ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે (સોમવારે) 6 લાખ કરોડની મહત્ત્વાકાંક્ષી નૅશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન (NMP)ની જાહેરાત કરી છે, જેનો હેતુ પૅસેન્જર ટ્રેન્સ, રેલવે સ્ટેશન્સથી માંડી ઍરપૉર્ટ્સ, રોડ અને સ્ટૅડિયમ્સ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સમાં ખાનગી કંપનીઓને સામેલ કરી સરકારી ઍસેટ્સમાંથી આવક મેળવવાનો છે. આ અંતર્ગત નાણાકીય વર્ષ 2022થી 2025 સુધી 6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ખાનગી ક્ષેત્રને ભાડે આપી શકાય છે. એમાં રેલવે, વીજળીથી લઈને રસ્તા જેવા વિવિધ માળખાકીય ક્ષેત્રોની સંપત્તિનો સમાવેશ થાય છે.
મોનેટાઇઝેશન યોજના માટે ચેન્નઈ, ભોપાલ, વારાણસી, વડોદરા સહિત ઍરપૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાના 25 ઍરપૉર્ટ્સ, 40 રેલવે સ્ટેશન્સ, 15 રેલવે સ્ટૅડિયમ્સ અને ઘણી રેલવે કૉલોનીને ખાનગી રોકાણ આકર્ષવા અલગ તારવવામાં આવી છે. સૂચિત યોજના હેઠળ ખાનગી કંપનીઓ ઇન્વિટ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ) રૂટ દ્વારા નિશ્ચિત રિટર્ન માટે વિવિધ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી શકશે. આ ઉપરાંત સરકારી એજન્સી નિશ્ચિત સમય પછી આ ઍસેટ્સ પાછી સોંપતાં પહેલાં એનું સંચાલન અને વિકાસ કરશે.
વડાપ્રધાન મોદી આજે કોરોનાને લઈને યોજશે મહત્વની બેઠક, બેઠકમાં આ અંગે કરાશે ચર્ચા ; જાણો વિગતે
નૅશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન પ્રોગ્રામનો શુભારંભ કરતાં નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ઍસેટ મોનેટાઇઝેશન પાઇપલાઇન NIP (નૅશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન)ને આગામી તબક્કામાં લઈ જશે, જ્યાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપના આધારે કામ કરવાની શક્યતા ચકાસવામાં આવશે. સમગ્ર પ્રક્રિયામાં માલિકી કે જમીનની કોઈ ટ્રાન્સફર નહીં થાય. NMPમાં બ્રાઉનફીલ્ડ ઇન્ફ્રા ઍસેટ્સમાં રોકાણ આકર્ષવાની યોજના છે. આ એવી ઍસેટ્સ છે જે વણવપરાયેલી છે અથવા જેનું સંપૂર્ણ મોનેટાઇઝેશન થયું નથી. આવી ઍસેટ્સમાં ખાનગી રોકાણ આકર્ષીને એમાંથી વધુ સારી આવક મેળવી શકાશે. આવા મોનેટાઇઝેશન દ્વારા જે સ્રોત પ્રાપ્ત થશે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરી શકાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોનેટાઇઝેશન દ્વારા મળેલાં નાણાંનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ માટે કરવામાં આવશે. આમ વેચાનારી ઍસેટનું મૂલ્ય NIP હેઠળ થનારા કુલ 111 લાખ કરોડના રોકાણના 5.4 ટકા હશે અને કેન્દ્રના 43 લાખ કરોડના પ્રસ્તાવિત ખર્ચના 14 ટકા હશે. જોકે આ છ લાખ કરોડના મોનેટાઇઝેશનના પ્લાનનો આધાર પહેલા દસ હજાર કરોડની ઍસેટનું સરળતાથી મોનેટાઇઝેશન થાય એના પર છે. તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે અહીં સહેજ પણ ગૂંચવાડો રહેવો જોઈએ નહીં કે સરકાર ઍસેટ્સ વેચી રહી છે. આ બ્રાઉનફીલ્ડ ઍસેટ્સ છે, જે સરકારની માલિકી હેઠળ જ રહેશે. મોનેટાઇઝેશન યોજનાનો ૫૦ ટકાથી વધુ હિસ્સો રોડ અને રેલવે સેક્ટરમાંથી આવશે.