય દર્શાવતા પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંક મેળવ્યો હતો. તાશા મોદીએ ૪ કલાક ૧૦ મિનિટમાં તરણ સ્પર્ધા પૂરી કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે બીજા નંબરે હેની ઝાલાવડિયાએ ૪ કલાક ૧૦ મિનિટ અને ૨૦ સેકંડમાં સ્પર્ધા પૂરી કરી તેમજ ડોલ્ફી સારંગે ૦૪ કલાક ૧૬ મિનિટ અને ૨૦ સેકંડમાં સ્પર્ધા પૂરી કરીને ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.
શ્રી મણિબહેન કોટક હાઈસ્કૂલમાં ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિજેતાઓને રૂ.૫૦,૦૦૦, દ્વિતિય ક્રમાંક મેળવનારને રૂ.૩૫,૦૦૦ અને તૃતિય ક્રમાંક મેળવનાર વિજેતાઓને રૂ.૨૫,૦૦૦ની રાશિથી સન્માનિત કરાયા હતાં.
જ્યારે પૂજ્ય મોટા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પ્રથમ ક્રમાંક મેળવનાર તમામ વિજેતાઓને રૂ.૨,૦૧,૦૦૦, દ્વિતિય વિજેતાને ૧,૬૫,૦૦૦ અને ત્રીજા વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ ની પુરસ્કૃત રાશિ તેમજ સમયમર્યાદામાં સ્પર્ધા પૂર્ણ કરનાર સ્પર્ધકોને રૂ.૯,૯૯૯ ના પ્રોત્સાહક પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં.
રાજ્ય સરકારના આયોજન, વ્યવસ્થા અને મદદની સરાહના કરતા સ્પર્ધકો
પ્રથમ ક્રમાંક મેળવનાર સુરતની તાશા મોદીએ કહ્યું કે, મેં પ્રથમ વખત જ આ તરણ સ્પર્ધામાં ભાગ લીધો છે. ગીર સોમનાથ વહીવટીતંત્ર દ્વારા રહેવા તેમજ જમવાની સુવિધા પણ ખૂબ જ ઉમદા હતી. હું આવતા વર્ષે પણ ફરી આવીશ અને આ સ્પર્ધામાં અચૂક ભાગ લઈશ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.