News Continuous Bureau | Mumbai
Lok Sabha election 2024 :
- ‘૧૯૫૦’ હેલ્પલાઈનના માધ્યમથી અત્યાર સુધીમાં ૧૦૫૦ થી વધુ ફોનકોલ દ્વારા નાગરિકોને સંતોષકારક સમાધાન મળ્યું
- સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૨૪×૭ કાર્યરત હેલ્પલાઈન નંબર પરથી ચૂંટણી કાર્ડ અને મતદાર યાદી સહિતના નાગરિકોને મૂંઝવતા પ્રશ્નોના મળી રહ્યા છે જવાબ
- વોટર્સ હેલ્પલાઈન ૧૯૫૦ પર નાગરિકો મેળવી શકે છે તેમના મતાધિકારને લગતી સમસ્યાઓનું સમાધાન
લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાની સામાન્ય ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે, ત્યારે આ અવસરમાં સહભાગી થવા માટે નાગરિકોનો ઉત્સાહ વધારવા અને મહત્તમ મતદાન થાય તે માટે ચૂંટણી પંચે સુવિધાપૂર્ણ નવતર પ્રકલ્પો શરૂ કર્યા છે. આવો જ એક પ્રકલ્પ છે ‘૧૯૫૦’ વોટર્સ હેલ્પલાઈન. આ હેલ્પલાઈન દ્વારા શહેર-જિલ્લાના નાગરિકોને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપવા માટે ૨૪×૭ ના ધોરણે કલેક્ટર કચેરી ખાતે અલાયદું યુનિટ કાર્યરત છે. આ યુનિટ નાગરિકોના ફોનકોલ્સને એટેન્ડ કરી તેમના પ્રશ્નો અને મૂંઝવણોના ઉકેલ આપે છે.
મતદારો દ્વારા પૂછાયેલા સવાલોના સંતોષકારક જવાબ આપવામાં આવ્યો
ચૂંટણી જાહેર થયાથી અત્યાર સુધીમાં કલેક્ટર કચેરીમાં ડિસ્ટ્રીક્ટ કોન્ટેક્ટ સેન્ટર અંતર્ગત કાર્યરત ‘૧૯૫૦’ સેલને ૧૦૫૦ થી વધુ ફોન કોલ્સ મળ્યા છે. જેમાં આમ નાગરિકો-મતદારો દ્વારા પૂછાયેલા સવાલોના સંતોષકારક જવાબ આપવામાં આવ્યો છે. તા.૩૦મીએ ૬૭ કોલ મળ્યા હતા. આમ, ‘૧૯૫૦’ સેલમાં સરેરાશ પ્રતિદિન ૭૦ જેટલા કોલ આવી રહ્યા છે એમ નાયબ મામલતદારો અભિષેક પટેલ અને શ્વેતા ટી.પટેલે જણાવ્યુ હતું.
આ સમાચાર પણ વાંચો : ભારતના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં ધનનો વરસાદ, RBIની તિજોરીમાં થયો અબજો ડોલરનો વધારો
ડિસ્ટ્રીક્ટ કોન્ટેક્ટ સેન્ટરમાં ૬ નાયબ મામલતદારો ૬ ક્લાર્ક, ૦૨ ઓપરેટરો ત્રણ શિફ્ટમાં ૨૪ કલાક ફરજ બજાવી રહ્યા છે. નાગરિકો દ્વારા મોટાભાગે ચૂંટણી કાર્ડ અને મતદાર યાદી સહિતની બાબતો વિશે સવાલો પૂછવામાં આવે છે, જેના જવાબ આ સેલ દ્વારા સંતોષકારક રીતે આપવામાં આવે છે. નાગરિકો દ્વારા મતદાન વેળાએ કેટલા દસ્તાવેજો માન્ય ગણાય છે, મતદાર યાદીમાં નામ છે કે કેમ, મતદારયાદીમાં સુધારા માટે કરેલી અરજીનું શું સ્ટેટ્સ છે વગેરે પ્રકારના અનેક સવાલો અત્યાર સુધીમાં પૂછાઈ ચૂક્યા છે.
ચૂંટણી પંચનો આ પ્રકલ્પ સહાયરૂપ બની રહ્યો છે
આમ, ‘૧૯૫૦’ હેલ્પલાઈન માધ્યમથી નાગરિકોને મૂંઝવતા સવાલોના જવાબ મળે છે. સાથોસાથ જરૂરી જાણકારી મળવાથી તેઓ અન્ય લોકોને માહિતી આપી જાગૃતિ ફેલાવી રહ્યા છે. મતદાન વધારવા તથા મતદારોની મૂંઝવણો દૂર કરવા માટેનો ચૂંટણી પંચનો આ પ્રકલ્પ સહાયરૂપ બની રહ્યો છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.