ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
11 નવેમ્બર 2020
હુરન ઇન્ડિયા અને એડલગિવે ગઈકાલે (મંગળવારે) ‘એલ્ડગિવ હારૂન ઈન્ડિયા ફિલેન્થ્રપી 2020’ સૂચિ જાહેર કરી હતી. આ સૂચિ પ્રમાણે ભારતમાં સૌથી મોટા દાનવીર વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજી છે. તેમણે એક વર્ષમાં 7904 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. એટલે કે રોજના અંદાજે 22 કરોડ રૂપિયા આપ્યા છે. આ સૂચિમાં બીજા ક્રમે એચસીએલ ટેકનોલોજીના શીવ નાદર છે, જેમણે દાન 795 કરોડ દાન કર્યું હતું. જ્યારે ત્રીજા ક્રમે 458 કરોડ સાથે મુકેશ અંબાણી છે. ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અદાણીએ પણ દાન આપવામાં ભારે કંજૂસાઈ કરી છે. 88 કરોડની મામુલી રકમ સાથે તેઓ નવમા ક્રમે છે.
ઉલ્લેખનીય છે કે જીવલેણ મહામારી કોરોના પછી અજીમ પ્રેમજીએ 1લી એપ્રિલના દિવસે 1125 કરોડના દાનની જાહેરાત કરી હતી. તેનો પણ સમાવેશ આ રકમમાં કરી દેવાયો છે. પ્રેમજી પહેલેથી જ પોતાની 67 ટકા સંતપિ દાનમાં આપવાનું જાહેર કરી ચૂક્યા છે. આ રિપોર્ટમાં તેમના માટે લખાયું છે કે ભારતમાં દાન કરનારાઓ માટે અજીમ પ્રેમજી રોલ મોડેલ છે. હારૂન અને એલ્ડગિવ બન્ને મળીને ભારતમાં દર વર્ષે દાન-ધરમની સૂચિ તૈયાર કરે છે. આ લિસ્ટમાં 1લી એપ્રિલ 2019થી 31 માર્ચ 2020 સુધીનો સમયગાળો ધ્યાનમાં લેવાયો છે.
નોંધનીય છે કે સૂચિમાં દાનવીરની કુલ સંખ્યા 112 છે. બધાએ મળીને 12,050 કરોડનું દાન કર્યું હતું, જે ગત વર્ષ કરતા 175 ટકા વધારે છે. તો વળી જેમણે 10 કરોડથી વધારે દાન કર્યું હોય એવા દાનવીરોની સંખ્યા વધીને 37માંથી 78 થઈ છે. સેક્ટર મુજબ જોવામાં આવે તો સૌથી વધુ દાન શિક્ષણને મળ્યું છે. શિક્ષણમાં કુલ 9,324નું દાન મળ્યું છે. ત્યાર બાદ આરોગ્ય (667 કરોડ), ડિઝાસ્ટર રિલિફ-મેનેજમેન્ટ (359 કરોડ), ગ્રામ્ય વિકાસ (274 કરોડ) અને પર્યાવરણ વિકાસને (181 કરોડ) દાન મળ્યું હતું. શહેર મુજબ જોઈએ તો સૌથી વધુ 36 દાનવીરો મુંબઈમાંથી આવ્યા છે. એ પછી દિલ્હીના 20 અને બેંગાલુરના 10 દાનવીરો લિસ્ટમાં નોંધાયા છે.
