ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
કોરોના વાયરસ સામે ચાલી રહેલા યુદ્ધમાં એક મોટા સમાચાર આવ્યા છે. હવે બે વર્ષથી માંડીને 18 વર્ષ સુધીના બાળકોને કોરોનાની રસી આપવા માટે DGCI દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભારત બાયોટેક અને ICMR એ સાથે મળીને "કોવેક્સિન" બનાવી છે તે રસી બાળકોને આપવામાં આવશે.
પ્રાપ્ત જાણકારી મુજબ, બાળકોને પણ પુખ્ત વયના લોકોની જેમ રસીના બે ડોઝ આપવામાં આવશે. આ મુદ્દે કેન્દ્ર સરકાર તરફથી જલ્દી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. ત્યારબાદ જ બાળકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવશે. ભારતમાં કોરોના વેક્સિન ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન 78 ટકા જેટલી સફળ પુરવાર થઇ હતી. જોકે હજુ સુધી ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન બાળકોને રસીથી કંઈ નુકસાન થયું હોય તે અંગે જાણકારી સામે આવી નથી.
કોરોના મહામારીની ત્રીજી લહેર આવે તો તેમાં બાળકો સૌથી વધારે પ્રભાવિત થઇ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ મહત્વનું પગલું લેવામાં આવી રહ્યું છે. જે બાળકોને અસ્થમાની સમસ્યા છે તેમને સૌથી પહેલા વેક્સિન આપવામાં આવશે. કોવેક્સિન સરકારી સ્થળો પર બાળકોને મફત આપવામાં આવશે.
ઉલેખનીય છે કે ભારતમાં કોવિશિલ્ડ, કોવેક્સિન, સ્પૂટનિક-V રસી 18 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધી 95 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે.
