વડા પ્રધાન મોદીની જિલ્લા અધિકારીઓ અને મુખ્ય પ્રધાન સાથેની બેઠક બાદ આ મુખ્ય પ્રધાને કહ્યું મને બોલવાની તક ન મળી; જાણો શું છે સમગ્ર મામલો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
દેશમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિને પગલે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ રાજ્યોના ૫૪ જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્ય પ્રધાનો પણ સામેલ હતા. આ બેઠક બાદ મમતા બેનર્જીએ પ્રેસ-કૉન્ફરન્સ કરી વડા પ્રધાન મોદી પર નિશાન સાધતાં કહ્યું હતું કે મને બોલવાની તક જ ન મળી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક પૂરી થયા બાદ મમતા બેનર્જીએ પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે “માત્ર ભાજપના કેટલાક મુખ્ય પ્રધાનોએ જ તેમની વાત વડા પ્રધાન સમક્ષ મૂકી. અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો કઠપૂતળીની જેમ ચૂપ બેઠા હતા. હું પણ કંઈ બોલી ન શકી.” મમતાએ ઉમેર્યું હતું કે “હું પોતે જ પીએમ મોદીને દવાઓ અને વેક્સિનની માગ કરવાની હતી, પરંતુ મને બોલવાની તક જ ન અપાઈ.”
ઉલ્લેખનીય છે કે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સ દ્વારા છત્તીસગઢ, હરિયાણા, કેરેલા, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પુડુચેરી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં આ રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ સામેલ હતા.