News Continuous Bureau | Mumbai
સંગીતથી બાળકોમાં એકાગ્રતા, આત્મનિર્ભરતાના બીજ રોપાયા
:- અંધજન મંડળ શાળાના સંગીત શિક્ષક વિવેકભાઈ
આજના તણાવયુક્ત દોરમાં સૌ કોઈ માટે રિલેક્સ થવા અને ટેન્શનમુક્ત રહેવા સંગીત આવશ્યક: વિદ્યાર્થી હિમેશ રબારી
માત્ર મનોરંજનનું જ નહીં, પણ શબ્દોને વાચા આપી લાગણીઓ વ્યક્ત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ એટલે સંગીત. માનવજીવનની સાથોસાથ પશુ-પક્ષી અને વૃક્ષો પર પણ સંગીતની અદભૂત અસર પુરવાર થઈ છે. તેથી જ વિશ્વભરમાં સંગીતને પ્રોત્સાહન આપવા દર વર્ષે તા.૨૧મી જૂનને ‘વિશ્વ સંગીત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
સંગીતનું માધ્યમ એટલે સૂર કે સ્વર..આ બન્ને જ કળા મુખ્યત્વે કાન અને મુખથી ગ્રહણ થાય છે. અને તેને પામનારા કલાકાર કહેવાય છે. આવા જ કલાકારની એક ઝાંખી તમને સુરતના ઘોડદોડ સ્થિત અંધજન મંડળ શાળાના સૂર, લય, સંગીત વૃંદના બાળકોમાં થશે. કોઇકે સાચું જ કહ્યું છે, જેની એક ઇન્દ્રિય ઓછી તેની અનેક ઇન્દ્રિય સતેજ. અંધજન મંડળ શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકો સંગીત ક્ષેત્રે કમાલ કરી રહ્યા છે. ૧૦-૧૫ બાળકો અને શિક્ષકો સહિતનું તેમનું સૂર, લય સંગીત વૃંદ શહેરમાં યોજાતા ઘણાં સરકારી/ખાનગી કાર્યક્રમોમાં પણ મનોરંજન પૂરૂ પાડે છે.
અંધજન શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને છેલ્લા ૧૧ વર્ષોથી આ સંસ્થા સાથે સંગીત શિક્ષક તરીકે કાર્યરત શ્રી વિવેક ટેલરે જણાવ્યું કે, અહીં બાળકોને વોકલની સાથે કી બોર્ડ, ઓકટોપેડ, હાર્મોનિયમ, સિતાર, તબલા, ઢોલક, વાંસળી અને કેઝોન સહિતના વાદ્યો શીખવાડવામાં આવે છે. તેમજ અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય સાથે જોડાઈને બાળકો સંગીતમાં ઉચ્ચ અભ્યાસ/વિશારદ સુધીની ડિગ્રી પણ મેળવે છે.
સાથે જ તેઓ યુવક મહોત્સવ, કલા ઉત્સવ, કલા વારસો સહિતની જિલ્લા/રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં પણ ભાગ લઈ ઉત્તમ પ્રદર્શન કરે છે. તેમજ આ વૃંદ વિવિધ કાર્યક્રમોમાં પ્રદર્શન કરી ઈનામરૂપી પ્રોત્સાહન પણ મેળવે છે.
પ્રજ્ઞાચક્ષુ બાળકોની શ્રવણશક્તિ કુદરતી રીતે સવિશેષ હોય છે એમ જણાવી તેમણે કહ્યું કે, સંગીતથી પ્રજ્ઞાચક્ષુ બાળકોમાં એકાગ્રતા, આત્મનિર્ભરતાના બીજ રોપાયા છે. સંગીત શીખવાની સાથે સાંભળીને વધુ સારી રીતે સમજી શકાય છે. જેથી ઘણી વાર બાળકો શીખવાડવા કરતાં ઘણું વધુ ગ્રહણ કરે છે અને ઉત્કૃષ્ટ પરિણામ જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો : Paperless Exam : આરઆરયુએ શરૂ કરી પેપરલેસ પરીક્ષા, વિકાસની દિશામાં વધુ એક હરણફાળ
વધુમાં તેમણે કહ્યું કે, સંગીત અનેક રીતે પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે ઉપયોગી છે. શોખની સાથોસાથ સંગીત થકી તેઓ પોતાનું ઉજ્જવળ ભાવિ ઘડી શકે છે. ગાયક કે વાદ્ય કલાકાર તરીકે કલા પ્રદર્શિત કરીને કે પછી સંગીતમાં ઉચ્ચ અભ્યાસ થકી શિક્ષક તરીકે સ્વનિર્ભર થઈ શકે છે. સંગીતના અભ્યાસથી અમારા બાળકો સંગીત વિશારદ બની પરિવારનું ભરણપોષણ કરવા સક્ષમ બન્યા છે.
ધો.૧૧ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતાં હિમેશ રબારી કે જેઓ ભવિષ્યમાં ચાર્ટર્ડ આકાઉન્ટન્ટ બનવાનો ધ્યેય સેવે છે, તેમણે કહ્યું કે, સંગીત મનોરંજનનું સૌથી સરળ માધ્યમ છે. સાથે જ આજના તણાવયુક્ત દોરમાં સૌ કોઈ માટે રિલેક્સ થવા અને ટેન્શન મુક્ત રહેવા ખૂબ આવશ્યક પણ છે. વિવિધ પ્રકારનું સંગીત આપણા મિજાજને ઇન્સ્ટન્ટ અપલિફ્ટ કરવામાં ખૂબ મદદરૂપ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.