News Continuous Bureau | Mumbai
PM Modi Pedro Sanchez C-295 Aircraft : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનનાં પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે આજે ગુજરાતનાં વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) કેમ્પસમાં C-295 એરક્રાફ્ટનાં ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું હતું. બંને પ્રધાનમંત્રીઓએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનીનું અવલોકન પણ કર્યું.
અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્પેનનાં પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝની ( Pedro Sanchez ) આ પ્રથમ ભારત યાત્રા છે અને બંને દેશો વચ્ચેની ભાગીદારી આજે નવી દિશા શોધી રહી છે. સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સના ઉદઘાટનની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેનાથી બંને દેશો વચ્ચેનાં સંબંધો મજબૂત થવાની સાથે ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’નાં અભિયાનને વેગ મળશે. શ્રી મોદીએ આ પ્રસંગે એરબસ અને ટાટાની સંપૂર્ણ ટીમને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ સ્વ. શ્રી રતન ટાટાજીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) ભારપૂર્વક જણાવ્યું હતું કે, સી-295 એરક્રાફ્ટની ફેક્ટરી નવા ભારતની નવી કાર્યસંસ્કૃતિનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું હતું કે, આઇડિયાથી લઈને દેશમાં કોઈ પણ પ્રોજેક્ટનાં અમલીકરણ સુધીની ભારતની ઝડપ અહીં જોઈ શકાશે. ઓક્ટોબર, 2022માં ફેક્ટરીના શિલાન્યાસને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સુવિધા હવે સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે તૈયાર છે. પ્રોજેક્ટ્સના આયોજન અને અમલીકરણમાં બિનહિસાબી વિલંબ દૂર કરવા પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે વડોદરામાં બોમ્બાર્ડિયર ટ્રેન કોચ ઉત્પાદન એકમની સ્થાપનાને યાદ કરી હતી અને જણાવ્યું હતું કે, ફેક્ટરી ઉત્પાદન માટે વિક્રમજનક સમયમાં તૈયાર થઈ ગઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ ફેક્ટરીમાં બનેલા મેટ્રો કોચની આજે અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવે છે.” શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આજની ઉદ્ઘાટન સુવિધામાં નિર્મિત એરક્રાફ્ટની નિકાસ પણ કરવામાં આવશે.
Speaking at the inauguration of the C-295 Aircraft facility in Vadodara. It reinforces India’s position as a trusted partner in global aerospace manufacturing.https://t.co/VvuC5izfPM
— Narendra Modi (@narendramodi) October 28, 2024
પ્રસિદ્ધ સ્પેનિશ કવિ એન્ટોનિયો મચાડોને ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જેમ-જેમ આપણે લક્ષ્યાંક તરફ આગળ વધીએ છીએ, તેમ-તેમ લક્ષ્યાંક તરફ જવાનો માર્ગ આપોઆપ ઊભો થાય છે. ભારતની સંરક્ષણ ઉત્પાદન પ્રણાલી આજે નવી ટોચ પર પહોંચી રહી છે તેની નોંધ લઈને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, જો 10 વર્ષ અગાઉ નક્કર પગલાં લેવામાં ન આવ્યાં હોત, તો આજે આ મુકામ સુધી પહોંચવું અશક્ય હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, એક દાયકા અગાઉ સંરક્ષણ ઉત્પાદનની પ્રાથમિકતા અને ઓળખ આયાતને લગતી હતી અને કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું કે ભારતમાં આટલા મોટા પાયે સંરક્ષણ ઉત્પાદન થઈ શકે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સરકારે નવા માર્ગે ચાલવાનો, ભારત માટે નવા લક્ષ્યાંકો નિર્ધારિત કરવાનો નિર્ણય લીધો છે, જેનાં પરિણામો આજે પણ સ્પષ્ટ છે.
PM Modi Pedro Sanchez C-295 Aircraft : ભારતની સંરક્ષણ નિકાસમાં 30 ગણો વધારો
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની કાયાપલટ કેવી રીતે ઉચિત યોજના અને ભાગીદારી શક્યતાઓને સમૃદ્ધિમાં પરિવર્તિત કરી શકે છે તેનું ઉદાહરણ પૂરું પાડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વ્યૂહાત્મક નિર્ણયોએ છેલ્લા એક દાયકામાં ભારતમાં વાઇબ્રન્ટ સંરક્ષણ ઉદ્યોગના વિકાસને વેગ આપ્યો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “અમે સંરક્ષણ ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારી છે, જાહેર ક્ષેત્રના એકમોને વધુ કાર્યક્ષમ બનાવ્યા છે, ઓર્ડનન્સ ફેક્ટરીઓનું પુનર્ગઠન કરીને સાત મોટી કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે તથા ડીઆરડીઓ અને એચએએલને સશક્ત બનાવ્યા છે.” તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં સંરક્ષણ કોરિડોરની સ્થાપનાથી આ ક્ષેત્રમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. આઇડીઇએક્સ (ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ) યોજનાનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં પાંચથી છ વર્ષમાં આશરે 1,000 ડિફેન્સ સ્ટાર્ટઅપ્સની વૃદ્ધિને વેગ આપ્યો છે. તેમણે માહિતી આપી હતી કે, છેલ્લાં એક દાયકામાં ભારતની સંરક્ષણ નિકાસમાં 30 ગણો વધારો થયો છે, અત્યારે દેશ 100થી વધારે દેશોમાં ઉપકરણોની નિકાસ કરે છે.
આ સમાચાર પણ વાંચો : Singham again: સિંઘમ અગેન માં થઇ આ પોલીસવાળા ની એન્ટ્રી, બિગ બોસ 18 ના મંચ પર રોહિત શેટ્ટી એ કર્યું કન્ફર્મ
પ્રધાનમંત્રીએ સ્કિલિંગ અને રોજગાર સર્જન પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, એરબસ-ટાટા ફેક્ટરી ( Tata Aircraft Complex) જેવા પ્રોજેક્ટો હજારો રોજગારીનું સર્જન કરશે. તેમણે જણાવ્યું હતું કે, આ ફેક્ટરી 18,000 એરક્રાફ્ટ પાર્ટ્સનાં સ્વદેશી ઉત્પાદનને ટેકો આપશે, જે સમગ્ર ભારતમાં એમએસએમઇ માટે પુષ્કળ તકો પ્રદાન કરશે. આજે પણ વિશ્વની મોટી એરક્રાફ્ટ કંપનીઓ માટે ભારત પાર્ટ્સનો સૌથી મોટો સપ્લાયર દેશ છે તેની નોંધ લઈને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, નવી એરક્રાફ્ટ ફેક્ટરીથી ભારતમાં નવા કૌશલ્યો અને નવા ઉદ્યોગોને મોટું પ્રોત્સાહન મળશે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ આજના કાર્યક્રમને પરિવહન એરક્રાફ્ટના ( C-295 aircraft ) ઉત્પાદનથી પણ આગળ જોઈ રહ્યા છે. છેલ્લાં એક દાયકામાં ભારતનાં ઉડ્ડયન ક્ષેત્રમાં અભૂતપૂર્વ વૃદ્ધિ અને પરિવર્તનનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારત દેશનાં સેંકડો નાનાં શહેરોને હવાઈ જોડાણ પ્રદાન કરી રહ્યું છે, ત્યારે તેની સાથે-સાથે ભારતને ઉડ્ડયન અને એમઆરઓ ક્ષેત્રનું કેન્દ્ર બનાવવા માટે પણ કામ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આ ઇકોસિસ્ટમ ભવિષ્યમાં મેડ ઇન ઇન્ડિયા નાગરિક વિમાનો માટે માર્ગ પણ મોકળો કરશે. વિવિધ ભારતીય એરલાઇન્સે 1200 નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હોવાની નોંધ લઈને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, એનો અર્થ એ થયો કે નવી ઉદઘાટન થયેલી ફેક્ટરી ભવિષ્યમાં ભારત અને દુનિયાની જરૂરિયાતો પૂર્ણ કરવા નાગરિક વિમાનોની ડિઝાઇનિંગથી માંડીને તેનું ઉત્પાદન કરવા સુધીની મુખ્ય ભૂમિકા ભજવશે.
Make in India, Make for the World. pic.twitter.com/xTFkpX1wFh
— PMO India (@PMOIndia) October 28, 2024
વડોદરા શહેર એમએસએમઇનું ગઢ છે એ વાતનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ શહેર ભારતનાં આ પ્રયાસોમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આ શહેરમાં ગતિશક્તિ યુનિવર્સિટી પણ છે, જે ભારતનાં વિવિધ ક્ષેત્રો માટે વ્યાવસાયિકોને તૈયાર કરી રહી છે. પ્રધાનમંત્રીએ એ બાબતની પણ નોંધ લીધી હતી કે, વડોદરામાં ફાર્મા ક્ષેત્ર, એન્જિનીયરિંગ અને હેવી મશીનરી, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, પાવર એન્ડ એનર્જી ઇક્વિપમેન્ટ જેવા અનેક ક્ષેત્રો સાથે સંબંધિત ઘણી કંપનીઓ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે આ સંપૂર્ણ ક્ષેત્ર ભારતમાં ઉડ્ડયન ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. શ્રી મોદીએ ગુજરાત સરકાર અને તેના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની સંપૂર્ણ ટીમને તેમની આધુનિક ઔદ્યોગિક નીતિઓ અને નિર્ણયો બદલ અભિનંદન પાઠવ્યા હતા.
વડોદરા એ ભારતનું મહત્વનું સાંસ્કૃતિક શહેર પણ છે એ વાતનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, તેઓ સ્પેનથી ( India Spain ) આવેલા તમામ મિત્રોને આવકારતા આનંદની લાગણી અનુભવે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ભારત અને સ્પેન વચ્ચે સાંસ્કૃતિક જોડાણનું પોતાનું આગવું મહત્વ છે.” તેમણે ટિપ્પણી કરી હતી કે ફાધર કાર્લોસ વાલેસ સ્પેનથી આવીને ગુજરાતમાં સ્થાયી થયા હતા અને તેમણે તેમના જીવનના પચાસ વર્ષ વિતાવ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે ફાધર વાલેસ તેમના વિચારો અને લખાણોથી સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમને ફાધર વાલેસને મળવાનું સૌભાગ્ય પણ મળ્યું હતું અને ભારત સરકારે તેમના આ મહાન પ્રદાન બદલ તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.
PM Modi Pedro Sanchez C-295 Aircraft : રિયલ મેડ્રિડ અને બાર્સેલોના ક્લબ વચ્ચે યોજાયેલી ફૂટબોલ મેચ અંગે કરી ટિપ્પણી
PM મોદીએ નોંધ્યું હતું કે સ્પેનમાં પણ યોગ ખૂબ જ લોકપ્રિય છે અને સ્પેનિશ ફૂટબોલને પણ ભારતમાં પસંદ કરવામાં આવે છે. ગઈકાલે રિયલ મેડ્રિડ અને બાર્સેલોના ક્લબ વચ્ચે યોજાયેલી ફૂટબોલ મેચ અંગે ટિપ્પણી કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, બાર્સેલોનાનો આ મહાન વિજય ભારતમાં પણ ચર્ચાનો વિષય છે અને બંને ક્લબના ચાહકોનો ઉત્સાહ ભારતમાં પણ એટલો જ છે જેટલો તે સ્પેનમાં છે. ભારત અને સ્પેનની બહુઆયામી ભાગીદારી પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ખાણીપીણીની વાત હોય, ફિલ્મો હોય કે ફૂટબોલની વાત હોય, આપણા લોકો વચ્ચેનું મજબૂત જોડાણ હંમેશા આપણા સંબંધોને મજબૂત કરે છે.” શ્રી મોદીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે, ભારત અને સ્પેને વર્ષ 2026ને ભારત-સ્પેન સંસ્કૃતિ, પ્રવાસન અને એઆઇ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે.
સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આજની ઇવેન્ટથી ભારત અને સ્પેન વચ્ચે સંયુક્ત સહયોગની ઘણી નવી પરિયોજનાઓને પ્રેરણા મળશે. તેમણે સ્પેનના ઉદ્યોગ જગત અને નવપ્રવર્તકોને આમંત્રણ આપ્યું હતું અને તેમને ભારત આવવા અને દેશની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Ahmedabad Shopping Festival: અમદાવાદની દિવાળીમાં ઉમેરાયો ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ રૂપી દસમો રંગ. હજારો દુકાનદારો થયા સહભાગી, નોંધાયું આટલા લાખનું વેચાણ.
આ પ્રસંગે ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય વિદેશ મંત્રી શ્રી એસ. જયશંકર ઉપસ્થિત રહ્યાં હતાં.
પાશ્વ ભાગ
સી-295 કાર્યક્રમ હેઠળ કુલ 56 વિમાનોની ડિલિવરી થવાની છે, જેમાંથી 16 વિમાનોની ડિલિવરી સીધી એરબસ દ્વારા સ્પેનથી કરવામાં આવી રહી છે અને બાકીના 40 વિમાનો ભારતમાં બનાવવાના છે.
ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ ભારતમાં આ 40 વિમાન બનાવવા માટે જવાબદાર છે. આ સુવિધા ભારતમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ ફાઇનલ એસેમ્બલી લાઇન (એફએએલ) બની છે. તેમાં ઉત્પાદનથી લઈને એસેમ્બલી, પરીક્ષણ અને યોગ્યતા, એરક્રાફ્ટની સંપૂર્ણ જીવનચક્રની ડિલિવરી અને જાળવણી સુધીની સંપૂર્ણ ઇકોસિસ્ટમના સંપૂર્ણ વિકાસનો સમાવેશ થાય છે.
ટાટા ઉપરાંત ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ જેવા સંરક્ષણ જાહેર ક્ષેત્રના અગ્રણી એકમો તેમજ ખાનગી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો આ કાર્યક્રમમાં ફાળો આપશે. આ અગાઉ ઓક્ટોબર, 2022માં પ્રધાનમંત્રીએ વડોદરા ફાઇનલ એસેમ્બલી લાઇન (એફએએલ)નો શિલાન્યાસ કર્યો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
