ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર, 2021
મંગળવાર
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેંક જે એક મોટા કૌભાંડનો ભોગ બનેલી છે. તેને દિલ્હીની યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક (USFB) દ્વારા હસ્તગત કરવામાં આવશે. સોમવારે ભારતીય રિઝર્વ બેંકે ડ્રાફ્ટ એક્વિઝિશન પ્લાન બહાર પાડ્યો છે.
રિઝર્વ બેંકે કહ્યું હતું કે યુએસએફબી બેંક મર્જરની યોજનાના ડ્રાફ્ટ હેઠળ પીએમસી બેંકની સંપત્તિ અને જવાબદારીઓ સહિતની થાપણો હસ્તગત કરશે. તેનાથી બેંકના થાપણદારોને વધુ સારી સુરક્ષા મળશે.
USFBની રચના રૂ. 1,100 કરોડની મૂડી સાથે કરવામાં આવી છે. જો કે આવી બેંકની સ્થાપના માટે નિયમનકારી જરૂરિયાત માત્ર રૂ. 200 કરોડની છે. કેન્દ્રીય બેંકે કહ્યું હતું કે તે 10 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી આ યોજનાના ડ્રાફ્ટ પર સૂચનો અને વાંધાઓ લેશે. જે બાદ તે આ અધિગ્રહણ અંગે અંતિમ નિર્ણય લેશે.
યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક એ સેન્ટ્રમ ગ્રુપ અને ભારતપે વચ્ચેનું સંયુક્ત સાહસ છે. તેણે નવેમ્બર 1, 2021 ના રોજ સ્મોલ ફાઇનાન્સ બેંક તરીકે કામગીરી શરૂ કરી છે.
PMC બેંકના ગ્રાહકોને આ રીતે પૈસા મળશે?
જે ગ્રાહકોના પૈસા PMC બેંકમાં ફસાયેલા છે, તેમને આગામી 3થી 10 વર્ષમાં પૂરા પૈસા પાછા મળી જશે. આરબીઆઈની ડ્રાફ્ટ સ્કીમ અનુસાર યુએસએફ બેંક થાપણદારોને 5 લાખ રૂપિયાની ગેરંટી રકમ આપશે. તે પછી બેંક બે વર્ષ પછી 50,000 રૂપિયા, ત્રણ વર્ષ પછી 1 લાખ રૂપિયા, ચાર વર્ષ પછી 3 લાખ રૂપિયા, 5 વર્ષ પછી 5.5 લાખ રૂપિયા અને 10 વર્ષ પછી સંપૂર્ણ રકમ આપશે.