ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
યોગગુરુ બાબા રામદેવે રવિવારે ઍલૉપથિક મેડિસિન અંગે આપેલું નિવેદન પાછું ખેંચી લીધું છે. તેમના આ નિવેદનનો ડૉક્ટરોએ જોરદાર વિરોધ કર્યો હતો. ત્યાર બાદ કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડૉ. હર્ષવર્ધને રવિવારે કડક શબ્દોમાં એક પત્ર લખીને બાબા રામદેવને નિવેદન પાછું લેવાનું કહ્યું હતું અને મોડી સાંજે રામદેવે નિવેદન પાછું ખેંચ્યું હતું.
આરોગ્યપ્રધાનના પત્રનો જવાબ આપતાં બાબા રામદેવે પત્ર લખી કહ્યું હતું કે “હું તબીબી વિજ્ઞાનના તમામ પ્રકારનો આદર કરું છું. ઍલૉપથીએ ઘણા લોકોનો જીવ બચાવ્યો છે. હું આ વિવાદ શાંત કરવા માગું છું.” તેમણે સોશિયલ મીડિયા પર આ પત્ર શૅર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે તમારો પત્ર મળ્યો છે. એના સંદર્ભમાં હું તબીબી વિજ્ઞાનના સમગ્ર વિવાદને અટકાવી મારું નિવેદન પાછું ખેંચું છું. હર્ષ વર્ધને લખ્યું હતું કે “તમારું નિવેદન કોરોના સામેની લડતને નબળી બનાવશે. આરોગ્ય કર્મચારીઓ અને ઍલૉપથી સાથે સંકળાયેલા ડૉક્ટરો ખૂબ જ મહેનતથી કોરોનાના દર્દીઓનું જીવન બચાવી રહ્યા છે. તમારા નિવેદનથી કોરોના સામે ચાલી રહેલી લડત નબળી પડી શકે છે. આશા છે કે તમે તમારું નિવેદન પાછું ખેંચશો.”
નિવેદન આપીને બાબા રામદેવ ફસાયા : હવે આરોગ્ય વિભાગે આંખો કાઢી; જાણો શું છે મામલો
ઉલ્લેખનીય છે કે એક વાયરલ થયેલા વીડિયોમાં બાબા રામદેવે કહ્યું હતું કે “ઍલૉપથી એક સ્ટુપીડ સાયન્સ છે.” ત્યાર બાદ આ સમગ્ર વિવાદ જાગ્યો હતો. શનિવારે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ ઍલૉપથી અંગે બાબા રામદેવના નિવેદન સામે આપત્તિ જતાવી હતી અને આરોગ્યપ્રધાનને પત્ર લખ્યો હતો. IMAએ રામદેવ વિરુદ્ધ ખટલો ચલાવવાની માગ કરી હતી.