ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
27 ઓક્ટોબર 2020
ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક ‘બેઝિક એક્સચેંજ અને સહકાર કરાર’(BECA) પર હસ્તાક્ષર થઇ ગયા છે. આ કરાર બાદ ભારત અને અમેરિકા વચ્ચે માહિતી સરળતાથી વહેંચી શકાશે. આજે (મંગળવારે) બંને દેશો વચ્ચે 2 + 2 વાટાઘાટો થઈ હતી, જેમાં બંને દેશોના સંરક્ષણ અને વિદેશ પ્રધાનો મળ્યા હતા. યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયો, સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પર મંગળવારે એક બેઠક માટે હૈદરાબાદ હાઉસ પહોંચ્યા હતા. બેઠક બાદ યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયો, સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પર અને ભારતના વિદેશ પ્રધાન એસ.કે. જયશંકર અને રાજનાથસિંહે સંયુક્ત નિવેદન જારી કર્યું છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા સતત મજબૂત થઈ છે. ‘2 + 2 વાટાઘાટ’ બેઠકમાં પણ બંને દેશોએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં કોરોના કટોકટી પછીની પરિસ્થિતિ, વિશ્વની વર્તમાન સ્થિતિ, સુરક્ષાના મુદ્દાઓ પર ઘણા મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના જણાવ્યા અનુસાર, બંને દેશોએ પરમાણુ સહયોગ વધારવા માટેનાં પગલાં લીધાં છે, અને સાથે સાથે ભારતીય ઉપખંડમાં સુરક્ષા પરિસ્થિતિ વિશે વિગતવાર વાત કરી હતી.
ભારત આવેલા યુએસ વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું હતું કે, અમેરિકા ભારત તરફથી પોતાની અખંડતા માટે લેવામાં આવેલા પગલાંઓમાં તેની સાથે ઉભું છે. નોંધનીય વાત એ છે કે માઇક પોમ્પિયોએ અહીં જૂનમાં લદ્દાખની ગલવાન ખીણમાં હિંસામાં 20 ભારતીય જવાનો શહીદ થયાની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ‘અમેરિકા ભારતની સાથે ઉભું છે.’
આ પાંચ કરારો પર હસ્તાક્ષર કર્યા:
1. Basic Exchange and Cooperation Agreement (BECA)
2. MoU for technical cooperation on earth sciences
3. Arrangement extending the arrangement on nuclear cooperation
4. Agreement on postal services
5. Agreement on cooperation in Ayurveda and Cancer research
શું છે BECA?
BECA(બેકા) એ સમજૂતી કરાર છે, જેના દ્વારા અમેરિકા અને ભારત વચ્ચે ઘણી મહત્વની અને સંવેદનશીલ માહિતીઓ શેર થઈ શકશે. સાથે જ એડવાંસ મિલિટ્રી હાર્ડવેર અને અંતરિક્ષમાં પણ પરસ્પર સહયોગ વધશે જેને જિયો સ્પેશિયલ ઈન્ટેલીજન્સ તરીકે ઓળખવામાં આવે છે.હસ્તાક્ષર બાદ અમેરિકી રક્ષા વિભાગ પેંટાગન હેઠળ આવતી નેશનલ જિયોસ્પેશિયલ ઈન્ટેલીજન્સ એજન્સી, ભારતના રક્ષા મંત્રાલય સાથે મિલિટ્રી માહિતીઓ શેર કરશે. જે માહિતીઓ ભારતને મળશે તેમાં અનક્લાસીફાઈડ ઈમેજરી, જિયોડેક્ટિક એટલે કે અંતરિક્ષનો ડેટા, જિયોમેગ્નેટીક અને ગુરુત્વાકર્ષણ સાથે જોડાયેલ ડેટા શામેલ હશે. મોટાભાગે આવી માહિતી ભારત સાથે શેર કરવામાં આવશે જે વર્ગીકૃત નહિ હોય એટલે કે જેનો કોઈ રેકોર્ડ નહિ હોય.
