ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨3 જૂન ૨૦૨૧
બુધવાર
ઉત્તર પ્રદેશમાં ઍન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ મૂક-બધિર વિદ્યાર્થીઓને માનવબૉમ્બ બનાવીને ભારત સહિત દુનિયામાં આતંકવાદ ભડકાવવાના કાવતરાને ઉઘાડું પાડ્યું છે. આ ટોળકીનાં સંગઠનોએ દેશના વિવિધ ભાગોમાં પગ પેસારો કર્યો છે. આ કાવતરું ઘડવા બદલ બે શખસોની ધરપકડ કરાઈ છે. નોઇડા સ્થિત ડેફ સોસાયટીમાં ભણતા વિદ્યાર્થીઓ બોલવા અને સાંભળવામાં અસમર્થ હોવાથી આવા વિદ્યાર્થીઓનું બ્રેઇનવૉશ કરી આ માસૂમ વિદ્યાર્થીઓના માધ્યમથી આતંકવાદી ઘટનાને અંજામ આપવાનું કાવતરું રચવામાં આવ્યું હતું.
આ કાવતરાખોરોને મુખ્યત્વે પાકિસ્તાન અને અરબ દેશોમાંથી ફંડિંગ કરવામાં આવતું હોવાની વાત બહાર આવી છે. કાવતરાના ભાગરૂપે વિપુલ વિજયવર્ગીય અને કાસીફને ગાઝિયાબાદ સ્થિત દેવી મંદિરમાં મોકલાયા હતા. તપાસમાં આ બન્નેના દેશનાં અનેક કટ્ટરપંથી સંગઠનો સાથેના સંબંધો, ઉજાગર થયા છે. એજન્સીઓ તેના નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. નોઇડાના વરિષ્ઠ અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો મૂક-બધિર વિદ્યાર્થીઓ અને મહિલાઓને પોતાનો શિકાર બનાવતા હતા.
ખાસ કરીને ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્થાના વિદ્યાર્થીઓને પોતાના શિકાર બનાવતા હતા. મૂક-બધિર વિદ્યાર્થીઓનું બ્રેઇનવૉશ કરી, માનવબૉમ્બનાં રૂપમાં તેમનો ઉપયોગ કરી દેશમાં આતંકની આગ ભડકાવવાનું કાવતરું અપરાધીઓએ રચ્યું હતું.