ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 મે ૨૦૨૧
શુક્રવાર
કોરોનાના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોનાં કરુણ મોત થયાં છે. અનેક લોકોએ પોતાના પરિજનો ગુમાવ્યા છે. હવે હજી એક કરુણ ઘટના દિલ્હીમાંથી સામે આવી છે. એનઆઇવી સપોર્ટ પર ‘લવ યુ જિંદગી’ ગીત સાથે ઝૂમનાર છોકરી આખરે કોરોનાની લડાઈ હારી ગઈ છે.
દિલ્હીની એક હૉસ્પિટલના પ્રખ્યાત ડોક્ટર મોનિકાએ ૮મી મેના રોજ ટ્વિટર પર એક વીડિયો મૂક્યો હતો, જેમાં એક યુવતી ડિયર જિંદગી ફિલ્મના ‘લવ યુ જિંદગી’ ગીત પર ઝૂમી રહી હતી. ડૉ. મોનિકાએ ટ્વીટમાં લખ્યું હતું કે “આ યુવતી માત્ર ૩૦ વર્ષની છે. તેને આઇસીયુ બેડ મળ્યો નથી. અમે કોવિડ ઇમર્જન્સી વૉર્ડમાં છેલ્લા ૧૦ દિવસથી તેની સારવાર કરી રહ્યા છીએ. તે એનઆઇવી સપોર્ટ પર છે. રેમડેસીવિઅર, પ્લાઝમા થેરેપી પણ આપવામાં આવી છે. તે પ્રબળ ઇચ્છાશક્તિવાળી એક મજબૂત છોકરી છે, મને તેણે ગીત વગાડવાનું કહ્યું અને મેં તેને મંજૂરી આપી.” આ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. અનેક લોકોને આ વીડિયો જોઈ પ્રેરણા મળી છે.
ભાજપના નેતા કિરીટ સોમૈયાને મળી જાનથી મારી નાખવાની ધમકી
ડૉ. મોનિકાએ ટ્વીટ કરી ૧૦મી મેના રોજ જણાવ્યું હતું કે “તેને આઇસીયુ બેડ મળી ગયો છે, તેની સ્થિતિ ગંભીર છે, તેના માટે પ્રાર્થના કરો.” ત્યાર બાદ ૧૩ તારીખે મોડી રાત્રે આ યુવતી કોરોના સામેની લડાઈ હારી ગઈ હતી.
સોનુ સૂદે આ વિશે ટ્વિટર પર લખ્યું હતું કે “ખૂબ જ દુખદ, તેણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે તે ફરીથી તેના પરિવારને જોઈ શકશે નહીં. જીવન ખૂબ અન્યાયી છે. જીવન જીવવા માટે લાયક એવા ઘણા જીવન ખોઈ રહ્યા છે.’’
ઉલ્લેખનીય છે કે આ યુવતીના મૃત્યુથી આખા દેશમાં શોકનો માહોલ છે. ઘણા લોકોએ આ યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી હતી.