ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 30 એપ્રિલ 2021.
શુક્રવાર
દેશમાં વધતા કોરોના પ્રકોપથી બચવા દેશનો અતિ શ્રીમંત વર્ગ પોતાના પૈસાના જોરે પરદેશ ભણી દોટ મૂકી રહ્યો છે.
ભારત દેશમાં એક વર્ગ અત્યારે એવો છે કે, જેઓ સતત કોરોના મહામારી સામે લડી રહ્યા છે. તેમના રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓને અવગણીને પણ તેઓ આ મહામારીથી બચવા જ ઝઝૂમી રહ્યા છે. ત્યાં જ દેશનો બીજો વર્ગ એવો છે જે કોરોના મહામારીથી બચવા પોતાની શ્રીમંતાઈના જોરે પ્રાઇવેટ જેટ દ્વારા પરદેશ જવાની વાટ પકડી રહ્યા છે.
ભારતમાં ચાલતા કોરોના મહામારીને કારણે દુનિયાના એવા અમુક દેશો છે કે જેમણે ભારતીય પ્રવાસીઓને પોતાના પ્રદેશમાં આવવા માટે રોક લગાવી દીધી છે. જ્યારે અમુક દેશો એવા પણ છે કે જે પ્રતિબંધ લાદવાનો વિચાર કરી રહ્યા છે. બ્રિટન, કેનેડા, સંયુક્ત આરબ અમીરાત અને હોંગકોંગ જેવા દેશોએ પોતાના દેશમાં ભારતીય પ્રવાસીઓના આગમન માટે અનેક પ્રતિબંધો લાદી દીધા છે. તો આવી પરિસ્થિતિમાં શ્રીમંતવર્ગ અથવા જેઓને ટિકિટના પૈસા પડે છે તેવો વર્ગ પ્રાઇવેટ જેટ દ્વારા લંડન અને દુબઈમાં દાખલ થઈ ગયા હતો. નવી દિલ્હીથી દુબઇની એક તરફી ફ્લાઇટની કિંમત આશરે 15 લાખ રૂપિયા (20,000 ડોલર) છે, જેમાં ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને અન્ય ફીનો સમાવેશ થાય છે, વિમાન ખાલી હોય તો ખાનગી-જેટ ઓપરેટરો પરત આવવા માટે પણ ફ્લાઇટ ચાર્જ લે છે.
જોકે ખાનગી હવાઇ મથકોની ટિકિટ પહેલેથી જ ઊંચી હતી અને તેમાં વધારો કરવામાં આવ્યો નથી, એરલાઇન ટિકિટના ભાવમાં વધારો થયો છે.