ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર
કેન્દ્ર સરકારે આધાર કાર્ડને લઈને નવો કાયદો બનાવ્યો છે. હવે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ને આધાર એક્ટનું પાલન ન કરનારાઓ સામે 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવાની સત્તા આપવામાં આવી છે. કાયદો પસાર થયાના લગભગ બે વર્ષ પછી, 2 નવેમ્બર 2021ના રોજ આ નિયમ કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત કરાયો છે.
આધાર કાર્ડના દુરુપયોગના ઘણા કેસ સામે આવે છે. અન્ય વ્યક્તિ કોઈના આધાર કાર્ડનો ગેરકાયદે ઉપયોગ કરે છતાં અત્યાર સુધી UIDAIને આ અંગે કોઈ પગલાં લેવાની સત્તા આપવામાં આવી ન હતી.
આ નવા નિયમ હેઠળ, UIDAI આધાર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે અધિકારીઓની નિમણૂક કરી શકશે.
સાથે જ ગુનેગારોને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.
વર્ષ 2019માં પસાર થયેલા કાયદામાં દલીલ કરવામાં આવી હતી કે, "ગોપનીયતાના રક્ષણ માટે અને UIDAIની સ્વાયત્તતાને સુનિશ્ચિત કરવા માટે તેમાં સુધારો કરવાની જરૂર છે." ત્યારબાદ નાગરિક દંડની જોગવાઈ માટે આધાર એક્ટમાં એક નવું પ્રકરણ ઉમેરવામાં આવ્યું.
જો UIDAIના નિયમોનું ઉલ્લંઘન થાય તો નવા નિયમ હેઠળ ફરિયાદ નોંધાવી શકાય છે. નિયુક્ત અધિકારીઓ આ કેસની સુનાવણી કરશે અને ઉલ્લંઘન કરનારાઓને એક કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. UIDAI તેના કોઈપણ અધિકારીઓને પ્રેઝન્ટિંગ ઓફિસર તરીકે નોમિનેટ કરી શકે છે. તે અધિકારી ઓથોરિટી વતી આ બાબતને નિર્ણાયક અધિકારી સમક્ષ રજૂ કરશે.
વર્તમાનમાં સરકારી યોજનાઓનો લાભ લેવાથી લઈને સિમ કાર્ડ, પાન કાર્ડ, ઈન્કમ ટેક્સ રિટર્ન વગેરે સુધી દરેક જગ્યાએ આધાર ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે આધાર કાર્ડનો ઘણી વખત દુરુપયોગ થાય છે.