News Continuous Bureau | Mumbai
Beejamrut કૃષિ બીજનું અમૃત્ત એટલે બીજામૃત્ત: બીજામૃત્તનો ઉપયોગ પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં વાવણી પહેલા બીજને પટ આપવા માટે થાય છે*
ખાતરને બદલે ખેતરમાં જ બનાવેલ બાયો-કલ્ચર એટલે બીજામૃત્ત*
માહિતી બ્યુરો-સુરત:શુક્રવાર: કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઈકો સિસ્ટમની રચના કરી છે અને આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ. પ્રાકૃતિક કૃષિ એ કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકો આપવાનો, બહારની ખેત સામગ્રી વગર ખેત ઉપાદન કરવાના સિધ્ધાત-સામગ્રી વગર ખેત ઉત્પાદન કરવાના સિદ્ધાંતને આધારિત છે. જીવામૃત્ત અને ઘનજીવામૃત્તની જેમ બીજામૃત્ત પણ પ્રાકૃતિક ખેતીનો પ્રાણ છે. બીજામૃત્તનો ઉપયોગ પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં વાવણી પહેલા બીજને પટ આપવા માટે થાય છે. કોઈપણ પાકની વાવણી કરતા પહેલા બીજામૃત્ત થી બીજને પટ આપવો ખૂબ જ જરૂરી છે. રાસાયણિક ખેતી પદ્ધતિમાં પણ બીજની માવજત જંતુનાશકથી કરવામાં આવે છે. પરંતુ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત્તનો ઉપયોગ થાય છે, તેવી જ રીતે તેનો ઉપયોગ રાસાયણિક અથવા સજીવ ખેતીમાં પણ કરી શકાય છે અને શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાય છે.
બીજામૃત્તને બીજ અમૃત તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજામૃત્ત દ્વારા બીજનો ઉગાવો સારો મળે છે અને છોડમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બીજામૃત્ત થી જમીનજન્ય ફૂગ સામે રક્ષણ છે.
બીજામૃત્ત બનાવવા, ૧૦૦ કિગ્રા બિયારણને પટ આપવા માટે ૨૦ લિટર પાણી(વધુમાં વધુ) + ૫ લિટર દેશી ગાયનું ગોબર+ ૧ મૂઠી વડ નીચેની માટી / શેઢા + પાળાની માટી/રાફડાની માટી આ મિશ્રણને કોથળાથી ઢાંકી, રાતભર રાખ્યા બાદ સવારે હલાવી સ્થિર થયા બાદ ઉપયોગમાં લઈ શકાય.
*વાવણી પહેલા બિયારણને બીજામૃત્તનો પટ આપવાની રીત*
(૧) મગફળી અને સોયાબીન માટે બંને પાકની બહારની ફોતરી ખૂબ જ નરમ હોવાથી તેના બીજને પટ આપતી વખતે બીજામૃત્તને બદલે ઘન જીવામૃત્તનો ઉપયોગ ૧૦:૧ ના પ્રમાણમાં કરવો એટલે કે ૧૦ કિગ્રા બિયારણ હોય તો ૧ કિગ્રા ઘન જીવામૃત્ત ભેળવવું.
(૨) ધાન્ય અને તેલીબિયા પાકોમાં ચોખા, બાજરા, મકાઈ, જુવાર, ઘઉં, તલ, અળસી, સૂર્યમુખી, કપાસ, કસુંબી વેગેર પૈકી જે વાવવું હોય તે બીજ પાથીને બીજામૃત્તનો છંટકાવ કરવો ત્યારબાદ તેને હાથથી બરોબર મિશ્ર કરવું અને છાયડામાં સુકવવું.
(૩) કઠોળ વર્ગના પાકમાં મગ, મઠ, અડદ, તુવેર, ચોળા, ચોળી, વાલ, વટાણા, રાજમા કે મેથી જેવા પાકમાં બીજામૃત્તનો છંટકાવ કર્યા બાદ બે હાથોથી મસળવાને બદલે ફક્ત આંગળીઓ ફેરવી ધીરેથી ઉપર નીચે કરવું અને છાયામાં સુકવવું.
(૪) કંદમૂળમાં બટાકા, હળદર, આદું, કેળ કે શેરડીના વાવેતર માટે તેની કાતરી સુંડામાં લઈ તેને બીજામૃત્તમાં થોડી સેકન્ડ માટે ડૂબાડીને કાઢયા બાદ વાવવું.
(૫) શાકભાજીમાં બહારથી લીધેલા શાકભાજીના પેકેટને તોડી, પાણીથી ધોઈને બીજામૃત્તમાં ડૂબાડીને વાવવું જેથી કાંપનીનો પટ ધોવાઈ જાય.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
(૬) રોપા માટે રોપાના મૂળ બીજામૃત્તમાં અમુક સેકન્ડ માટે ડૂબાડીને પછી વાવવા.
આમ, પદ્ધતિસર બનાવેલા અને ઉપયોગમાં લીધેલા બીજામૃત્તના સમયસર ઉપયોગથી પાકની ગુણવત્તા સુધારી મહત્તમ પાક લઈ શકાય છે. જેથી ખેડૂતોને મબલખ ઉત્પાદન અને મહત્તમ નફો રળવાની તક મળે છે. ખાતરને બદલે ખેતરમાં જ બનાવેલ બાયો-કલ્ચર એટલે બીજામૃત્ત ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યું છે.