ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ મે ૨૦૨૧
સોમવાર
દેશમાં ચાલતા રસીકરણ અભિયાનમાં વારંવાર નવા બદલાવ થઈ રહ્યા છે. હવે ભારત સરકારે કોવિન પોર્ટલ પર કરેલા નવા બદલાવ પ્રમાણે કોવિશીલ્ડનો બીજો ડોઝ ૮૪ દિવસ બાદ જ લઈ શકાશે. એ પહેલાં રજિસ્ટ્રેશન થઈ શકશે નહિ.
આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ડૉ. એન. કે. અરોરાની અધ્યક્ષતાવાળા કોવિડ વર્કિંગ ગ્રુપે કોવિશીલ્ડ રસીના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર ૧૨-૧૬ અઠવાડિયાં સુધી વધારવાની ભલામણ કરી હતી. આ ભલામણને ભારત સરકારે ૧૩મી મેના રોજ સ્વીકારી છે. આ બાબતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ જાણ કરવામાં આવી છે.” મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે જરૂરી બદલાવ હવે કોવિન પોર્ટલમાં કરવામાં આવ્યા છે. પરિણામે જો કોઈ લાભાર્થી માટે પ્રથમ ડોઝની તારીખ પછીનો સમયગાળો ૮૪ દિવસથી ઓછો હોય તો એપ અથવા સાઇટ પર બીજા ડોઝ માટે અપોઇન્ટમેન્ટ મળશે નહીં.
આ રાજ્યમાં યુવકોને લોકડાઉન તોડવા બદલ મળી નાગિન ડાન્સ કરવાની સજા,વીડિયો થયો વાયરલ;જાણો વિગત…
ઉલ્લેખનીય છે કે કોવિશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ લેવાની મુદત સરકાર સતત વધારી રહી છે. પહેલાં આ મુદત ૨૮ દિવસની હતી, જેને વધારી ૪૨ દિવસ અને હવે ૮૪ દિવસ કરવામાં આવી છે. આ ઉપરાંત નૅશનલ ટેક્નિકલ ઍડ્વાઇઝરી ગ્રુપ ઑનઇમ્યુનાઇઝેશન (એનટીએજીઆઇ)એ પણ સરકારને કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે ૧૨થી ૧૬ અઠવાડિયાંનું અંતર રાખવાની ભલામણ કરી હતી. ઉપરાંત કેન્દ્ર સરકારે નીમેલી તજ્જ્ઞોની સમિતિ કોવિશીલ્ડના બીજા ડોઝની મુદત બાબતે સંશોધન કરી રહી હતી. સમિતિનું તારણ હતું કે છ અઠવાડિયાં બાદ જો બીજો ડોઝ આપવામાં આવે તો એની અસરકારતા ૫૫.૧ ટકા અને જો ૧૨ અઠવાડિયાં બાદ આપવામાં આવે તો એની અસરકારતા ૮૧.3 ટકા થઈ જાય છે.