અરુણાચલ પ્રદેશ પોલીસે એક મોટી સુરક્ષા સફળતા હાંસલ કરતાં જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના રહેવાસી બે યુવકો ની જાસૂસીના ગંભીર આરોપમાં ધરપકડ કરી છે.આ બંને યુવકો ભારતીય સેનાની તૈનાતી અને મૂવમેન્ટની સંવેદનશીલ માહિતી મોકલતા હતા.
જાસૂસી નેટવર્ક અને કાર્યવાહી
પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને યુવકો ભારતીય સેનાની તૈનાતી, લોકેશન અને મૂવમેન્ટ સંબંધિત સંવેદનશીલ માહિતી એકત્રિત કરી રહ્યા હતા અને આ ડેટા પાકિસ્તાન સ્થિત હેન્ડલરો સુધી પહોંચાડી રહ્યા હતા.તપાસમાં સામે આવ્યું છે કે આ આખું નેટવર્ક ટેલિગ્રામ ચેનલો દ્વારા સંચાલિત હતું, જેથી સુરક્ષા એજન્સીઓ માહિતીને સરળતાથી ટ્રેસ ન કરી શકે. બંને આરોપીઓના ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસમાં પુરાવા મળ્યા છે કે તેઓ સેના સાથે જોડાયેલા મૂવમેન્ટ અને લોકેશનની વિગતો પાકિસ્તાન સ્થિત હેન્ડલરોને મોકલી ચૂક્યા હતા.તેમની ડિવાઇસની તપાસમાં “AL AQSA” નામની એક ટેલિગ્રામ ચેનલ સાથે કનેક્શન મળી આવ્યું છે, જે દર્શાવે છે કે આ એક સંગઠિત જાસૂસી મોડ્યુલ છે.
ગુપ્ત માહિતી અને કાયદાકીય કાર્યવાહી
શરૂઆતની તપાસ મુજબ, બંને યુવકોને પાકિસ્તાન તરફથી નિર્દેશ મળતા હતા અને તે મુજબ જ તેઓ વિસ્તારમાં ફરીને માહિતી એકત્રિત કરતા હતા.અરુણાચલ પોલીસે કહ્યું કે આ મામલો અત્યંત ગંભીર છે, કારણ કે આ દેશની સેનાની સુરક્ષા વ્યવસ્થા અને ઓપરેશનલ ગોપનીયતાને જોખમમાં મૂકવાનો પ્રયાસ હતો. પોલીસે પોલીસ સ્ટેશન ચિમ્પુમાં બંને વિરુદ્ધ UAPA (ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) સહિતની અનેક કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.અધિકારીઓ હવે તપાસને આગળ વધારી રહ્યા છે કે શું આ જાસૂસી નેટવર્કમાં વધુ લોકો સંકળાયેલા છે કે કેમ.