ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર, 2021
મંગળવાર
5 વર્ષ પહેલાં 8 નવેમ્બર 2016ના દિવસે મોદી સરકારે નોટબંધીનો મોટો નિર્ણય લીધો હતો. આ પછી રૂપિયા 500 અને 1000 રૂપિયાની નોટોને અમાન્ય જાહેર કરવામાં આવી હતી. મોદી સરકારે નોટબંધીનો નિર્ણય મુખ્યત્વે કાળા નાણાં પર અંકુશ લાવવાના હેતુથી લીધો હતો.
નોટબંધી બાદ સરકારને આશા હતી કે લોકો ડિજિટલ ટ્રાન્જેક્શન વધુ કરે, પરંતુ નાણાકીય વર્ષ 2020-21માં GDP ના અનુપાતમાં ચલણી નોટોનો વ્યવહાર તેના ઉચ્ચતમ સ્તર 14.5 ટકા પર પહોંચી ગયો હતો.
GDPમાં થયો વધારો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના તાજેતરના ડેટા અનુસાર, 4 નવેમ્બર, 2016ના રોજ રૂ. 17.74 લાખ કરોડની નોટો ચલણમાં હતી, જે 29 ઓક્ટોબર, 2021ના રોજ વધીને રૂ. 29.17 લાખ કરોડ થઈ ગઈ છે. RBI ડેટા અનુસાર, 30 ઓક્ટોબર 2020ના રોજ ચલણમાં રહેલી નોટોનું મૂલ્ય 26.88 લાખ કરોડ રૂપિયા હતું. જે 29 ઓક્ટોબર, 2021 સુધી વધીને 2,28,963 રૂપિયા થઈ છે.
વધુમાં, વર્ષ 2020-21 દરમિયાન ચલણમાં બેંકનોટના મૂલ્ય અને જથ્થામાં અનુક્રમે 16.8 ટકા અને 7.2 ટકાનો વધારો થયો હતો, જ્યારે 2019-20 દરમિયાન તેમાં અનુક્રમે 14.7 ટકા અને 6.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો. નાણાકીય વર્ષ 2020-21માં ચલણમાં બેંક નોટોની સંખ્યામાં વધારો કોરોનાને કારણે થયો હતો. લોકોએ મહામારી દરમિયાન સાવચેતી તરીકે તેમની રોકડ રાખી હતી.
UPIનો વપરાશ વધ્યો
UPIને વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચ કર્યા બાદ તરત જ તેને વાપરનારા લોકોની સંખ્યા વધી ગઈ હતી. ઓક્ટોબર 2021માં 421 કરોડ લોકોએ UPI દ્વારા ટ્રાન્ઝેક્શન કર્યું હતું. રકમ હિસાબે જોઈએ તો UPI દ્વારા 7.71 લાખ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું.