ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
દેશમાં મહત્તમ ખાનગી અને સરકારી કંપનીઓના કર્મચારીઓ શ્રમ મંત્રાલયના નવા નિયમોને લઈને ચિંતામાં છે. શું આગામી મહિનાથી મોદી સરકાર નવા લેબર કોડ નિયમો લાગુ કરશે કે? આ નિયમો લાગુ થયા બાદ કામના કલાકો વધી જશે અને હાથમાં આવતો પગાર ઘટી જશે. જોકે રાજ્ય સરકારે આ નિયમો લાગુ કરવાની તૈયારી હજી બતાવી નથી.
આવા છે નવા શ્રમ નિયમો
– નવા નિયમો લાગુ થયા બાદ કર્મચારીઓની ટેક હોમ સેલેરી ઘટી જશે. જોકે પીએફ-ગ્રૅજ્યુટીમાં વધારો થશે.
– મૂળ વેતન કુલ વેતનના 50 ટકા હોવું જોઈએ. જેને લીધે ઘણા બધા કર્મચારીઓના પગારનું સ્ટ્રક્ચર બદલાઈ જશે. મૂળ વેતન વધવાથી પીએફ અને ગ્રૅજ્યુટીમાં કપાતી રકમ વધી જશે. જેથી વ્યક્તિના હાથમાં આવતી સેલેરી ઘટી જશે પણ રિટાયરમેન્ટ વખતે મળતી પીએફની રકમ વધશે.
– કર્મચારીઓના કામનો સમય વધારીને 12 કલાક કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. જોકે શ્રમ સંગઠનો આ બાબતે વિરોધ કરી રહ્યાં છે. કોડના ડ્રાફ્ટ નિયમોમાં 15થી 30 મિનિટ વચ્ચે વધારાના કામને પણ 30 મિનિટ ગણીને ઓવરટાઇમમાં સમાવેશ કરવાનું પ્રાવધાન છે. અત્યારના નિયમ પ્રમાણે ૩૦ મિનિટથી ઓછો સમય ઓવરટાઇમમાં ગણાતો નથી. ડ્રાફ્ટ નિયમોમાં કોઈ પણ કર્મચારીને 5 કલાકથી વધુ કામ કરવાની મનાઈ છે. કર્મચારીને દર 5 કલાક પછી અડધો કલાક આરામ લેવો જોઈએ.
સંસદનાં બંને સદનોમાં આ નવા નિયમો પસાર કરાયા છે. રાજ્ય સરકાર દ્વારા નિયમોને અધિસૂચિત કર્યા બાદ જ નિયમ રાજ્યમાં લાગુ થઈ શકશે.