ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર, 2021
ગુરુવાર
તહેવારોની સિઝનમાં જોરશોરથી ધંધો કરવા માટે ઉત્સાહિત દિલ્હી સહિત દેશભરના વેપારીઓ હવે લગ્નની સિઝનની રાહ જોઈ રહ્યા છે. 14 નવેમ્બરથી 13 ડિસેમ્બરમાં લગ્નનો પ્રથમ તબક્કો શરૂ થશે. જેમાં દેશભરમાં લગભગ 25 લાખ લગ્નો થવાની ધારણા છે. માનવામાં આવી રહ્યું છે કે આ સિઝનમાં 3 લાખ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થઈ શકે છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા એક મીડિયા સંસ્થાને જણાવ્યા અનુસાર આ સિઝનમાં રાજધાની દિલ્હીમાં 1.5 લાખથી વધુ લગ્નો થવાની ધારણા છે. જેના કારણે દિલ્હીમાં જ લગભગ 50 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની સંભાવના છે.
ગત બે વર્ષમાં કોવિડ અને લગ્નના બહુ ઓછા મુહૂર્તના દિવસો તેમજ સરકાર દ્વારા લાદવામાં આવેલા ઘણા નિયંત્રણોને કારણે ખૂબ જ ઓછી સંખ્યામાં લગ્ન પ્રસંગ યોજાયા હતા. CAITના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે એક મીડિયા સંસ્થાને જણાવ્યું હતું કે લગ્નની સિઝનમાં સારો વ્યાપાર થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને દેશભરના વેપારીઓએ ઝીણવટભરી તૈયારીઓ કરી લીધી છે. લગ્નની સિઝન પહેલા ઘર રીપેરીંગ અને કલરકામનો ધંધો મોટા પ્રમાણમાં થાય છે. બીજી તરફ, ઘરેણાં, વસ્ત્રો, પગરખાં, કંકોત્રી, ડ્રાય ફ્રૂટ્સ, મીઠાઈઓ, ફળો, લગ્નમાં વપરાતી પૂજાની વસ્તુઓ, કરિયાણા, અનાજ, શણગારની વસ્તુઓ, ઈલેક્ટ્રીકલ વસ્તુઓનું વેચાણ વધી જાય છે.
દિલ્હી સહિત દેશભરમાં બેન્ક્વેટ હોલ, હોટેલ્સ, ખુલ્લા લૉન, ફાર્મ હાઉસ અને લગ્ન માટેના અન્ય ઘણા પ્રકારના સ્થળો સંપૂર્ણ રીતે તૈયાર છે. એક્સેસરીઝની ખરીદી ઉપરાંત લગ્ન સાથે વિવિધ સેવાઓ પણ સંકળાયેલી છે. જેમાં ટેન્ટ ડેકોરેટર, ફૂલ ડેકોરેશન, ક્રોકરી, કેટરિંગ સર્વિસ, ટ્રાવેલ સર્વિસ, કેબ સર્વિસ, વેલકમિંગ પ્રોફેશનલ ગ્રુપ્સ, વેજીટેબલ વેન્ડર, ફોટોગ્રાફર્સ, વિડીયોગ્રાફર્સ, બેન્ડ- બાજા, શહેનાઈ, ઓરકેસ્ટ્રા, ડીજે, વરઘોડો કાઢવા માટેના ઘોડા, લાઈટ વાળા અને બીજી અનેક પ્રકારની સર્વિસ આ વખતે મોટો બિઝનેસ કરે તેવી શક્યતા છે. સાથે ઈવેન્ટ મેનેજમેન્ટ પણ એક મોટા બિઝનેસ તરીકે ઉભરી આવ્યું છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ એક મહિનાની વેડિંગ સિઝનમાં લગભગ 5 લાખ લગ્નો એવા છે જેમાં પ્રત્યેકનો ખર્ચ લગભગ 2 લાખ રૂપિયા હશે. અન્ય 5 લાખ લગ્નોમાં એક લગ્ન દીઠ ખર્ચ લગભગ 5 લાખ જેટલો થવાનો અંદાજ છે. 10 લાખ લગ્નો એવા થશે જેમાં લગ્ન દીઠ 10 લાખ, 4 લાખ લગ્ન જેમાં લગ્ન દીઠ 25 લાખનો ખર્ચ, 50 હજાર લગ્ન જેમાં લગ્ન દીઠ આશરે 50 લાખ અને 50 હજાર લગ્નો જેમાં 1 કરોડ કે તેથી વધુ રકમના ખર્ચનો અંદાજ છે. આ બધાને જોડીને આગામી એક મહિનામાં લગ્નની સિઝનમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો વેપાર બજારોમાં થશે.