ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
રાજકીય દબાવ તથા પોતાની નોકરી ટકાવી રાખવા માટે પોતે બાર અને રેસ્ટોરાંના માલિકો પાસેથી પૈસા ઉધરાવ્યા હોવાની કબૂલાત નિલંબિત પોલીસ અધિકારી સચિન વાઝેએ કરી છે. પોતાને નોકરીમાં પાછો લેવા માટે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધ્યક્ષ શરદ પવારને રાજી કરવા માટે ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે તેની પાસેથી બે કરોડ રૂપિયાની માગણી કરી હોવાની ચોંકાવનારી માહિતી પણ સચિન વાઝેએ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરટ (ઈડી)ને આપી છે.
મુંબઇ પર આતંકવાદીઓનું જોખમ : જોગેશ્વરી માંથી એક વ્યક્તિની ધરપકડ થઇ.
ઘાટકોપર બ્લાસ્ટના આરોપી ખ્વાજા યુનૂસનું પોલીસ કસ્ટડીમાં થયેલા મોતના પ્રકરણમાં સચિન વાઝેને 2004માં પોલીસમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. 2020માં તેને ફરી સેવામાં લેવામાં આવ્યો હતો. તેને ફરી નોકરી પર રાખવા સામે શરદ પવારનો વિરોધ હતો. એથી તેમને રાજી કરવા માટે અનિલ દેશમુખે પોતાની પાસે બે કરોડ રૂપિયા માગણી કરી હતી, પરંતુ આટલી મોટી રકમ આપવા પોતે અસમર્થતા દર્શાવી હતી. એથી અનિલ દેશમુખે તેને મુદત આપી હોવાનું પણ સચિને ઈડીને કહ્યું છે. અનિલ દેશમુખ માટે કર્મશિયલ એસ્ટાબ્લિશમેન્ટ પાસેથી પોતે પૈસા ઉઘરાવ્યા હતા, પરંતુ તેનો પોતે કોઈ લાભ લીધો ન હોવાનો દાવો પણ સચિન વાઝેએ કર્યો છે.