News Continuous Bureau | Mumbai
Azam Khan સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મંત્રી આઝમ ખાન 23 મહિના બાદ જેલમાંથી મુક્ત થયા છે. સફેદ કુર્તા-પાયજામા, કાળી જેકેટ અને કાળા ચશ્મા પહેરીને આઝમ ખાન સીતાપુર જેલમાંથી બહાર આવ્યા અને કારમાં બેસીને પુત્રો સાથે રામપુર જવા રવાના થઈ ગયા. આ દરમિયાન, મીડિયાએ તેમની સાથે વાત કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ આઝમ ખાને કોઈની સાથે વાત કરી નહી અને કારનો કાચ પણ નીચે ઉતાર્યો નહીં.
સમાજવાદી પાર્ટીએ ન્યાયનું સ્વાગત કર્યું
આઝમ ખાનની જેલમાંથી મુક્તિ પર ખુશી વ્યક્ત કરતા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે આજે તેમની સાથે ન્યાય થયો છે. તેમણે આઝમ ખાનને સમાજવાદી પાર્ટી પરિવારના વરિષ્ઠ સભ્ય ગણાવ્યા અને કહ્યું કે સપાની સરકાર બનતા જ તેમના પર લગાવેલા તમામ ખોટા કેસ ખતમ કરી દેવામાં આવશે. આઝમ ખાનની મુક્તિ પહેલા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શિવપાલ સિંહ યાદવનું પણ નિવેદન આવ્યું. તેમણે કહ્યું કે સરકારે તેમને ખોટી સજાઓ આપી હતી, પરંતુ અદાલતે તેમને કેસોમાં રાહત આપી છે, જેનું અમે સ્વાગત કરીએ છીએ.
સમર્થકો નો જમાવડો
આઝમ ખાનની મુક્તિના સમયે તેમને લેવા માટે મંગળવારે સવારે સીતાપુર જેલ પર સેંકડો સમર્થકો સાથે સપાના સાંસદ રુચિ વીરા પણ પહોંચ્યા હતા. સવારથી જ સીતાપુર જેલ પર મીડિયા પણ એકઠું થયું હતું. આઝમ ખાનની મુક્તિ મંગળવારે સવારે સાત વાગ્યે થવાની સંભાવના હતી, પરંતુ ચલણ જમા ન થવાને કારણે તેમાં થોડો વિલંબ થયો. આઝમ ખાન લગભગ 12 વાગ્યે જેલમાંથી મુક્ત થયા.
આ સમાચાર પણ વાંચો : H-1B Visa: વિઝા વિવાદ વચ્ચે ભારતીય મૂળના 2 પ્રોફેશનલ્સને પ્રમોશન! આ અમેરિકન કંપનીઓએ બનાવ્યા સીઇઓ
રામપુર પહોંચતા સ્વાગતની તૈયારી
જેલમાંથી બહાર નીકળતી વખતે આઝમ ખાન સફેદ કુર્તા-પાયજામા અને કાળા ચશ્મામાં હતા. તેમણે પોતાના પુત્રો (અબ્દુલ્લા આઝમ અને અદીબ આઝમ) સાથે રામપુર માટે પ્રયાણ કર્યું. રસ્તામાં આઝમ ખાન સાથે વાત થવાની આશામાં ઘણા મીડિયાકર્મીઓની ગાડીઓ પણ તેમના કાફલાની પાછળ ચાલી રહી હતી. રામપુરના રસ્તા પર અને રામપુરમાં પણ ઠેર ઠેર સમર્થકોએ આઝમ ખાનના સ્વાગતની તૈયારી કરી છે.