ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,21 જાન્યુઆરી 2022
શુક્રવાર.
દેશની સર્વોચ્ચ અદાલતે પિતાની સંપત્તિ પર દીકરીઓના અધિકારને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે જો સંયુક્ત પરિવારમાં રહેનાર વ્યક્તિનું મૃત્યુ વસિયત બનાવ્યા વિના પામે તો તેમની સંપત્તિ પર તેમની દીકરીનો હક રહેશે. પુત્રીને તેના પિતાના ભાઈના પુત્રો કરતાં મિલકતનો હિસ્સો આપવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે અદાલતે એમ પણ કહ્યું છે કે હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956ના અમલ પહેલા મિલકતના વિતરણ પર પણ આવી સિસ્ટમ લાગુ પડશે.
મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ સર્વોચ્ચ અદાલતે આ નિર્ણય હિંદુ મહિલાઓ અને વિધવાઓના હિંદુ ઉત્તરાધિકાર કાનૂનમાં સંપત્તિઓના અધિકારોને લઈને આપ્યો છે. સર્વોચ્ચ અદાલતની જજની પેનલે તમિલનાડુના આ મામલામાં 51 પેજનો ચૂકાદો આપ્યો છે. આ મામલામાં પિતાનું મૃત્યુ 1949માં થયું હતું. તેમની પોતાની સ્વઅર્જિત (પોતાની કમાણી) અને ભાગમાં મળેલી સંપત્તિની કોઇ વસિયત બનાવી નહોતી. મદ્રાસ હાઇકોર્ટે પિતાની સંયુક્ત પરિવારમાં રહેતા હોવાના કારણે તેમની સંપત્તિ પર તેમના ભાઇના દીકરાઓને અધિકાર આપ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે પિતાની એકમાત્ર દીકરીના પક્ષમાં ચુકાદો આપ્યો છે. આ કેસ દીકરીના વારસદારો લડી રહ્યા હતા.
સર્વોચ્ચ અદાલતનું માનવું છે કે હિંદુ ઉત્તરાધિકાર કાયદો દીકરીઓને પિતાની સંપત્તિ પર સમાન હકનો અધિકાર આપે છે. આ કાયદો લાગુ થયા અગાઉથી જ ધાર્મિક વ્યવસ્થામાં પણ મહિલાઓને સંપત્તિનો અધિકાર મળેલો છે. આ અગાઉ અનેક ચુકાદામાં સ્થાપિત થઇ ચૂક્યું છે કે જો કોઇ વ્યક્તિનો કોઇ દીકરો ના હોય તો તેની સંપત્તિ તેના ભાઇના દીકરાઓના બદલે તેની દીકરીને આપવામાં આવશે. આ વ્યવસ્થા તે વ્યક્તિએ પોતે કમાયેલી સંપત્તિની સાથે સાથે તેને વારસામાં મળેલી સંપત્તિ પર પણ લાગુ થાય છે.
સર્વોચ્ચ અદાલતે આ વ્યવસ્થાનો વિસ્તાર હવે 1956 અગાઉ થયેલા સંપત્તિ વહેંચણી પર પણ લાગુ કરી દીધો છે. જેની અસર દેશભરની નીચલી અદાલતોમાં પેન્ડિંગ સંપત્તિ વહેંચણી વિવાદના કેસ પર પણ પડી શકે છે.